ભારત સમગ્ર વિશ્વમાં પોતાની સંસ્કૃતિ માટે જાણીતું છે. આપણા દેશમાં અદ્ભૂત મંદિરો, ગુફાઓ અને સુંદર ઐતિહાસિક ઈમારતોની કમી નથી. આવા જ અદ્ભૂત મંદિરોમાંથી એક છે આરસપહાણનું એ મંદિર જે સ્થાપત્ય કલા, નક્શીકામ માટે અને ખાસ કરીને 1500 થાંભલા પર ટકેલું હોવાથી વિશ્વભરમાં જાણીતું છે.
1500 થાંભલા પર ટકેલું જૈન મંદિર
રાજસ્થાનના ઉદયપુરથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલા રણકપુરનાં આ જૈન મંદિર આવેલું છે. આ મંદિર જૈનોના પાંચ મુખ્ય તીર્થસ્થળોમાંથી એક છે. આ મંદિરની કોતરણી ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે. રણકપુર સ્થિત આ જૈન મંદિર 1500 થાંભલા પર ટકેલું છે તે તેની સૌથી મોટી ખાસિયત છે. આ મંદિર સંપૂર્ણપણે આરસપહાણમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.
415મી સદીમાં થયું હતું નિર્માણ
આ મંદિરના દ્વાર કલાત્મક રીતે બનાવાયા છે. મંદિરના મુખ્ય ગૃહમાં તીર્થંકર આદિનાથની આરસપહાણથી બનેલી ચાર વિશાળ મૂર્તિઓ પણ છે. આ મંદિરનું નિર્માણ 15મી સદીમાં રાણા કુંભાના શાસનકાળમાં થયું હતું. રણકપુર નામ રાણા કુંભાના નામથી જ પડ્યું છે. મંદિરની અંદર હજારો થાંભલા છે જે આ મંદિરની સુંદરતા વધારે છે. ખાસ વાત એ છે કે, બધા થાંભલામાં જ્યાંથી પણ જોશો તમને મુખ્ય મૂર્તિના દર્શન ચોક્કસ થશે. આ થાંભલાઓ પરનું નક્શીકામ પણ આકર્ષક છે.
મોક્ષ પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે
શ્રેષ્ઠ નક્શીકામ માટે જાણીતા આ મંદિરમાં વિશ્વભરમાંથી દર્શનાર્થીઓ આવે છે. જૈન મંદિરમાં 76 નાના ગુંબજવાળા પવિત્ર સ્થાન, 4 મોટા પ્રાર્થના કક્ષ અને ચાર મોટા પૂજા સ્થળ છે. માનવામાં આવે છે કે આ મનુષ્યને જીવન-મૃત્યુની 84 યોનીઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે.