ભારતને સ્થાપત્યોની ભૂમિ માનવામાં આવે છે, સ્થાપત્યોની કલા કોતરણીને કારણે અનેક સ્થાન આજે મુસાફરોના ફેવરીટ ડેસ્ટિનેશન બન્યા છે. રાજવીઓએ પોતાના ઠાઠ ધરાવતા અનેક મહેલ ઊભા કર્યા, હવેલી અને કિલ્લાઓ બનાવડાવ્યા. આવી વિરાસત અને અવિસ્મરણીય બાંધણીઓને કારણે જ યુનેસ્કો વલ્ડ હેરિટેજ સાઈટમાં ભારતની 35થી વધારે સાઈટ નોંધાયેલી છે. માત્ર હવેલીઓ અને કિલ્લાઓ જ નહીં પણ મંદિર અને ઐતિહાસિક સ્થળનો પણ તેમા સમાવેશ થાય છે. આ જ કોતરણીઓ અને સ્થાપત્યોમાંથી પ્રેરણા લઈને નવા મંદિર અને હવેલીઓ તૈયાર થાય છે. અક્ષરધામ તે પૈકીનું એક છે. જેણે વૈશ્વિક સ્તરે ડીઝાઈનિંગ અને આકૃતિઓના નવા દ્વાર ખોલ્યા છે.
દુનિયાનું સૌથી વિશાળ હિન્દુ મંદિર
અક્ષરધામ વિશે અનેક સત્યો અને તથ્યો વાંચેલા કે જોયેલા હશે. પણ દિલ્હી અક્ષરધામ દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. ફસ્ટ ઈમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઈમ્પ્રેશન આ કહેવતને તે પુરવાર કરે છે. ભવ્યતા, વિશાળતા અને આધ્યાત્મિકતાનું કેન્દ્ર માનવામાં આવે છે. દેશના અતલ્ય આર્ટ સ્કલ્પચર અહીં દરેક દિવાલ અને ખુણામાં જોવા મળશે. જેમાં એક પણ ડીઝાઈન મંદિર પરિસરમાં અન્ય કોઈ જગ્યાએ પુનરાવર્તિત થતી નથી. આ મંદિર તૈયાર થતા પાંચ વર્ષનો સમય લાગ્યો હતો.
ગિનિસબુક ઓફ વલ્ડ રેકોર્ડ
દિલ્હી અક્ષરધામ મંદિરનું નામ ગિનિસબુક ઓફમાં લખાયેલું છે. સૌથી વિશાળ હિન્દુ મંદિર તરીકે તેને ગિનિસબુકમાં સ્થાન મળ્યું છે. 316 ફૂટ પહોળું અને 141 ફૂટની ઊંચાઈ ધરાવતું મંદિર વિશ્વમાં બીજા ક્યાંય નથી. સમગ્ર મંદિર 86,342 સ્કવેર ફૂટમાં પથરાયેલું છે. ભારતની પ્રાચીન કલા-કૃતિ અને અનેકવિધ કોતરણીના મંદિર પરિસરમાં દર્શન થાય છે. જાણીને નવાઈ લાગશે કે, આ મંદિરમાં ક્યાંય સ્ટીલનો ઉપયોગ થયો નથી. 11,000 કલાકારો અને સ્વયંસેવકોએ આ મંદિરના જુદા જુદા વિભાગો તૈયાર કર્યા છે.
નારાયણ સરોવર
નારાયણ સરોવર મંદિરમાં આવેલું વિશાળ તળાવ છે. આ પવિત્ર તળાવની ખાસ વાત એ છે કે, આ તળાવમાં દેશભરના જુદા જુદા 151 તળાવના અને નદીના પાણી એકઠા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તળાવની ફરતે કુલ 108 ગુરુમુખ છે. જેને હિન્દુધર્મના 108 દેવતાઓ માનનામાં આવે છે. આ ઉપરાંત સમગ્ર મંદિરની પરિક્રમા કરવા માટે 3,000 ફૂટનો પાથવે તૈયાર કરાયો છે. સમગ્ર પરિક્રમા દરમિયાન મંદિરના પરિસરમાં રહેલા જુદા જુદા ગાર્ડનનો અદ્દભૂત નઝારો જોવા મળશે. પરિક્રમાની બે ઈમારત 1152 થાંભલાઓ અને 145 નાની-મોટી બારી ધરાવે છે.
ભરત ઉપવન
મંદિરમાં આવેલા ભરત ઉપવનને ગાર્ડન ઓફ ઈન્ડિયા પણ કહેવામાં આવે છે. કાંસાની મૂર્તિઓ અને વિશાળપટમાં ફેલાયેલી લીલોતરી મનને મંત્રમુગ્ધ અને આંખોને અનિમેષ કરી દે છે. અહીં ગાર્ડનમાં દેશના ક્રાંતિકારી, સ્વાતંત્ર્ય સંગ્રામના સેનાની અને બીજા મહાન વ્યક્તિઓની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ એક બોટાનિકલ ગાર્ડન છે જ્યાં અનેક પ્રકારની આયુર્વેદિક વનસ્પતિનું જતન કરવામાં આવે છે, ઉછેરવામાં આવે છે.
અંજતા ઈલોરાની ગુફા પરથી તૈયાર થયું છે રેસ્ટોરાં
સૌથી મોટું પ્રેમવર્તી આહાર ગૃહ દિલ્હી અક્ષરધામ મંદિરમાં છે. સમગ્ર મંદિરના જુદા જુદા વિભાગના દર્શન કર્યા બાદ થાકીને અહીં વિસામો ખાવા જેવો છે. આ સાથે જ અહીં ઉદરતૃપ્તિ કરી શકાય એવી અનેક વાનગીઓ મળી રહે છે. આ રેસ્ટોરાંની ડીઝાઈન મહારાષ્ટ્રના અંજતા ઈલોરાની ગુફા પરથી તૈયાર કરવામાં આવી છે. વેસ્ટર્ન જ નહીં ટ્રેડિનલ ડીશનો ટેસ્ટ પણ અહીં કરવા જેવો છે.
લોટસ ગાર્ડન
મંદિરની મુલાકાત વખતે મંદિરમાં આવેલા લોટર ગાર્ડનની મુલાકાત અચૂક લેવી જોઈએ, જ્યાં કમળ આકારમાં એક કૃતિ તૈયાર કરવામાં આવી છે, જેના મધ્યભાગમાં તૈયાર કરાયેલા પાથ વે પરથી સામેની તરફ જઈ શકાય છે અને નીચે પણ ઊતરી શકાય છે. તેના આકાર કમળ જેવો હોવાથી તેને લોટસ ગાર્ડન કહેવાય છે. આ કમળની અંદર તરફ સ્વામિ વિવેકાનંદ, શેક્સપીયર, માર્ટિન લ્યુથર અને બીજા મહાન વ્યક્તિઓના ક્વોટ લખેલા છે.
એક દિવસ ઓછો પડશે
અહીં જુદા જુદા વિભાગોની રચના અને કોતરણીને સમજવા માટે ઓછામાં ઓછા ત્રણ દિવલનો સમય લાગે છે. આ મંદિરનું લોકાર્પણ નવેમ્બર 2005માં પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમણે અહીંના તમામ વિભાગની મુલાકાત લીધી હતી. વૈદિક શાસ્ત્ર અનુસાર આ મંદિરના દસ દરવાજા તૈયાર કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે તમામ દરવાજા પાસેથી રસ્તાઓ મુખ્ય મંદિર તરફ જાય છે.