મૉનસુન પેલેસ ઉદેપુરની યાત્રા ગાઇડ, કેવી રીતે જશો, શું જોશો અને કેટલો થશે ખર્ચ

0
835
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

મૉનસુન ભવન જેને મૉનસુન પેલેસ કે સજ્જનગઢ કિલ્લાના નામથી પણ ઓળખવામાં આવે છે તે ઉદેપુરમાં આવેલો એક મહેલ છે. મૉનસુન ભવન ઉદેપુરમાં અરવલ્લી પર્વતમાળાની સૌથી ઉંચી શ્રેણી પર બનેલો આ પેલેસ સમુદ્રની સપાટીએથી 3100 ફૂટ ઊંચાઇએ છે. આ કિલ્લાનું નિર્માણ મહારાણા સજ્જન સિંહે મુખ્યત્વે ચોમાસાના વાદળોને જોવા માટે કરાવ્યું હતું. જેને કારણે આજે તેને મૉનસુન પેલેસ તરીકે ઓળખવામાં આવે છે.

એ કહેવું ખોટુ નહીં હોય કે મૉનસુન પેલેસની અદ્ધિતીય સુંદરતાને નિહાળવા માટે તમારે અહીં ચોમાસા દરમિયાન જ આવવું જોઇએ. તો રાહ શેની જુઓ છો આવો અમારી સાથે ઉદેપુરના કિલ્લા અને સજ્જનગઢ બાયોલૉજિકલ પાર્કની અનોખી સફરે.

ઉદેપુરનો કિલ્લો અને સજ્જનગઢ બાયોલૉજિકલ પાર્ક કેવી રીતે પહોંચશો?

રોડ દ્ધારા

અમદાવાદથી ઉદેપુર તો તમે ઘણીવાર ગયા જ હશો એટલે વાયા ચિલોડા, હિંમત નગર, શામળાજી, રતનપુર બોર્ડર થઇને ઉદેપુર પહોંચી જાવ. ઉદેપુર શહેરથી સજ્જનગઢ કિલ્લો અને બાયોલૉજિકલ પાર્કનું અંતર લગભગ 5 કિલોમીટર છે. સજ્જનગઢ આવવા માટે સૌથી સારો વિકલ્પ છે કે તમે તેને ઉદેપુરની એક દિવસની ટ્રિપમાં સામેલ કરી લો. આ જગ્યાએ આવવા માટે ઉદેપુરથી ખાનગી ટેક્સી કે ઑટો સર્વિસ મળી જશે જેનું ભાડુ 800 -1500 જેટલું થશે.

ટેક્સી કે ઑટો તમને મુખ્ય દ્ધાર સુધી છોડી દેશે અને ત્યાર બાદ તમને અહીંથી ઉપર મૉનસુન ભવન સુધી જવા માટે કોઇ સ્થાનિક જીપ લેવી પડશે જેનું ભાડું લગભઘ 70 – 100 રુપિયા પ્રતિ વ્યક્તિ થાય છે. અહીં ધ્યાન રાખવા લાયક વાત એ છે કે તમે સજ્જનગઢ કિલ્લા સુધી જવા માટે ટેક્સી કે જાતે કાર હંકારીને જ જજો. ઑટોરિક્ક્ષા, ટુ વ્હીલર કે પગપાળા ન જશો, ખાસ કરીને સાંજે. કારણ કે શિખર પર જવાનો રસ્તો જંગલી છે અને ઘણીવાર જાનવર આ રસ્તા પર આવી શકે છે.

હવાઇ માર્ગ

ઉદેપુરના મહારાણા પ્રતાપ એરપોર્ટ સજ્જનગઢ કિલ્લાથી લગભગ 30 કિલોમીટર દૂર છે. મુંબઇ, કોલકાતા, દિલ્હી, જયપુર, જોધપુર અને અમદાવાદ જેવા સ્થળોએથી ડોમેસ્ટિક ફ્લાઇટથી સરળતાથી પહોંચી શકાય છે.

