ગુજરાતીઓ માટે સૌથી નજીક અને સરળ રીતે પહોંચી શકાય તેવા બે જ હિલ સ્ટેશનો જાણીતા છે. એક તો દક્ષિણ ગુજરાતનું સાપુતારા અને બીજું રાજસ્થાનનું આબુ. પરંતુ તમને નહીં ખબર હોય કે આ બંને હિલ સ્ટેશનોને ટક્કર આપે તેવું એક હિલ સ્ટેશન આપણા ગુજરાતમાં જ આવેલું છે. પાછલા થોડા સમયથી લોકો વચ્ચે પ્રખ્યાત થઈ રહેલા આ હિલ સ્ટેશનનું નામ છે ડોન, જે ગુજરાતના આહવા અને મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની બોર્ડર પર આવેલું છે.
કુદરતી સંપત્તિથી ભરપૂર અને લીલાંછમ એવા ડાંગ જિલ્લામાં આવેલું આ ગિરિમથક આમ તો છેલ્લા 3 વર્ષથી જ ચર્ચામાં આવ્યું છે. ગુજરાતના મોટા ભાગના નિસર્ગપ્રેમીઓ કે પછી નાગરિકોને પણ ડોન નામનું હિલ-સ્ટેશન ગુજરાતમાં છે એની કદાચ ખબર નહીં હોય. આ હિલ-સ્ટેશન હજી વિકસિત થયું નથી અને ત્યાં પહોંચવા માટે હજી માંડ બે વર્ષ પહેલાં જ પાકો રસ્તો બન્યો છે.
કરી શકો છો ટ્રેકિંગ
જો તમે ટ્રેકિંગના શોખીન છો તો પણ ડોન હિલ સ્ટેશન ઉત્તમ સ્થળ છે. ઉંચા નીચા ઢોળાવ હોવાને કારણે અહીં ટ્રેકિંગ માટે પણ લોકો ઉમટે છે. આ સ્થળ પર્વતારોહણ માટે શ્રેષ્ઠ છે અને ટ્રેક માટે આ અત્યંત રળિયામણું સ્થળ છે. અહીં આવેલા ટ્રેકરો અને મુસાફરો તો એમ કહે છે કે નૈનિતાલ, મસૂરી કે પછી માઉન્ટ આબુને પણ ભૂલી જાઓ એવું ખૂબસૂરત સ્થળ ડોન છે.
1070 મીટરની ઉંચાઈએ
ડાંગમાં આવેલું આ હિલ સ્ટેશન સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું છે. ડોન હિલ સ્ટેશનની ઉંચાઈ 1070 મીટર છે, જે સાપુતારા કરતા પણ 100 મીટર વધુ છે. રસપ્રદ વાત એ છે કે આ હિલ સ્ટેશનથી મહારાષ્ટ્ર બોર્ડર 3 કિલોમીટર જ દૂર છે. એટલે તમે ડોનથી થઈને મહારાષ્ટ્ર તરફ પણ ફરવા જઈ શકો છો.
આ એક એવું ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ છે જેની સાથે ભગવાન ભોળા શંકર, રામસીતા અને હનુમાનજી, અંજની માતા અને ગુરુ દ્રોણની દંતકથાઓ જોડાયેલી છે. સાપુતારા કરતાં દસ ગણો વિસ્તાર ડોનનો છે. ડોન ગામ ડુંગર પર આવેલું છે અને અહીં ચારે તરફ ડુંગરો જ છે. અહીં ગુરુ દ્રોણની ટેકરી છે, અંજની પર્વત-અંજની કુંડ છે જે હનુમાનજીનું જન્મસ્થળ ગણાય છે. આ સ્થળે અંજનીમાતાએ ભગવાન શિવની આરાધના કરી હતી. આ સ્થળે ભગવાન રામચંદ્રજી અને સીતામાતાનાં પગલાં છે અને ડુંગર નીચે પાંડવ ગુફા આવેલી છે. પાંડવોને જ્યારે ૧૪ વર્ષ વનવાસ વેઠવો પડ્યો હતો ત્યારે આ સ્થળે તેમણે વનવાસ ભોગવ્યો હતો.
આ રીતે પડ્યું ડોન નામ
ડાંગના આ હિલ સ્ટેશનનું નામ કેવી રીતે પડ્યું, તેની કથા પણ રસપ્રદ છે. લોકોનું કહેવું છે કે અહીંના અહલ્યા પર્વત નજીક ગુરુ દ્રોણાચાર્યનો આશ્રમ હતો. રામાયણ કાળમાં રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા. ગુરૂ દ્રોણાચાર્યના નામ પરથી જ આ પ્રદેશ દ્રોણના નામે ઓળખાવા લાગ્યો. ત્યાર બાદ અંગ્રેજાના આગમન સાથે આ પ્રદેશનું નામ પણ બદલાઇ ગયું. દ્રોણનું અપભ્રંશ થઇ ડોન થઇ ગયું.
કેવી રીતે જવાય
ડોન જવું હોય તો એ આહવાથી અંદાજે ૩૩ કિલોમીટર દૂર છે. આહવા થઈને ચિંચલી જવાનું. ત્યાંથી ગડદ ગામ જવાનું અને ગડદ ગામથી પહાડ તરફ જતો રસ્તો ડોન તરફ દોરી જાય છે.
ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં હિલ-સ્ટેશન સાપુતારા, ગીરા ફૉલ્સ ઉપરાંત શબરીધામ, પમ્પા સરોવર, ભેંસકાત્રી નજીક આવેલું માયાદેવીનું મંદિર, વઘઈ, કિલાડ, મહાલ જેવાં પ્રવાસન-સ્થળો આવેલાં છે. ચોમાસાની શરૂઆત થતાં જ સહેલાણીઓ ડાંગમાં ઊમટી પડે છે. નાનકડો ડાંગ જિલ્લો ચોમાસામાં લીલોછમ બની જાય છે. અહીં ઠેર-ઠેર વહેતાં ઝરણાં અને ડુંગર પરથી વહેતા નાના-મોટા પાણીના ધોધ વાતાવરણને આહ્લાદક બનાવે છે.