ગોવા એક એવી જગ્યા છે જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, માત્ર ભારતના જ નહીં પણ વિદેશના પ્રવાસીઓ માટે પણ ગોવા આકર્ષનું જબરજસ્ત કેન્દ્ર રહ્યું છે. ગોવામાં પ્રવાસીઓને જેવી મજા આવે છે તે તેમને આજીવન યાદ રહી જાય તેવી હોય છે. જો તમે ગોવામાં હોટલના બદલે બંગલામાં રહેવા માંગો છો તો એક 350 વર્ષ જૂનો બંગલો આવેલો છે. સાઉથ ગોવાના ક્યુલિમ ગામમાં આ બંગલો આવેલો છે જેનો ઉપયોગ હોટલ તરીકે પણ થાય છે.
350 વર્ષ જૂનો બંગલો
350 વર્ષ જૂના નોસ્સા બેલા કાસા (Nossa Bela Casa) બંગલાની સારસંભાળ સેફ્રોનસ્ટે દ્વારા કરવામાં આવે છે. આ બંગાલાની ખાસિયત તેનો વિશાળ બગીચો અને અને અહીંનું શાંત વાતાવરણ છે, જેના કારણે તમને અહીંથી પાછા જવાનું મન નહીં થાય. ગોવાની આઝાદીની ચળવણ સાથે આ બંગલાની યાદો રહેલી છે. હવે તેનો ઉપયોગ સિક્સ સ્યૂટ બુટિક હોટલ તરીકે કરવામાં આવે છે. આ બંગલામાં કેટલાક સુધારા વધારા સાથે તેની જૂની યાદોને તાજી રાખવામાં આવી છે.
વિન્ટેજ લૂક
આ હોટલનો વિન્ટેજ લૂક તેના સ્વાગત ગેટથી જ જોવા મળી જાય છે, બોલરૂમ (બોલ ડાન્સ કરવા માટેનો રૂમ) સુધી તેનો વૈભવ જોવા મળે છે. આ બંગલાની ફ્રેન્ચ ડિઝાઈનની બારીઓ અને બેલ્જિયમ ગ્લાસ અહીં આવનારા લોકોને મોહિત કરી દે છે. અહીના રૂમોની સંખ્યા સામાન્ય રૂમો કરતા વિશાળ છે. આ બંગલામાં સુંદર કોતરણીવાળી બાલ્કની પણ છે. જ્યાંથી એક અલગ નજારો જોવા મળે છે. આ બંગલામાં બે પૂજા સ્થળ (દેવળ) આવેલા છે. આ દેવળ લગભગ 250 વર્ષ જૂના છે. જેમાં કુદરતી રીતે સૂર્ય પ્રકાશ પ્રવેશે તે રીતની ડિઝાઈન રાખવામાં આવી છે.
બંગલામાં વિવિધ સુવિધાઓ
નોસ્સા બેલા કાસામાં સ્વિમિંગ પૂલ, બેડમિન્ટન કોર્ટ સહિતની એક્ટિવિટી કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જો તમે નોનવેજ ખાતા હોવ તો અહીં તમને સ્વાદિષ્ટ પ્રોન (ઝીંગા) બિરિયાનીનો ટેસ્ટ માણવા મળશે. જેનો સ્વાદ હંમેશા યાદ રહી જાય તેવો હોય છે.
ગામમાં બીચ પણ છે
ક્યુલિમ ગામમાં આવેલો આ 350 વર્ષ જૂના બંગલો એવી જગ્યાએ આવેલો છે કે તેની આસપાસનું વાતાવરણ તમારું મન મોહી લેશે. આ ગામમાં જ બીચ પણ આવેલો છે. આ બંગલો હોટલમાં ચોમાસામાં રોકાવવા માટે શ્રેષ્ઠ જગ્યા માનવામાં આવે છે. હોટલમાં રહેવા આવનારાને એડિશનલ ચાર્જ સાથે ટેક્સી સર્વિસ પણ આપવામાં આવે છે.
શું છે ભાડું
આ ઐતિહાસિક બંગલામાં રોકાવાની મજા લેતા પહેલા તેમાં રોકાવાનો ખર્ચ જાણી લેવો જરુરી છે. શેફરોન સ્ટેની વેબસાઈટ મુજબ અહીં રોકાવા માટેનો 1 દિવસનો 2 રુમનો ખર્ચ 20,000 હજાર રુપિયા છે. જેમાં એકોમોડેશન ચાર્જ 14,998 રુપિયા છે જ્યારે તેના પર 2700 રુપિયા GST લગાવવામાં આવે છે. અહીં રોકાવા માટે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 10,000 રુપિયા ચૂકવવા પડે છે. તારીખ પ્રમાણે આ ચાર્જ બદલાતો રહે છે.
Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.