રેલવે માર્ગ

તમે દિલ્હી, મુંબઇ, આગ્રા, લખનઉ, જયપુર, જોધપુર, બીકાનેર, ચેન્નઇ અને અમદાવાદ જેવા જુદા જુદા સ્થળોએથી ઉદેપુર માટે ટ્રેન પણ લઇ શકાય છે. ઉદેપુરનો કિલ્લો રેલવે સ્ટેશનથી લગભગ 12 કિલોમીટર દૂર છે.

ઉદેપુરની યાત્રા માટે યોગ્ય સમય

આમ તો ઉદેપુરની યાત્રાનો યોગ્ય સમય ઓક્ટોબરથી માર્ચ વચ્ચેનો છે. પરંતુ જો તમારે મૉનસુન ભવન જવું હોય તો વરસાદનો સમય યોગ્ય છે.

એન્ટ્રી ફી અને સમય

મૉનસુન ભવન

રુ.70 વ્યક્તિદીઠ (ભારતીય)

રુ.335 વ્યક્તિદીઠ (વિદેશી)

રુ.220 પ્રતિ કાર/જીપ

રુ.35 પ્રતિ દ્ધિચક્રી વાહન

સજ્જનગઢ બાયોલૉજિકલ પાર્ક
sajjangarh biological park udaipur

રુ.37 વ્યક્તિદીઠ (ભારતીય)

રુ.302 વ્યક્તિદીઠ (વિદેશી)

રૂ.80 કેમેરા ચાર્જ

રુ.400 પૂરી ઇલેક્ટ્રિક કાર બુકિંગ કે 50 રૂપિયા પ્રતિવ્યક્તિ (પાર્કની અંદર ફરવા માટે)

ઉદેપુરનો કિલ્લો– ખુલ્લા/બંધ થવાનો સમય

પ્રાતઃ -09:00 થી

સાંજે – 05:00 (શિયાળામાં ), 05:30 (શિયાળામાં)

મંગળવારે બંધ

સજ્જનગઢ ઉદેપુરમાં શું કરશો?

ઇતિહાસ સાથે રુબરુ થાઓ
પ્રકૃતિનો આનંદ લો
મહેલની શાનદાર વાસ્તુ કળાને નિહાળો
ઠંડી હવા અને વાદળો વચ્ચે નાસ્તાનો આનંદ લો
મૉનસુન પેલેસથી સૂર્યાસ્ત જુઓ
બાળકોની સાથે બાયોલૉજિકલ પાર્કમાં વન્યજીવન જુઓ
Augmented Reality (AR)ના માધ્યમથી વન્યજીવોને નિહાળો.
સાયકલ પર કે પગપાળા આખા પાર્કનું ચક્કર લગાવો

મૉનસુન ભવન ઉદેપુરનો ઇતિહાસ

ઉદેપુરનો કિલ્લો જેને સજ્જનગઢ પેલેસ તરીકે ઓળખવામા આવે છે તેનું નિર્માણ મહારાણા સજ્જન સિંહે ( 1859-1884) કરાવ્યું હતું. મૉનસુન ભવનમાં સ્થિત એક સૂચના બોર્ડ અનુસાર આ મહેલને એક બહુમાળી વેધશાળા (ઓબ્ઝર્વેટરી) તરીકે સ્થાપિત કરવાનો હતો. આ મહેલનો મુખ્ય ઉદ્દેશ આસપાસના ક્ષેત્રના ચોમાસાના વાદળોની ગતિની શોધ કરવાનો અને લોકોને રોજગારી પણ પ્રદાન કરવાનો હતો. પરંતુ ઇસ.1884માં, 25 વર્ષની ઉંમરમાં જ મહારાણા સજ્જન સિંહના અકાળે અવસાન પછી મહારાણા ફતેહ સિંહે મૉનસુન પેલેસનું કાર્ય પૂર્ણ કરાવ્યું હતું.

મૉનસુન ભવનની અંદર શું છે?

બગીચાથી મૉનસુન મહેલ સુધી જવા માટે એક રેંપ આપવામાં આવ્યો છે જેની જમણી બાજુ એક રેસ્ટોરન્ટ પણ છે. અહીં સુંદર દ્રશ્યો જોતા જોતા કોફીનો ટેસ્ટ માણવાની મજા લઇ શકાય છે.

