કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં કોટેશ્વર મંદિર આવેલું છે. આમ તો કચ્છમાં અનેક સ્થળો જોવાલાયક છે પરંતુ કોટેશ્વર મંદિરના સ્થળના કારણે પ્રવાસીઓમાં લોકપ્રિય બન્યું છે. દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં મહાદેવના દર્શન કરવા આવે છે. લખપત તાલુકામાં ભારત – પાકિસ્તાનની સરહદે આ ગામ આવેલું છે. સમુદ્રકાંઠે આવેલું આ સ્થળ રણ વચ્ચે વસેલું છે. કોટેશ્વર એ કચ્છને જોડતી ભારતની સરહદે આવેલું અંતિમ ગામ છે. ત્યાંથી દરિયામાં આંતરરાષ્ટ્રિય સરહદ આવેલી છે. સામા કાંઠે કરાચી આવેલું હોવાથી અહીંથી રાત્રે ત્યાંનો પ્રકાશ પણ નિહાળી શકાય છે. મંદિરની પાસે જ સીમા સુરક્ષા દળની ચોકી આવેલી છે.
કોટેશ્વરનો ઇતિહાસ
આ મંદિરનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ઘણું છે. એવી કથા છે કે લંકાપતિ રાવણે કૈલાશ પર્વત પર ભારે તપ કર્યું. ભોળાનાથ પ્રસન્નથતા તેણે એવું વરદાન માગ્યું કે હું તમારી હંમેશાં ભક્તિ કરતો રહું તે માટે શિવલિંગ આપો. ભોળાનાથે શિવલિંગ આપતા રાવણને કહ્યું કે તું શિવલિંગ લંકા લઈ જતી વેળાએ જ્યાં પણ મૂકી દઈ ત્યાં કોટી થઈ જશે અને પછી તું ઉપાડી શકીશ નહીં. દેવોએ રાવણ પાસેથી શિવલિંગ પડાવી લેવા કપટ કર્યું. આ કપટમાં બ્રહ્માજીએ એક ગાયનું રૂપ લીધું અને એક કીચડવાળા ખાડામાં પડ્યા, ગાયને બહાર કાઢવા માટે દેવે તપસ્વીનું રૂપ ધર્યું. રાવણ આકાશ માર્ગે શિવલિંગ લઈ લંકા જઈ રહ્યો હતો તેણે જોયું કે ખાડામાં પડેલી ગાય તપસ્વીથી બહાર નીકળતી નથી.
તપસ્વીએ રાવણની મદદ માગી. રાવણે ગાયને બચાવવાના ઉત્સાહમાં પોતાનું શિવલિંગ જમીન પર મૂકી દીધું. ગાય બહાર નીકળી ગયા પછી રાવણે જોયું તો તેનું શિવલિંગ કોટી બની ગયું હતું. પછી રાવણે આ જગ્યાએ વૈદિક મંત્રોચ્ચાર દ્વારા શિવલિંગની પૂજા કરી અને તે સ્થાન કોટેશ્વરના નામે પ્રચલિત બની ગયું.
ક્યાં છે કોટેશ્વર
આ મંદિર ભુજથી 152 કિલોમીટર, રાજકોટથી 283 અને અમદાવાદથી 483 કિમી દૂર છે. અહીં ખાનગી વાહનો લઈને જઈ શકાય છે. નજીકનું રેલવે સ્ટેશન ભૂજ છે.