સપ્તશ્રૃંગી દેવી, નાસિક : મંદિર અને રોપવેની સંપૂર્ણ જાણકારી મેળવો

0
1055
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

સપ્તશ્રૃંગી માતાનું પ્રસિદ્ધ શક્તિપીઠ નાસિકથી માત્ર 65 કિલોમીટર દૂર સહ્યાદ્રી પર્વત શ્રેણીના ખોળામાં એક ઉંચી જગ્યા પર સ્થિત છે. નાસિકથી સપ્તશ્રૃંગી જતી વખતે દ્રાક્ષથી હર્યા ભર્યા બાગ, ગાઢ જંગલ, જળાશય, જળધોધ, ઘણી જ દુર્લભ જડી બુટ્ટી અને ઔષધીય ઝાડ-પાન જ તમારુ મન મોહી લેશે. સાચુ કહીએ તો નાસિક આવ્યા બાદ જો તમે સપ્તશ્રૃંગી દેવીના મંદિર નથી જતા તો તમે નિશ્ચિત રીતે ઘણું મિસ કરશો. સૌથી પહેલા તમને જણાવી દઇએ કે સપ્તશ્રૃંગીને 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે જે લગભગ 4500 ફૂટ ઉંચાઇ પર સ્થિત છે.

બીજી જરુરી વાત એ છે કે અહીં ભારતનો પહેલો ફ્યૂનીક્યૂલર રોપ વે (India’s first funicular ropeway) છે જે માત્ર યૂરોપીય દેશો જેવા કે સ્વિટ્ઝરલેન્ડમાં જ જોવા મળશે.

સપ્તશ્રૃંગી માતા મંદિરની યાત્રા માટે જરુરી જાણકારી

સપ્તશ્રૃંગી (Saptashrungi)નો શાબ્દિક અર્થ છે સાત (સપ્ત) શિખર (શ્રૃંગ) અને તે નાસિકથી 65 કિલોમીટર દૂર નંદૂરી ગ્રામ, તાલુકા કાલવનમાં સ્થિત છે. અહીં સપ્તશ્રૃંગી માતાનું મંદિર છે જે સાત પર્વતોના શિખરો (જેને અહીં ગઢ પણ કહેવાય છે)થી ઘેરાયેલું છે એટલા માટે આનું એક નામ સપ્તશ્રૃંગી ગઢ પણ છે. આ મંદિરને મહારાષ્ટ્રના “સાડા ત્રણ શક્તિપીઠો”માંનું એક પણ કહેવાય છે. સપ્તશ્રૃંગી ભારતમાં સ્થિત 51 શક્તિપીઠો પૈકીનું એક છે અને માન્યતા છે કે આ સ્થાન પર માતા સતીનો જમણો હાથ પડ્યો હતો. 18 હાથોવાળી સપ્તશ્રૃંગી માતાનું આ મંદિર સદીઓ જુનું છે અને તેની આસપાસના જંગલો (દંડકારણ્ય)નો ઉલ્લેખ રામાયણમાં પણ આવે છે.

આવો જાણીએ સપ્તશ્રૃંગી યાત્રા સાથે જોડાયેલી કેટલીક જરુરી જાણકારીઓ:-

1. સપ્તશ્રૃંગી કેવીરીતે જશો?

નજીકનું રેલવે સ્ટેશન

નાસિક રોડ (Nashik Road)- સપ્તશ્રૃંગીથી લગભગ 75 કિલોમીટર દૂર આવેલું છે. આ રેલવે સ્ટેશન સેન્ટ્રલ રેલવેનું મુખ્ય રેલવે સ્ટેશન છે અને તે ભારતના બધા ખૂણા સાથે જોડાયેલું છે.

નજીકનું એરપોર્ટ

નાસિક – અત્યારે એર ઇન્ડિયાની સીધી ફ્લાઇટ ફક્ત અમદાવાદથી જ છે આવનારા સમયમાં મુંબઇ અને દિલ્હીથી પણ વિમાની સેવા શરુ થવાની છે. આ ઉપરાંત, મુંબઇ એરપોર્ટ (250 કિ.મી.) અને પુણે એરપોર્ટ (275 કિ.મી.)થી પણ અહીં પહોંચી શકાય છે.

