અમદાવાદઃ વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાના સ્થળ- કેવડિયા ખાતે પ્રવાસન માટેના વિવિધ પ્રોજેક્ટો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં કુલ 21 પ્રોજેક્ટ તૈયાર થઈ રહ્યા છે. આમાંથી 17 પ્રોજેક્ટને ખુલ્લા મુકાયા છે. કેવડિયા હવે પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ સ્થળ બની ગયું છે ત્યારે જો તમે કેવિડિયામાં એક દિવસ માટે ફરવા જાઓ કે પછી એક રાત રોકાવા માંગો તો કેટલો ખર્ચ થાય તેવો સવાલ તમારા મનમાં સ્વાભાવિક રીતે જ ઉભો થાય. આ આવો જાણીએ કેવડિયા ફરવાના ખર્ચ વિશે.
કેવડિયામાં જોવાલાયક નવા સ્થળો
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યૂનિટી મુખ્ય આકર્ષણ છે આ ઉપરાંત જે નવી સુવિધા ઉભી કરવામાં આવી છે તેની પર એક નજર કરીએ.
– વિશ્વ વન: અહીં તમામ સાત ખંડની ઔષધિ વનસ્પતિ, છોડ તથા વૃક્ષો છે, જે વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વિવિધતામાં એકતાની ભાવનાને સાકાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ જંગલનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે મુલાકાતીને જે-તે ઝોનના કુદરતી જંગલની જ અનુભૂતિ થાય છે.
– એકતા નર્સરી: આ નર્સરીના પ્રારંભ પાછળ નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ એવો છે કે જ્યારે પણ મુલાકાતીઓ અહીંથી પાછા જાય ત્યારે તેઓ આ નર્સરીમાંથી ‘પ્લાન્ટ ઓફ યુનિટી’નામે એક રોપો લઈ જાય. પ્રારંભિક તબક્કે એક લાખ છોડનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેમાંથી ૩૦ હજાર રોપા વેચવા માટે તૈયાર છે.
– બટરફ્લાય ગાર્ડન: સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે મુલાકાતીઓ કુદરતની સુંદર અને રંગબેરંગી રચનાને જોઈ શકે, માણી શકે, એ માટે ખૂબ જ વિચારપૂર્વક આ બટરફ્લાય ગાર્ડનનું નિર્માણ કરાયું છે. 6 એકરમાં ફેલાયેલા આ વિશાળ ઉદ્યાનમાં 45 જાતિના છોડ અને 38 પ્રજાતિનાં પતંગિયાં જોવા મળે છે.
જંગલ સફારી: સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે બે કિલોમીટરના અંતરે અને 5,55,240 ચોરસમીટરમાં આ પાર્ક અને સફારીનું નિર્માણ કરાયું છે
– એકતા ઓડિટોરિયમ: એકતા ઑડિટોરિયમ નામના 1700 ચોરસમીટરનો બિલ્ટ-અપ એરિયા ધરાવતો એક કમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે. અહીં ઑડિટોરિયમમાં સંગીત, નૃત્ય, નાટક, કાર્યશાળા, ફૂડ અને આર્ટ અને સાહિત્ય ઉત્સવ જેવા સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે, જ્યાં 700 વ્યક્તિની બેસવાની ક્ષમતા હશે.
– રિવર રાફ્ટિંગ: રિવર રાફ્ટિંગ એક એડવેન્ચર ગેમ છે. અહીં સાહસિક રમતવીરોને આવો અનન્ય અનુભવ કરવાની એક ઊજળી તક આપશે.
– કેક્ટસ ગાર્ડન: આ ગાર્ડનમાં થોરની અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે. થોર આકર્ષક અને અલગ અલગ આકાર અને કદમાં ઊગતો છોડ છે. થોર મૂળ અમેરિકાની વનસ્પતિ છે, જ્યારે એ પેટાગોનિયા, કેનેડાના ઉત્તર અને દક્ષિણ ભાગમાં પણ જોવા મળે છે.
