ગીરના જંગલોની બિલકુલ મધ્યમાં આવેલું છે આ મંદિર, જાણો અહીં કેવી રીતે જવાય

0
500
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ચોમાસામાં સાસણગીરનું સૌંદર્ય જોવાલાયક હોય છે. ચારેબાજુ લીલાછમ ઘટાદાર વૃક્ષો અને રળિયામણાં ડુંગરો તમારૂ મન મોહી લે છે. સાસણગીરમાં નેશનલ પાર્ક, ગીરનાર પર્વત ઉપરાંત એક એવી જગ્યા છે જ્યાં જવાનું મન થાય એવું છે. આ જગ્યા છે કનકાઇ માતાનું મંદિર. ગીરના જંગલોની બિલકુલ મધ્યમાં આવેલું છે કનકાઇ મંદિર. અહીં કુદરતી સૌંદર્ય મનભરીને માણી શકાય છે.

ક્યાં છે આ મંદિર

જુનાગઢથી 72, સોમનાથથી 63 અને અમરેલીથી 100 કિલોમીટરના અંતરે ગીર નેશનલ પાર્ક અને ગીર અભ્યારણ્યની બિલકુલ વચ્ચે આવેલું કનકેશ્વરી માતાનું આ મંદિર લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પ્રતિક છે. મંદિર સુધી જવા માટે ગીરના જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલમાંથી પસાર થતાં ચિત્તલ, હરણ, સસલાં, સાપ અને વાંદરા સહિત અનેક પ્રાણીઓના દર્શન થાય છે તો ક્યારેક સાવજની ત્રાડ પણ સાંભળવા મળે તો નવાઇ નહીં. જંગલનો અત્યંત સંવેદનશીલ વિસ્તાર હોવાથી જંગલ ખાતાના નિયમોનું પાલન કરવું પડે છે. ચેક-પોસ્ટ પરથી એન્ટ્રી મળે પછી જ અંદર પ્રવેશી શકાય છે અને સાંજે છ વાગ્યા પહેલા દર્શન કરીને પાછા ફરવું પડે છે. રસ્તામાં વાહન રોકવાની અને ધુમ્રપાન કરવાની મનાઇ છે.

મંદિરનો ઇતિહાસ

વનરાજ ચાવડાના વંશજ કનક ચાવડાએ કનકાવતી નગરીની સ્થાપના કરી હતી અને નગરીના અધિષ્ઠાત્રી તરીકે માતા કનકાઇને પૂજ્યાં હતાં. બીજી કથા એવી છે કે મૈત્રકવંશના રાજવી કનકસેને ગીરના જંગલની મધ્યમાં કનકાવતી નગરીની અને માતા કનકાઇ મંદિરની સ્થાપના કરી હતી. અત્યારનું મંદિર આશરે 12મી સદીમાં બંધાયેલું છે. કનકાઇ માતાને અઢાર વર્ણના કુળદેવી માનવામાં આવે છે. લગભગ દરેક જ્ઞાતિના લોકો અહીં શ્રદ્ધાભાવથી દર્શન કરવા આવે છે. મંદિરની આસપાસ લીલાછમ વૃક્ષો આવેલા છે. અહીં ભગવાન ગણેશ, શિવ અને હનુમાનજીનું મંદિર પણ છે. બાજુમાં પાંચ પાળિયા છે.