કાશ્મીરને પૃથ્વી પરનું સ્વર્ગ માનવામાં આવે છે. શ્રીનગરથી લઈને લેહ-લદ્દાખ સુધીના કુદરતી નજારો દરેક પ્રવાસીઓને આકર્ષે છે. જમ્મુ આમ તો અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રાને લઈને જાણીતું છે. વૈષ્ણોદેવી જમ્મુના કટરા જિલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ છે. મોટા ભાગના અમરનાથ આવતા શ્રદ્ધાળુઓ બાબા અમરનાથના દર્શન કરીને વૈષ્ણોદેવી માથું નમાવવા માટે જાય છે. પરંતુ, માત્ર વૈષ્ણોદેવી યાત્રાએ જતા શ્રદ્ધાળું માત્ર ગુફા અને યાત્રાધામના દર્શન કરીને પરત ફરે છે. આ યાત્રાધામ સિવાય પણ વૈષ્ણોદેવીથી નજીકના અંતરે અનેક ફરવાના સ્થળો આવેલા છે. જેમાં ઐતિહાસિક સ્થળ, ટ્રેકિંગ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ અને જમ્મુના પેનોરેમિક વ્યૂપોઈન્ટનો પણ સમાવેશ થાય છે. જોઈએ આવા જ વૈષ્ણોદેવી આસપાસના સ્થળોની યાદી.
અમર મહેલ
કટરાથી શ્રીનગર જવાના રસ્તા પર 19મી સદીમાં રાજા અમરસિંહે બંધાવેલો અમર પેલેસ આવેલો છે. રાજસ્થાનના પેલેસની જેમ રાજવી ઠાઠ-માઠની યાદ અપાવી દે એવો આ પેલેસ છે. રાજવી શાસન બાદ આ પેલેસને મ્યુઝિયમમાં ફેરવી દેવાયો છે. જેની બાંધણીમાં અંગ્રેજોની શૈલી અને ભારતીય બાંધણીના દર્શન થાય છે. તવી નદીના કિનારે આવેલા આ પેલેસમાં 120 કિલોના સોનાના પથ્થર, રાજવી ચિત્રો અને 25,000 જેટલા પુસ્તકો ધરાવતી લાયબ્રેરી જોવા મળશે. જેમાં ભારતીય ઈતિહાસથી લઈને આજની ટેકનોલોજી સુધીના પુસ્તકો જોવા મળશે. મહેલની બાજુમાં જ મુબારક મંડી આવેલી છે. જે એક સમયે રાજાના દરબારીઓનું નિવાસ સ્થાન હોવાનું માનવામાં આવી રહ્યું છે. મંડી શબ્દથી બજાર હોવાનું કલ્પનામાં આવે પણ આ સોસાયટી છે. અહીં મુઘલ, રાજસ્થાની અને યુરોપીયન શૈલના બાંધકામ જોવા મળશે. અહીં ખાસ જોવા જેવી વસ્તુ શીશ મહેલ છે. આ સિવાય રાણી મહેલ અને દિવાને ખાસ છે. આ સિવાય અહીં સંગ્રહાયલમાં સોનાના તીર-કામઠા જોવા મળશે. આ સિવાય પર્શિયન સ્ક્રિપ્ટમાં લખાયેલ શાહનામા અને સિકંદરનામા જોવા મળશે.
બાહુ ફોર્ટ
વૈષ્ણોદેવીથી 2 કલાકના અંતરે બાહુફોર્ટ આવેલો છે. જે 19મી સદીના રાજવી શાસનની યાદ અપાવે છે. રાજા બહુલોચને સૌ પ્રથમ વખત જમ્મુમાં આ પેલેસ તૈયાર કરાવ્યો હતો. અહી પેલેસમાં એક નાનું કાલી મંદિર પણ આવેલું છે. નવરાત્રી દરમિયાન અહીં ખૂબ ભીડ રહે છે. અહીં ખાસ તો બાગે બાહુએ ગાર્ડન જોવા જેવું છે. જે સમગ્ર બાગ મુઘલશૈલી પ્રમાણે તૈયાર કરાયો હતો. તવી નદીના કિનારે આવેલો આ મહેલ પરથી સમગ્ર જમ્મુનો પેનોરેમિક વ્યૂ નિહાળી શકાય છે. ફોટોગ્રાફી કરવા માટે આ લોકેશન બેસ્ટ છે. અહીં ખાસ તો માછલીઘર જોવા જેવું છે. જેનો પ્રવેશદ્વાર માછલીના મોઢાના આકાર જેવો અને એક્ઝિટ પોઈન્ટ માછલીની પૂંછડી જેવો છે. અહીં 400થી વધારે માછલીઓની પ્રજાતી જોવા મળશે.