– ભારત વન: અહીં 10 હેક્ટર જેટલા વિસ્તારમાં 5 લાખથી વધારે ફૂલોની પ્રજાતિઓ જોવા મળે છે, સાથે જ હરિયાળીની છાંટ ધરાવતાં વૃક્ષો ભારત વનની શોભા વધારે છે.
– ફેરી સર્વિસીઝ: સ્ટેચ્યૂ ઓફ યુનિટી સુધીની 7 KMની ફેરી સર્વિસીઝ આ સ્મારક સુધી પહોંચવાની મુસાફરી સરળ, સુગમ અને માણવાલાયક બનાવે છે. બંને કિનારે બોટ્સના સંચાલન માટે જેટ્ટીનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે.
– જંગલ સફારી: સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે બે કિલોમીટરના અંતરે અને 5,55,240 ચોરસમીટરમાં આ પાર્ક અને સફારીનું નિર્માણ કરાયું છે. આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને અમેરિકામાં જોવા મળતી 170થી વધુ જીવસૃષ્ટિની પ્રજાતિ આ પાર્કમાં જોવા મળે છે.
– એકતા મોલ: આ મોલમાં મુલાકાતીને હસ્તકળા અને ભારતમાં આવેલાં અલગ-અલગ રાજ્યનું પરંપરાગત કાપડ અહીં એક જ જગ્યાએ મળી રહેશે. અત્યાધુનિક સુવિધાઓની સાથે સાથે જ જૂની પરંપરાગત ભારતીય હસ્તકળાના સમન્વયને ધ્યાનમાં રાખીને આ મોલને ડિઝાઈન કરાયો છે.
સ્થળ | ટિકિટનો દર (રૂ.)
(પુખ્તવયના માટે) |
ટિકિટનો દર (રૂ.)
(બાળકો માટે) |
સ્ટેચ્યુ ઓફ યુનિટી (એન્ટ્રી ફી) | 150 | 90 |
સ્ટેચ્યુ ઓફ યુનિટી વ્યૂઇંગ ગેલેરી | 380 | 230 |
જંગલ સફારી | 200 | 125 |
એકતા ક્રૂઝ | 200 | 200 |
રિવર રાફ્ટિંગ | 1000 | 1000 |
બટરફ્લાય ગાર્ડન | 60 | 40 |
કેક્ટસ ગાર્ડન | 60 | 40 |
એકતા નર્સરી | 30 | 20 |
વિશ્વ વન | 30 | 20 |
ઇકો બસ | 300 | 250 |
સરદાર સરોવર નૌકા વિહાર | 290 | 290 |
આરોગ્ય વન | 30 | 20 |
ગોલ્ફ કાર્ટ | 50 | 50 |
ચિલ્ડ્રન પાર્ક | 200 | 125 |
કુલ | 2980 | 2500 |
ઉપરનું ટેબલ જોયા બાદ તમને ખબર પડી જશે કે આમાં એક વ્યક્તિદીઠ અલગ-અલગ પ્રોજેક્ટોની એન્ટ્રી ટિકિટ રૂ. 2900ની આસપાસ થાય છે, જ્યારે બાળકોની 2500 રૂપિયાની આસપાસ થાય છે. આ ભાવ માત્ર કેવડિયા ફરવાનો જ છે. જો તમે ત્યાં રોકાવ છો અથવા ચા-પાણી, નાસ્તો કે જમો છો તો એના તમારે અલગથી પૈસા ખર્ચવા પડશે. અહીં એક રાત ટેન્ટ સિટીમાં રોકાવાનું ભાડું રૂપિયા 5,500 છે. ઉપરાંત જો અમદાવાદથી સી-પ્લેનમાં કેવડિયા જવું હોય તો જવા-આવવાના 3000 રૂપિયા ખર્ચવા પડશે. એટલે કે કેવડિયા જોવાનો એક વ્યક્તિનો અંદાજીત ખર્ચ (એક રાત રોકવાની સાથે) 6 થી 7 હજાર રૂપિયા થાય છે. હવે આટલા રૂપિયા ખિસ્સામાં હોય તો જ કેવડિયા જવાનું વિચારજો.