રોડ માર્ગે કેવીરીતે જશો?
How to reach saptashrungi by car

સપ્તશ્રૃંગીનું મુખ્ય શહેરોથી અંતર:-

Nashik- 65 Km

Shirdi- 145 Km

Mumbai- 235 Km

Pune- 276 Km

Vani- 22 Km

મારા હિસાબે પ્રાઇવેટ કાર /ટેક્સી અહીં આવવા માટે સૌથી સારુ સાધન છે. નાસિકથી સપ્તશ્રૃંગી માતાના મંદિર સુધી ઇનોવા કારમાં ભાડું લગભગ 2800 રુપિયા જેટલું થાય છે. જો કે ડિઝલના ભાવ પર વધઘટ આધારિત છે. જો તમે નાની ટેક્સી જેવી કે ટાટા ઇન્ડિકા વગેરે લો છો તો તમારે ભાડુ લગભગ 1500થી 2000 સુધી થશે. તમે ઇચ્છો તો નાસિકથી સેલ્ફ ડ્રાઇવિંગનો ઓપ્શન પણ પસંદ કરી શકો છો.

કેન્દ્રીય બસ સ્ટેન્ડ (CBS), નાસિકથી MSRTCની અનેક બસો છે (સવારે 5 :30થી રાતે 9 :30 સુધી, દર અડધા કલાકમાં) જે તમને નંદૂરી ગામ (સપ્તશ્રૃંગી તળેટી) સુધી લઇ જાય છે. નંદૂરી ગામથી તમે સપ્તશ્રૃંગી દેવી મંદિર સુધી સ્થાનિક જીપ લઇ શકો છો.

2. કેટલા સમય સુધી સપ્તશ્રૃંગીમાં રહેશો ?

આમ તો અહીં આવ્યા બાદ તમે 2-5 કલાકમાં જ બધુ જોઇ લેશો પરંતુ આ સમય થોડોક ઓછો છે. અમારા હિસાબે અહીં એક દિવસ રોકાવાની સલાહ આપવામાં આવે છે જેથી તમે અહીંની સુંદરતાનો આનંદ માણી શકો.

3. સપ્તશ્રૃંગી યાત્રાનો સૌથી સારો સમય શું છે?

શિયાળામાં ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો સમય સપ્તશ્રૃંગી ગઢ આવવા માટે સૌથી શ્રેષ્ઠ છે. આ સમયે દિવસનું તાપમાન ફરવા લાયક રહે છે અને રાતમાં ઠંડી લાગે છે. જુલાઇથી સપ્ટેમ્બર ચોમાસુ હોય છે અને ભૂસ્ખલનનો ખતરો રહે છે. ગરમીની ઋતુમાં (માર્ચથી જુન) દરમિયાન આવવું હિતાવહ નથી.

4. સપ્તશ્રૃંગીમાં ક્યાં રોકાશો?

નાસિક અને નજીકમાં ઘણી હોટલો, ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસ છે. સપ્તશ્રૃંગી માતાના મંદિરની નજીક નવો ફ્યૂનીક્યૂલર રોપ-વે કોમ્પ્લેક્સમાં પણ હોટલ બુક કરાવી શકો છો. (ભાડું રુ.500 થી 2500 ). શ્રી સપ્તશ્રૃંગ નિવાસિની દેવી ટ્રસ્ટની ધર્મશાળા અને ભક્ત નિવાસ (ભાડું 200થી 1200 રુપિયા) મંદિરની પાસે જ છે જ્યાં રોકાઇ શકાય છે, સંપર્ક કરો : (02592)-253351

