આજે દેશના કોઇ પણ ખુણે અને ભારત બહાર પણ તમને ફાસ્ટફૂડ રસિકોમાં માંડવીની સ્પેશિયલ દાબેલી અથવા અસલ કચ્છી દાબેલી નામ સાંભળવા મળશે. કોઇ અજાણ્યા પ્રદેશમાં ગયેલા સૌ ફાસ્ટફૂડ રસિકોના મ્હોંમાં પણ આ દાબેલીનું નામ સાંભળતાં પાણી આવવા લાગે છે, દાબેલી ક્યાં મળશે એ જાણવા અને માણવા જરૂર ઇચ્છશે.
પાંચ દાયકા પહેલાં બટેટાનું શાક પાઉંમાં દબાવીને બજારમાં વેચીને દાબેલી તરીકે પ્રખ્યાત કરનારા માંડવીના મોહનભાઇ નાથબાવા તો આજે હયાત નથી, પણ તેની દાબેલી વિશ્વભરમાં કચ્છી દાબેલી તરીકે પ્રખ્યાત થઇ ચૂકી છે. કચ્છની વાત કરીએ, તો ૨૧ લાખની વસતીમાં દરરોજ ૧.પ૦ લાખ દાબેલી, જ્યારે દર માસે ગણતરી કરતાં ૪.પ૦ કરોડનો બિઝનેસ થાય છે.
માંડવીથી શરૂ થયેલી દાબેલીની સફર જાણીએ, તો બાબાવાડીમાં મંદિરની પૂજા કરતા મોહનભાઇએ તેમની યુવાન અવસ્થામાં બટેટાનું શાક પાઉંમાં મૂકીને તેને દાબેલી તરીકે ઓળખ આપીને ૧૯૬૪માં બજારમાં મૂકી હતી. સમય જતાં તેમાં તીખા, મીઠા, ખટમીઠા સ્વાદનો ચટકો ઉમેરીને લોકોને રીતસરનું ઘેલું લગાડી દીધું અને હવે તો કચ્છમાં ઠેર-ઠેર માંડવીની દાબેલી જેવાં નામો સહિતથી ગામડે-ગામડે દાબેલી વેચાય છે. વિદેશમાં પણ લંડન, અમેરિકા, ગલ્ફના દેશો સહિત કેટલાય દેશો જ્યાં ભારતીયો વસે છે, ત્યાં દાબેલી ખવાય અને વેચાય છે.
માંડવીમાં ગાભાભાઇ વાસાણીની દાબેલી ઇતિહાસ બની ગઇ
માંડવીમાં આવતા તમામ મહેમાનો જો ગાભાભાઇ વાસાણીની તીખી ચટાકેદાર દાબેલી ન ખાય, તો તેમનો અહીં આવવાનો ધક્કો ફોગટ થયો એમ ગણાતું. કેશુભાઇ મહેતા મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે ગાભાભાઇની રોટીનો સ્વાદ વિધાનસભાના તમામ સભ્યોને ચખાડયો હતો, તે માટે તેમણે ગાભાભાઇને ખાસ ગાંધીનગર બોલાવ્યા હતા. એનડીટીવી ગુડ ટાઇમ્સમાં દાબેલી હાઇવે ઓન માય પ્લેટના નામના કાર્યક્રમમાં ચમકી ચૂકી છે.