અખનુર ફોર્ટ
લગભગ 1762ના સમયમાં રાજા તેજસિંહે અખનુર ફોર્ટનું નિર્માણ કરાવ્યા હોવાનું માનવામાં આવે છે. પેલેસની નિર્માણની શરૂઆત તેજસિંહે કરાવી હતી પણ 1802માં તેના પુત્ર આલમસિંહે આ પેલેસનું નિર્માણકાર્ય પૂરું કરાવ્યું હતું. ખાસ વાત એ છે કે, પેલેસના પાછળના ભાગથી ચિનાબ નદીનો ભવ્ય નજારો જોઈ શકાય છે. અહીં પેલેસમાંથી પગથિયા સીધા નદીના ઘાટ પર પહોંચે છે. આ પેલેસમાં રાજસ્થાની બાંધકામની છાપ જોવા મળશે. અહીં સુધી પહોંચવાનો રસ્તો સારો હોવાથી બાયરોડ પણ જઈ શકાય છે. પાંડવોએ અહીં પોતાના અજ્ઞાતવાસ પણ પસાર કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ અહીં એક પાંડવ ગુફા પણ આવેલી છે. આ સિવાય પણ અહીં જીયાપોતા ઘાટ જોવા જેવો છે. જ્યાંથી ચિનાબનદી વહે છે. આ ઘાટ ઉપર પણ જમ્મુના મહારાજા ગુલાબસિંહનું રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો. અહીંની દિવાલમાં પણ રાજાના અભિષેકના પુરાવા જોવા મળે છે. દિવાળીના તહેવાર નિમિતે અહીં ચિનાબનદીની આરતી કરવામાં આવે છે.
ભીમગઢ ફોર્ટ
વૈષ્ણોદેવીથી કલાકના અંતરે મસ્ત અને માણવા લાયક પેલેસ આવેલો છે તેનું નામ છે ભીમગઢ ફોર્ટ. જે રીઅસી ફોર્ટથી પણ ઓળખાય છે. 150 ફૂટ પહાડી વિસ્તારમાં આવેલા આ કિલ્લામાં બાઈક રાઈડર એક વખત આવીને ફોટા પડાવે છે. કટોકટી વખતે ડોંગરા રાજવીઓએ આ પેલેસમાં આશ્રય લીધો હતો એવું ઈતિહાસ કહે છે. મહારાજાએ રિશિપાલ રાણાએ આ મહેલનો જીર્ણોદ્ધાર કર્ય હતો. તેઓ રીઅસીના સ્થાપક હતા. આ પછી વૈષ્ણોદેવીથી 2 કલાકના અંતરે બાબા જીત્તોનું મંદિર આવેલું છે. ઘણા શ્રદ્ધાળુઓ અહીં બાબા ધનસર શિવલિંગના દર્શન કરવા માટે આવે છે. આ મંદિર ભક્તોમાં ખાસ જાણીતું નથી પણ અહીં લોકેશન બેસ્ટ છે.
ભાદરવા વેલી
વૈષ્ણોદેવીથી 100 કિમીના અંતરે આવેલું છે ભાદરવા વેલી. આ વૈષ્ણોદેવી પાસેનો સૌથી બેસ્ટ ટ્રેકિંગ પોઈન્ટ છે. અહીં પેરાગ્લાડિંગ અને નેચર ફોટોગ્રાફી માટેનું બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીંથી સોનબાઈન ગ્લેસિરનો નજારો નિહાળવો એક રોમાંચથી કમ નથી. અહીથી થોડે દૂર પદ્રી નામની જગ્યા આવેલી છે જે સનસેટ પોઈન્ટથી ઓળખાય છે. સમુદ્ર સપાટીથી 10,500 ફૂટની ઊંચાઈએ આવેલા આ શિખર પરથી બરફના પહાડનો મસ્ત વ્યૂ જોઈ શકાય છે. આ એક હિલસ્ટેનશ સમાન છે. બાઈક પર રાઈડિંગ કરનારાઓએ એક વખત અહીં આટો મારવા જેવો છે. બરફના પહાડ વચ્ચેથી પસાર થતો રસ્તો અને ઠંડા પવનો ટુરને યાદગાર બનાવી દેશે. થોડા દૂર જશો તો ગથા લેક આવશે. અહીંથી કૈલાશ પર્વતની હારમાળા જોઈ શકાય છે.
માનસર
વૈષ્ણોદેવીથી 30 કિમીના અંતરે મનસર આવેલું છે. કાશ્મીરના લીલાછમ પહાડો વચ્ચે આવેલું માનસર લેક સહેલાણીઓને ખાસ આકર્ષે છે. સાંબા જિલ્લામાં આવેલું આ લેકથી નજીકમાં આવેલું ઉધમપુર સિટી પણ ફરવા લાયક છે. અહીં તળાવમાં બોટિંગ કરી શકાય છે. નવયુગલો અહીં શેષનાગ ભગવાનના દર્શન કરવા માટે આવે તો સંસારની શુભ શરૂઆત થાય એવી માન્યતા છે. આ તળાવને કાચબાઓનું ઘર માનવામાં આવે છે.