ખાબોચીયા જેટલું પાણી અને હજારોની ભીડ, ન જતા આ વોટરફોલમાં ન્હાવા

0
932
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ચોમાસાની સીઝન છે ત્યારે કોઇ ન્યૂઝપેપરમાં કે વેબસાઇટ પર ગુજરાતના ભવ્ય વોટરફોલમાં નહાવા જવાનું વિચાર રહ્યા છો તો એકવાર થોભી જાઓ. ગુજરાતના કોઇપણ વોટરફોલમાં જતા પહેલા ત્યાંની મુલાકાતે જઇને આવેલા કોઇકને પૂછીને ખાતરી કરી લો કે ત્યાં જવા જેવું છે કે નહીં. ચાલો ફરવાના વાચક તરીકે હું જાંબુઘોડાના શિવરાજપુર નજીક આવેલા હાથણી વોટરફોલ વિશે આજે આપને જણાવીશ.

પાવાગઢથી આગળ જતાં શિવરાજપુર આવે છે. અહીંથી લગભગ 20 કિલોમીટર દૂર હાથણી વોટરફોલ આવે છે. આ વોટરફોલના ભવ્યતાના વખાણ કરતાં આર્ટીકલ્સ તમે ઘણી વેબસાઇટો કે અખબારોમાં વાંચ્યા હશે. પરંતુ આવા ન્યૂઝ વાંચીને જો તમે અત્યારે ચોમાસાની સીઝનમાં ત્યાં જવાનું વિચારી રહ્યા છો તો મારી તમને બિલકુલ ના છે. આ વોટર ફોલમાં અત્યારે ઘણાં જ ઓછા ફોર્સથી પાણી પડે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જ્યારે વરસાદ પડે ત્યારે અઠવાડિયા સુધી તેમાં ભારે ફોર્સથી પાણી આવતું હોય છે. ત્યારપછી પાણીનો પ્રવાહ ઘટતો જાય છે. બીજી ખાસ વાત એ કે આ વોટરફોલમાં જવાની જગ્યા સાંકડી છે. ઉપરથી જે રીતે પાણી પડે છે તે નીચે આવતાં સુધી એટલું ધીમું થઇ જાય કે જો તમે ઉભા રહો તો ખાલી તમારા પગ જ પલળશે. આના કરતાં તો તમારા ઘરના શાવર (ફુવારો) નીચે નાહવાનું તમને સારૂ લાગશે.

હાથણી વોટરફોલમા એક તો જગ્યા સાંકડી છે અને તેમાંય ખાસ કરીને રવિવારે હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. એટલે કે તમને વોટરફોલની નીચે ન્હાવા માટે પણ જગ્યા નહીં મળે. તમારે તમારા જોખમે પથ્થરો પર ચડીને વોટરફોલની ટોચ સુધી પહોંચવું પડશે. જેમ તેમ કરીને ત્યાં પહોંચી પણ જશો તો ત્યાં પણ અનેક લોકો પાણીના ધોધ નીચે બેઠા હશે. ધોધ જ્યાં પડે છે ત્યાં નીચે નાનકડા સ્વિમિંગ પુલ જેટલી જગ્યા છે અને તેમાં વળી હજારોની સંખ્યાંમા ન્હાવાની રાહ જોતી જનમેદની. આટલા બધા લોકો સ્નાન કરતા હોવાથી પાણી પણ ગંદુ હશે અને ન્હાવાની મજા બિલકુલ નહીં આવે. આ પાણીનો પ્રવાહ આગળ વધે છે તેમ તેના પ્રવાહના ગંદા પાણીમાં લોકો તમને ન્હાતા નજરે પડે છે. અહીં ન્હાયા પછી કપડા બદલવાની પૂરતી વ્યવસ્થા નથી. સ્થાનિકો ઝૂંપડી જેવા રૂમમાં કપડા બદલવા માટે પ્રતિ વ્યક્તિ 10 રૂપિયાનો ચાર્જ કરે છે.

વાત કરીએ પાર્કિંગની તો જો તમે બાઇક લઇને ગયા છો તો તેના 20 રૂપિયા પાર્કિંગ ચાર્જ છે પરંતુ ગાડીનો પાર્કિંગ ચાર્જ 50 રૂપિયા છે. અહીં ભોજનના કોઇ ઠેકાણાં નથી. તમારે ઘરેથી ખાવાનું લઇ જવું પડશે કારણ કે અહીં તમને બાફેલી મકાઇ, કાકડી, નમકીનના પડીકા, બિસ્કિટ, કોલ્ડડ્રીંક, પાણીની બોટલ, ભજીયા, આઇસ્ક્રિમ વગેરે મળશે. જો કે અહીંના આદિવાસીઓ દેશી જમવાનું બનાવે છે. જેનો ટેસ્ટ તમે કરી શકો છો. હવે જો તમે અમદાવાદમાં રહો છો તો લગભગ 175 કીલોમીટર દૂર ફક્ત ખાબોચીયા જેટલા પાણીમાં ન્હાવા માટે પેટ્રોલ બાળીને બિલકુલ ન જતાં.

( નોંધ: આ વાચકનો વ્યક્તિગત વિચાર છે,ચાલો ફરવા આની સાથે સંમત છે તેવું માનવું નહીં)