જો તમે ફરવા જવા માટે રાજસ્થાનના કુંભલગઢનો પ્લાન બનાવી રહ્યા છો તો થોડુંક વિચારીને જજો. કારણ કે રાજસ્થાન સરકારે આ સુંદર જગ્યાની બિલકુલ સંભાળ લીધી નથી. કુંભલગઢ જવાનો રસ્તો અનેક ખાડાઓથી ભરપુર છે. જેનાથી ઉદેપુરથી બે કલાકનું અંતર કાપતાં લગભગ ત્રણથી સાડા ત્રણ કલાક જેટલો સમય થઇ જશે.
ક્યાં છે કુંભલગઢ
કુંભલગઢ એ રાજસ્થાનમાં ફરવા જવાની એક સુંદર જગ્યા છે. ઉદેપુરથી 86 કિમી દૂર આ કિલ્લામાં મહારાણા પ્રતાપનો જન્મ થયો હતો. કુંભલગઢના કિલ્લાની દિવાલ એ ચીનની ગ્રેટ ચાઇના વોલ પછીની સૌથી લાંબી દિવાલ છે. આ દિવાલ 36 કિલોમીટર લાંબી અને 15 ફૂટ પહોળી છે. 15મી સદીમાં મહારાજા કુંભાએ આ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. આ કિલ્લાને હાલમાં જ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું છે. કિલ્લામાં કુલ 360 મંદિરો છે જેમાંથી 300 જૈન મંદિર છે. આ કિલ્લાને બનતા લગભગ 15 વર્ષ લાગ્યા હતા. દર વર્ષે અહીં હજારોની સંખ્યામાં દેશી-વિદેશી ટૂરિસ્ટ્સ આવે છે અને કુંભલગઢની આસપાસની હોટલો અને રિસોર્ટ્સમાં રોકાય છે. પરંતુ રાજસ્થાન સરકારે ફક્ત પૈસા કમાવવામાં જ ધ્યાન આપ્યું છે, સુવિધાના નામે મીંડુ છે. અહીં જવાના રસ્તા ઘણાં જ ખરબચડા છે.
કુંભલગઢ જવાના બે રસ્તા
જો તમારે ઉદેપુરથી કુંભલગઢ જવું હોય તો એક રસ્તો હલદીગાટી થઇને કુંભલગઢ જાય છે જ્યારે બીજો રસ્તો શ્રીનાથજી બાયપાસ છે. આ બન્ને રસ્તામાં હલદીગાટીથી કુંભલગઢનો 50 કિલોમીટરનો રસ્તો અત્યંત ખરાબ છે. અહીં તમારી કારની સ્પીડ માંડ 30થી 40 કિલોમીટર રહેશે. 50 કિલોમીટરનું અંતર કાપતાં તમને બે કલાક થશે. બીજો રસ્તો શ્રીનાથજી થઇને જવાનો છે. આ રસ્તો થોડોક સારો છે પરંતુ આ બન્ને સિંગલપટ્ટી રોડ છે. શ્રીનાથજી સુધી નેશનલ હાઇવે 48 છે. જેમાં 120 રૂપિયા ટોલટેક્સ હોવાથી રસ્તો સુંદર છે પરંતુ શ્રીનાથજીથી કુંભલગઢ જવાનો રસ્તો ખાડા-ખૈયાવાળો છે. વચ્ચે વચ્ચે કેટલાક ગામમાં સારા રસ્તા આવે છે પરંતુ તે થોડાક સમય માટે જ.