મૉનસુન પેલેસ મુખ્ય દ્ધાર

અંદર જવા માટે એક મોટો દરવાજો હતો જેની પાસે એક સૂચના બોર્ડ હતું જ્યાં આ મહેલનો ઇતિહાસ રજિસ્ટર હતો. મૉનસુન મહેલની સામે આખુ ઉદેપુર શહેર અને ફતેહસાગર તળાવ દેખાય છે તો બીજી તરફ આખુ ગામ.

મહેલની પાછળ જશો તો ફક્ત અરવલ્લીની પર્વતો જ નજરે પડશે. સફેદ સંગેમરમરથી બનેલા મૉનસુન પેલેસમાં મોટા મોટા ગુમ્બજ છે જેની ઉપર મેવાડી ચિત્રકારી કરવામાં આવી છે. આ મહેલમાં એક ભવ્ય કેન્દ્રીય હોલ છે જ્યાં મહારાણા સજ્જન સિંહની મૂર્તિ લાગેલી છે. આ ઉપરાંત, અમે અન્ય રુમમાં રાખેલા જાનવરોની પ્રતિકૃતિ પણ જોઇ. આ મહેલમાં અનેક કક્ષ છે જેના કોતરેલા સ્તંભ અદ્ભુત છે.

સજ્જનગઢ બાયોલૉજિકલ પાર્કની સંપૂર્ણ જાણકારી
sajjangarh biological park udaipur

મુખ્ય દ્ધારની નજીક જ સજ્જનગઢ બાયોલૉજિકલ પાર્કની ટિકિટ બારી છે જ્યાંથી તમે ટિકિટ ખરીદી શકો છો. આ જૈવિક ગાર્ડન લગભગ 36 હેક્ટરમાં ફેલાયેલુ છે અને તેની સ્થાપના લુપ્તપ્રાય વનસ્પતિઓ અને વન્ય જીવોના સંરક્ષણના ઉદ્દેશથી કરવામાં આવી છે. જો કે આ પાર્ક આખુ વર્ષ ખુલ્લો રહે છે પરંતુ ચોમાસામાં આખો વિસ્તાર લીલોછમ હોય છે ત્યારે તેનું સૌંદર્ય જોવલાયક હોય છે. આ પાર્કમાં સરિસૃપો, વાઘ, નીલગાય, સાંભર, હરણ, જંગલી સુઅર, હાઇના, પેંથર્સ અને શિયાળને સંરક્ષિત કરવામાં આવ્યા છે.

શું તમને ખબર છે કે સજ્જનગઢ બાયોલૉજિકલ પાર્કમાં આ બધા સિવયા પણ એક અનોખી ચીજ છે જેને Augmented Reality કહેવામાં આવે છે.

તે શું છે આવો જાણીએ

ભારતમાં પહેલીવાર ઉદેપુર સ્થિત સજ્જનગઢ બાયોલૉજિકલ પાર્કમાં Augmented Reality ની મદદથી તમને વન્યજીવન સાથે જોડાયેલા આવા સજીવ 3D કોમ્પ્યુટર ગ્રાફિક્સ જોવા મળશે જેની તમ કલ્પના પણ નહીં કરી હોય.

બસ આના માટે તમારે Sajjangarh AR App ડાઉનલોડ કરવાની છે અને જ્યાં જાનવરોના લોગો બનેલા હોય ત્યાં સ્કેન કરવાનું છે. જો તમે આ એપમાં નોર્મલ મોડ પસંદ કરો છો તો તમને પ્રાણીઓની આદતો, નિવાસ, જીવનકાળ વગેરે અંગે વધારે જાણકારી પ્રાપ્ત થશે. જો તમે Augmented Mode પસંદ કરશો ત્યારે ડિજિટલી પ્રાણીઓ સાથે જોડાઇ જશો. હવે Augmented Realityનો પ્રયોગ કરીને તમે ઇચ્છો તો પોતાના ફેવરિટ પ્રાણીઓ સાથે ડિજિટલ સેલ્ફી લો કે પછી કોડ સ્કેન કરતા જ સિંહની ત્રાડ સાંભળો.