ખીર કેમ ખવાય છે ? કેલેન્ડર કરતાં પણ જુનો છે ઇતિહાસ

0
852
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ભારતીય ખાણીપીણીમાં ખીરનો ઇતિહાસ ઘણો જુનો છે. તહેવારો, પૂજા પાઠમાં જ્યાં આને ભગવાનના ભોગ તરીકે ચઢાવવામાં આવે છે તો જમ્યા પછી મીઠાઇ તરીકે પણ ખીર જ સૌથી વધુ પસંદ કરવામાં આવતી ડીશ છે. સૌથી ખાસ વાત એ છે કે આજે પણ આને બનાવવાની રીતમાં કોઇ ફેરફાર નથી થયો. હાં, એક્સપેરિમેન્ટ જરૂર ચાલુ છે.

હજારો વર્ષ જુનો છે ખીરનો ઇતિહાસ

ખીર અંગે જાણવું હોય તો ઇસ. 400 વર્ષ પૂર્વ બૌદ્ધ અને જૈન ગ્રંથોને વાંચો. આ ઉપરાંત, આયુર્વેદ ગ્રંથોમાં પણ ખીરનો ઉલ્લેખ છે. ફક્ત સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખીર ફાયદાકારક છે. કહેવાય છે કે ખીરનો ઇતિહાસ કેલેન્ડર કરતાં પણ જુનો છે. સંસ્કૃતના ક્ષીર શબ્દથી ખીર શબ્દ બન્યો છે. જેનો અર્થ થાય છે દૂધ. ઉત્તર ભારતની ખીર દક્ષિણ ભારતમાં પહોંચતા સુધીમાં પાયસમમાં ફેરવાઇ જાય છે. બસ ફરક એટલો હોય કે અહીં તેમાં ખાંડની જગ્યાએ ગોળ નાંખવામાં આવે છે.

દરેકને લલચાવે છે ખીરનો સ્વાદ

ખીરની લોકપ્રિયતા રોમ અને ફારસ સુધી ફેલાયેલી છે. કહેવાય છે કે રોમવાસી તો પેટને ઠંડક પહોંચાડવા માટે ખીર ખાતા હતા. અલગ-અલગ જગ્યાએ આને થોડાઘણાં ફેરફારોની સાથે બનાવવામાં આવે છે. પર્શિયામાં ખીરને ફિરનીના નામે ઓળખવામાં આવે છે. જેમાં ગુલાબજળથી લઇને સુકામેવાનો ઉપયોગ થાય છે. તો ચીનમાં આ ડીશને મધમાં ડુબાડીને ફળોની સાથે સર્વ કરવામાં આવે છે.

કેરળમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે ખીર

કેરળમાં ખીર પાયસમ નામથી જાણીતી છે. જે મંદિરોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે. ખાસ કરીને કેરળના અમ્બાલપ્પુજા મંદિરમાં. ધાર્મિક માન્યતાઓ અનુસાર એકવાર ભગવાન કૃષ્ણ સાધુનું રૂપ ધારણ કરીને આવ્યા અને અહીંના રાજાને શતરંજમાં પડકાર ફેંક્યો. તેમની શરત એ હતી કે જો તેઓ જીતે તો રાજાએ તેમને શતરંજના પ્રથમ ખાનામાં ચોખાનો એક દાણો, બીજા પર બે દાણા, ત્રીજા પર ચાર આ રીતે ગુણાંકમાં ચોખા આપવા પડશે. રાજાએ શરત માની લીધી. રાજા હાર્યા અને શરત અનુસાર સાધુને ચોખા આપવા લાગ્યા. પરંતુ થોડાક જ સમયમાં તેમને ખબર પડી ગઇ કે આટલા બધા ચોખા આપવા તેમની તાકાતની બહાર છે. ત્યાર ભગવાન કૃષ્ણએ પોતાનું અસલ સ્વરૂપ પ્રગટ કરીને કહ્યું કે તમે દેવું ચૂકવવાના બદલે અહીં આવનારા દરેક ભક્તને પાયસમનો પ્રસાદ વહેંચો. બસ ત્યારથી જ અહીં ખીરનો (પાયસમ) પ્રસાદ વહેંચવામાં આવે છે.