મા ચામુંડા-સુંધામાતા ધડરહિત દેવી છે. તેથી અહીં અઘટેશ્વરી કહેવાય છે. અહીં માતાજીનું મસ્તક પૂજાય છે. માતાજીની પાસે તલવાર મૂકેલી છે. બાજુમાં વર્ષોથી અખંડ જયોત ઝગમગે છે. સામે જ ભૂરેશ્વર મહાદેવ છે. બાજુમાં ભોયરું છે. આ ભોંયરા દ્વારા આબુનો રાજ-પરિવાર મા ચામુંડાનાં દર્શન કરવા આવતો હતો. માતાજીની સન્મુખ ચાંદીથી મઢેલો સિંહ છે.
પ્રાંગણમાં જોવા મળે છે વિશાળ ત્રિશૂળ
મંદિરના પ્રાંગણમાં માતાજીને વિશાળ ત્રિશૂળ શ્રદ્ધાળુ ભકતે અર્પણ કર્યું છે. તેના પર સૂર્ય, શિવ, જગદંબા અને ગણેશની મૂર્તિઓ ઉપસાવેલી છે. મંદિરથી નીચે ઊતરતા સામે જ મહાકાલી માતાજીનું મંદિર છે. અહીં ભેરુજીનું સ્થાન, ગોગાજીનું મંદિર અને વિષ્ણુ-ગણેશ-હનુમાનનાં મંદિરો છે. રાજસ્થાનની વૈશ્નોદેવી ગણાતી મા ચામુંડા તારી લીલા અપરંપાર છે