શનિની પનોતી નડે છે ? તો જઇ આવો એક વાર જાંબુઘોડાના આ હનુમાન મંદિરમાં

0
394
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દક્ષિણ ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જામ્બુઘોડા ખાતે આવેલું છે ઝંડ હનુમાન મંદિર. એવી માન્યતા છે કે અહીં એકવાર દર્શન કરનાર ભક્તને પણ જીવનમાં ક્યારેય શનિ પનોતી નડતી નથી. જાંબુઘોડાથી 10 કિ.મી. દૂર આવેલું છે આ મંદિર. મહાભારતના સમયમાં હનુમાનની મૂર્તિ અહીં સ્થાપિત થઈ હોવાનું મનાય છે. પાંડવો પોતાના વનવાસ દરમિયાન જાંબુઘોડાના જંગલોમાં રહ્યા હતા. હવે ભીમને પોતાના બળનું બહુ અભિમાન હતું. તેને યોગ્ય દિશા બતાવવા માટે એક દિવસ હનુમાનજીએ દુર્બળ વાનરનું સ્વરૂપ ધારણ કરી પોતાની પૂંછડીથી ભીમનો રસ્તો રોક્યો હતો. ભીમના કહેવા છતા વાનરે પોતાની પૂંછ ન હટાવી.

આથી ભીમે પોતાની તાકાત લગાવી પૂંછડી હટાવવા પ્રયત્ન કર્યો પરંતુ પૂંછડી હટી નહીં. આથી ભીમને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સાધારણ પુરુષ નથી. તેણે વાનરને પોતના મૂળ સ્વરૂપમાં આવવા વિનંતી કરી. આથી હનુમાનજીએ દર્શન આપી કહ્યું કે નિર્બળ અને વૃદ્ધની સેવા કરવી જોઈએ તેમજ, જે આંખોથી દેખાય તે સત્ય નથી હોતું. આ વાતને ગાંઠ બાંધી લે કારણ કે આવનાર દિવસોમાં તારે આ વાતની જરૂર પડશે. આ જગ્યા એટલે જાંબુધોડા. અહીંનું વન હિડમ્બાવન તરીકે પણ ઓળખાય છે.

એવું પણ કહેવાય છે કે અહીંની 21 ફૂટની હનુમાનજીની મૂર્તિને ખૂદ ભીમે સ્થાપી હતી. અહીં ભીમ જે ઘંટીમાં અનાજ દળતો હતો તે ઘંટી પણ હયાત છે. વળી દ્રોપદીને એક સમયે તરસ લાગી હતી તો અર્જૂને તીર મારી અહીં જમીનમાંથી પાણી કાઢ્યું હતું તે કૂવો પણ મોજૂદ છે. પૌરાણિક સમયથી જ આ જગ્યાનું માહાત્મ્ય રહેલું છે. આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

શનિના પ્રકોપથી બચવા માટે લોકો અનેક પૂજા વિધિ કરે છે. જાંબુઘોડાના ગાઢ જંગલો વચ્ચે આવેલા આ મંદિરે દર મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ત્યારે તમે પણ શનિ પનોતીથી મુક્તિ ઈચ્છતા હોવ તો મંગળવાર અથવા શનિવારના દિવસે આ મંદિરની મુલાકાત લેવી જોઈએ.

શું છે જોવાલાયક: 21 ફૂટની હનુમાનજીની મૂર્તી, ભીમની ઘંટી, અર્જૂને તીરથી બનાવેલો કૂંવો, મંદિર નજીક વહેતું ઝરણું, મંદિર નજીક પૌરાણિક શિવલિંગ. અહીં અનુમાનજીને સિંદૂર નહીં માત્ર તેલ જ ચડાવવામાં આવે છે.

કેવી રીતે જઇ શકાય: પાવાગઢથી (41 કિમી) પણ જવાશે અને બોડેલીથી (22 કિમી) પણ જવાશે. જાંબુઘોડાથી આ સ્થળ 10 કિમી દૂર છે જે જાંબુઘોડા અભ્યારણ્યમાં આવેલું છે. આ સ્થળ વડોદરાથી 70 કિમી દૂર છે. અહીંથી નજીકનું રેલવે સ્ટેશન અને એરપોર્ટ વડોદરા છે.