5. સપ્તશ્રૃંગી દેવી મંદિર અંગે જાણકારી

સહ્યાર્દી પર્વત શ્રેણી પર વસેલા સપ્તશ્રૃંગી માતાના આ મંદિરની પાસે જ્યાં એક તરફ ઊંડી ખીણ છે તો બીજી તરફ ઉંચા પહાડ પણ છે. આંઠ થી દસ ફુટ ઉંચી દેવી માંની મૂર્તિની 18 ભુજા (હાથ) છે જે જુદા જુદા અસ્ત્ર-શસ્ત્રથી સુશોભિત છે. કહેવાય છે કે આ તે જ અસ્ત્ર છે જે દેવતાઓએ મહિષાસુર રાક્ષસ સાથે લડવા માટે માતાને પ્રદાન કર્યા હતા. અત્યંત તેજસ્વી નેત્રોવાળી આ પ્રતિમા આખા વર્ષ દરમિયાન બે રુપોમાં જોવા મળે છે. કહેવાય છે કે દેવીમાંનું રૂપ ચૈત્ર માસમાં પ્રસન્ન મુદ્રામાં તો આસો માસમાં ધીર-ગંભીર જોવા મળે છે. અહીં માતા મહાકાળી, મહાલક્ષ્મી તેમજ મહાસરસ્વતી એમ 3 સ્વરુપે પૂજાય છે. દર પૂનમ, રામ નવમી, દશેરા, ગુડી પડવો, ગોકુલાષ્ટમી અને નવરાત્રી દરમિયાન અહીં અતિશય ભીડ રહે છે. ચૈત્રોત્સવ અહીંનો સૌથી મોટો તહેવાર માનવામાં આવે છે અને આ સમયે ભક્ત આખા પર્વતની પ્રદક્ષિણા કરે છે.

સામાન્ય દિવસોમાં સપ્તશ્રૃંગી માતાનો દરબાર સવારે 6 :00થી લઇને રાતે 8:00 વાગ્યા સુધી ખુલ્લો રહે છે પરંતુ વિશિષ્ટ પર્વ પર અહીં આખી રાત દર્શન થાય છે. સપ્તશ્રૃંગીમાં પહેલા માતાના દરબાર માટે 510 પગથિયા ચઢવા પડતા હતા પરંતુ હવે મંદિર સુધી જવા માટે રોપ-વે બની ગયો છે. અહીં બધી સુવિધા જેવી કે પાર્કિંગ, ગેસ્ટ હાઉસ, રેસ્ટૉરન્ટ, પૂજા માટે સામાન અને બીજુ ઘણું બધુ તમને કોમ્પ્લેક્સની અંદર જ મળી જશે. આ જગ્યાએ સ્વચ્છતાનું ખાસ ધ્યાન રખાય છે. મફત પીવાનું પાણી અને સ્વચ્છ ટોયલેટની પણ સુવિધા છે. રોપ-વેનું ઓનલાઇન બુકિંગ કરી શકાય છે અને આ સિવાય તમે અહીં આવીને કાઉન્ટર પરથી ટિકિટ ખરીદી શકો છો. કોમ્પ્લેક્સમાં સ્માર્ટ કાર્ડથી એન્ટ્રી કરી શકાય છે. તમને રિર્ટન ટિકિટ મળે છે અને ઉપર જેટલો સમય ઇચ્છો તેટલો રહી શકો છો.

saptashrungi ropeway ticket

ટ્રૉલીમાં એકસાથે લગભગ 60 લોકો બેસી શકે છે અને મંદિર સુધી જવા માટે આ દર 5-15 મિનિટ (ભીડને જોતાં) પર ઉપલબ્ધ રહે છે. જો તમારી પાસે સમયની કમી છે તો તમારે પાર્કિંગમાં કાર પાર્ક કરવાથી લઇને દર્શન કરીને પાછા આવવામાં લગભગ 1-2 કલાક લાગી શકે છે (તમારા પર આધાર રાખે છે કે તમે કયા સમયે જઇ રહ્યા છો) આ ક્ષેત્રનો સંપૂર્ણ આનંદ લેવા માટે તમે મુખ્ય તહેવારો, મંગળવાર, શુક્રવાર કે વીકેન્ડ છોડીને કોઇપણ સમયે જઇ શકો છો.

Saptashrungi Ropewayની જાણકારી

1. રોપવે કંપની કઇ છે?

સુયોગ ગુરબક્સણી ફ્યૂનીક્યૂલર રોપ-વેઝ પ્રાઇવેટ લિમિટેડ

2. સપ્તશ્રૃંગી મંદિર સુધી જવામાં કેટલો સમય લાગે છે?

1-2 મિનિટ

3. રોપ-વેથી શું ફાયદો છે?

510 સીડિઓ નથી ચઢવી પડતી

4. સપ્તશ્રૃંગી રોપ-વે ટિકિટની કિંમત કેટલી છે?

રુ.90 / રુ.45 (12 વર્ષથી ઓછી અને 75 વર્ષથી વધુ)

આ બન્ને બાજુનું ભાડું છે

5. સપ્તશ્રૃંગી રોપ-વેનો સમય શું છે?

