ટ્રાવેલિંગમાં આવતા ઉબકા અને ઉલ્ટીથી આ રીતે મળશે મુક્તિ

0
570
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ટ્રાવેલિંગ દરમિયાન અચાનક ગડબડનો અહેસાસ થાય અને ઉબકા ઉલ્ટી શરુ થઈ જતા હોય તેને મોશન સિકનેસ તરીકે ઓળખવામાં આવે છે. ઘણાને પોતાની કારમાં (ડ્રાઈવર સીટ સિવાય) બેસીને પણ મોશન સિકનેસ ફીલ થાય છે. સામાન્ય રીતે આવી તકલીફ બસમાં મુસાફરી દરમિયાન રહેતી હોય છે. આ કોઈ બિમારી નથી પણ એક એવી સ્થિતિ ઉભી થાય છે કે જેમાં કાન, નાક અને ત્વચા અલગ-અલગ સિગ્નલ આપે છે.

ટ્રાવેલિંગ દરમિયાન મોશન સિક્નેસ હોવાથી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ મુશ્કેલીમાં પડી જાય છે, જોકે આ તકલીફને ધીરે-ધીરે કરીને દૂર કરી શકાય છે. આ સાથે અહીં અમે આપને કેટલીક ટીપ્સ આપી રહ્યા છે જે પણ તમને ઉપયોગી થઈ શકશે.

આ રીતે ઓળખો મોશન સિક્નેસ

મોશન સિક્નેસ થવા પર ઉબકા આવવાના શરુ થઈ જાય છે, આ પછી ગભરામણ અને પરસેવો વળવાનો શરુ થઈ જાય છે. કશું બરાબર નથી લાગતું અને બેચેની અનુભવાય છે. આવી તકલીફ શરુ થયા પછી લાંબો સમય સુધી રહે છે. કેટલાક કિસ્સામાં તે 2થી 4 દિવસ સુધી પણ રહેતી હોય છે.

તાજી હવા લો

કોઈ પણ યાત્રામાં જાવ ત્યારે કોશિશ કરો કે તમે બારીવાળી જગ્યા પર બેસો. જેનાથી તમને ચોખ્ખી હવા મળતી રહે અને બહારનો નજારો જોઈને તમારું મન તેમાં લાગેલું રહે. કોશિશ કરો કે સ્ટ્રોંગ ગંધવાળા પદાર્થ ન સુઘો. કારણ કે તેનાથી ઉલ્ટી-ઉબકા શરુ થઈ શકે છે.

હળવો ખોરાક લો

યાત્રા કરવાનું નક્કી હોય તો પહેલા હળવો ખોરાક લો. સમય-સમય પર પાણી પીતા રહો જેથી તમે ડિહાઈડ્રોશનથી બચી શકશો. કારણ કે ડિહાઈડ્રેશનમાં મોશન સિક્નેસની સંભાવના બમણી થઈ જાય છે. ખાવામાં તાજા ફળો, તીખું-તળેલું ઓછું હોય તેવા ખોરાક લો. આ સાથે પેટ ભરીને જમવાના બદલે થોડું પેટ ખાલી રહે તેટલું જ ભોજન લો.

યોગ્ય સીટ પસંદ કરો

જો તમે કારમાં મુસાફરી કરી રહ્યા છો તો જે દિશામાં વાહન જઈ રહ્યું છે તે સીટ પર બેસવાનું પસંદ કરો. એટલે કે એસયુવીમાં આવતી સાઈડની બેઠકો કે પાછળનો રસ્તો દેખાય તેવી સીટ પર બેસવાનું પસંદ ન કરો. ખાસ કરીને બસ, ટ્રેન કે પ્લેનમાં બેસો ત્યારે વાહન ગતિ કરી રહ્યું હોય તે તરફ મોઢું રહે તેવી બેઠક પસંદ કરો.

હેંગઓવર હોવ ત્યારે યાત્રા ન કરો

હેંગઓવર હોવ ત્યારે કે પહેલેથી ઠીક ન લાગતું હોય તેવા સમયે યાત્રા કરવાનું ટાળવું જોઈએ. જો આવા સમયે તમે યાત્રા કરો છો તો મોશન સિક્નેસની તકલીફ વધી શકે છે. હેંગઓવર થવા પર બહુ બધું પાણી પીવો અને પોતાા શરીરને હાઈડ્રેટ રાખો. ઊંઘ પૂરી કરો અને હેંગઓવર સાથે ક્યારેય યાત્રા ન કરો.

આદુ થશે ઉપયોગી

ઘણાં પ્રયાસો છતાં ઉબકા આવતા જ હોય તો મુસાફરી પહેલા આદુવાળી ચા પી લો જેથી મોશન સિક્નેસના કારણે આવનારી ઉલ્ટી અટકી જશે. આ સાથે ઉબકા આવવા જેવી પરિસ્થિતિમાં રાહત મળશે. આ સિવાય મીઠામાં પલાડેલા આદુના ટૂંકડા પણ તમે મુસાફરી દરમિયાન મોઢામાં મૂકીને ચૂસી શકો છો.

લીંબુ

લીંબુ સૌથી સરળ રીતે મળી જાય તેવી વસ્તુ છે. તાજા લીંબુના રસમાં સાઈટ્રિક એસિડ હોય છે, જે યાત્રા દરમિયાન થનારા ઉબકા, ઉલ્ટી, મોશન સિક્નેસ અને નાજુક પેટને ઠીક કરી શકે છે. આ સિવાય લીંબુની સુગંધ પર મગજને ફ્રેશ બનાવી દેશે.

ડૉક્ટર સાથે વાત કરો

સામાન્ય રીતે આ તકલીફ માત્ર ડ્રાઈવિંગ દરમિયાન જ થતી હોય છે અને અમુક ઉપાય કર્યા પછી તેમાંથી છુટકારો પણ મળે છે પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ જો આ પ્રકારની સમસ્યામાંથી છુટકારો ન મળતો હોય તો ડૉક્ટરની સલાહ જરુર લેવી જોઈએ.

ડૉક્ટરની સલાહ અનુસરો

આવા કેટલાક કિસ્સામાં ડૉક્ટર દ્વારા દવા આપવામાં આવે છે, આ દવા મુસાફરીના અમુક સમય પહેલા લેવાની હોય છે. જો તમને ડૉક્ટરે આવી સલાહ આપી હોય તો તેનું પાલન કરો. નાનપણમાં ટ્રેકિંગ, યોગા, એક્સર્સાઈઝની આદત હશે તો મોશન સિક્નેસ જેવી તકલીફ નડતરરુપ નહીં બને.