ભારતભરમાં યાત્રાધામ તરીકે મશહુર એવું શ્રી આરાસૂરી અંબાજી માતા મંદિર બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલું છે. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. શક્તિપીઠનું આગવું મહત્વ હોવાથી શૈવ ઉપરાંત લકુલિશ સંપ્રદાયમાં પણ ઘોર સાધના માટે અંબાજી વિશિષ્ટ સ્થાન તરીકે પ્રસિદ્ધ છે. અંબાજીમાં કોઇ મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે. શુદ્ધ સોનામાંથી બનાવેલા આ યંત્રમાં 51 અક્ષરો હોવાનું પ્રમાણ મળે છે. માતાજીના યંત્રના સ્થાનને નજરથી જોવાનું નિષેધ હોઇ પૂજારી આંખે પાટા બાંધીને પૂજા કરે છે. આ યંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાય છે.