રવિવાર – ગુરુવાર : 06 am-09 pm
શુક્ર – શનિ : 06 am – 8 pm

6. કેટલા લોકો બેસી શકે છે?

એકસાથે 60 વ્યક્તિ

7. સપ્તશ્રૃંગી રોપ-વે કોમ્પ્લેક્સની સુવિધાઓ શું છે?

saptashrungi ropeway complex facilities

પાર્કિંગ (50 રુપિયા પ્રતિ કલાક)
ગેસ્ટ હાઉસ
ફૂડ કોર્ટ
પ્રસાદની દુકાનો
સ્વચ્છ પ્રસાધન
વ્હીલચેર
પીવાનું પાણી
એસ્કેલેટર
શુઝ ઘર (ચપ્પલ મુકવાની જગ્યા)

8. સપ્તશ્રૃંગી રોપ-વે ઑનલાઇન બુકિંગ કેવીરીતે કરશો?

ઑનલાઇન અહીંથી બુકિંગ કરો

સપ્તશ્રૃંગી ગઢમાં આ વસ્તુઓ જોવાનું ન ભૂલતા
(Places to Visit in Saptashrungi)

સપ્તશ્રૃંગી રોપવે કોમ્પ્લેક્સથી લગભગ અડધો કિલોમીટર દૂર અતિ પ્રાચીન શિવ મંદિર છે જેને જોવાનું ન ભૂલતા. જો તમે ચોમાસામાં આવ્યા છો તો ઘણાં બધા ઝરણાંના દર્શન પણ કરી શકો છો. પહેલા આ જગ્યાએ 108 કુંડ હતા પરંતુ હવે ફક્ત 10 થી 15 કુંડ જ જોવા મળે છે કારણ કે કેટલાક રસ્તા ક્યાં તો બંધ થઇ ગયા છે અથવા તો દુર્ગમ છે. શિવ મંદિરની પાસે મારુતિ મંદિર, દાજીબા મહારાજની સમાધિ, સૂર્યકુંડ અને કાલિકુંડ છે. આ બન્ને કુંડના પાણીનો ઉપયોગ માતા ભગવતીના દૈનિક સ્નાન કરવા માટે કરવામાં આવે છે.

things to do at saptashrungi

કુંડથી નીચે ઉતરીને પર્વતોની શ્રેણી જોવા મળે છે જેના માટે વ્યૂ પૉઇન્ટ બનાવાયા છે. આખુ વર્ષ, સપ્તશ્રૃંગી જવા માટે અનેક પહાડી ટ્રેક પણ આયોજિત કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે સંબંધિત વેબસાઇટ કે કાર્યાલયમાં રજિસ્ટ્રેશન કરાવવાની જરુર પડે છે. જુદા જુદા ટ્રેક મહત્તમ 4200 ફૂટની ઊંચાઇ સુધી જાય છે. આ પ્રકારના ટ્રેકિંગ 3-5 દિવસ સુધી ચાલે છે અને પ્રતિ વ્યકિત ભાડું લગભગ 4000 રુપિયા રહે છે.

સપ્તશ્રૃંગી માતા મંદિરની યાત્રા માટે ઉપયોગી ટિપ્સ

રસ્તાના કિનારે ઉભા રહેલા લોકો પર વિશ્વાસ ન કરો કારણ કે આ લોકો તમને સ્ટોલની પાસે રસ્તાના કિનારે પાર્ક કરવા માટે કહેશે અને 300 રુપિયાથી વધુનો ચાર્જ પણ લેશે. કૉમ્પ્લેક્સની અંદર જ પ્રસાદ મળી જાય છે એટલે બહાર સ્ટૉલ પરથી ન લો. અહીં ફૂડ કોર્ટ પણ છે જ્યાં બધુ મળી જાય છે. દર્શન કરીને બહાર નીકળો ત્યાં જ 10 રુપિયામાં પ્રસાદ મળી જશે. ભોજન કર્યા બાદ યાત્રા ન કરવી કારણ કે આ એક પર્વતીય સ્થાન છે અને ઘણાં વળાંક આવે છે. ભક્તિ નિવાસ, ધર્મશાળા, પ્રસાદાલય અને પ્રાઇવેટ ગેસ્ટ હાઉસ અહીં ઉપલબ્ધ છે. આ ઉપરાંત, અહીં એટીએમની સુવિધા પણ છે.