દેશના આ રાજ્યને કહેવાય છે પૂર્વનું સ્કોટલેન્ડ, જાણો અહીંની સુંદરતા વિશે

0
440
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ગુજરાતીઓને હિલ સ્ટેશન અત્યંત પ્રિય છે. નોર્થ ઇસ્ટમાં ગુજરાતીઓ મુખ્યત્વે દાર્જિલીંગ અને સિક્કિમ વધારે ફરવા જાય છે પરંતુ આ સિવાય પણ પૂર્વોત્તર ભારતમાં અનેક ટૂરિસ્ટ પ્લેસિસ છે. પૂર્વોત્તર ભારતનું આવું જ એક રાજ્ય છે મેઘાલય. મેઘાલય બે શબ્દ મેઘ અને આલયને જોડીને બન્યો છે. મેઘનો અર્થ છે વાદળ અને આલય એટલે નિવાસ. એટલે કે મેઘાલય શબ્દનો અર્થ થાય છે વાદળોનું ઘર.

મેઘાલય રાજ્યની રાજધાની શિલોંગ છે. મેઘાલયથી તેનું અંતર 111 કિલોમીટર છે. મેઘાલયની સ્થાપના 21 જાન્યુઆરી 1972માં કરવામાં આવી હતી. મેઘાલય તેની સુંદર પર્વતમાળાઓ, લલચામણા ઝરણાં, નદીઓ અને ઘાસના મેદાનો માટે પ્રસિદ્ધ છે. દરવર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ સુંદર રાજ્યની મુલાકાતે આવે છે.

મેઘાલય મુખ્યત્વે ત્રણ જનજાતિઓ ગારો, ખાસી અને જેંતિયાનું નિવાસ સ્થાન છે. અહીંના પ્રસિદ્ધ લોકનૃત્યોમાં નોન્ગરેમ, લાહો, શાદ સુક મિનસેઇમ, ડેરોગેટા વગેરે મુખ્ય છે. અહીંનો મુખ્ય પાક મકાઇ અને ચોખા છે. મેઘાલયમાં ગાઢ જંગલો છે જેમાં મોટી સંખ્યામાં પશુ-પંખીઓનો વસવાટ છે. અહીંના સુંદર જંગલોમાં 23 પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે. અહીં મોર, તીતલ, હુલોક ગિબ્બન જોવા મળે છે. રાજ્યનો 70 ટકા પ્રદેશ જંગલોથી ઘેરાયેલો છે.

મેઘાલયમાં ફરવાલાયક સ્થળો

મેઘાલયનું ચેરાપૂંજી વિશ્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. જંગલોથી ઘેરાયેલા આ સ્થળે એક સમયે દુનિયામાં સૌથી વધુ વરસાદ થતો હતો. પરંતુ હવે ચેરાપુંજીથી નજીકના મોસિનરામે તેનું સ્થાન લઇ લીધું છે. મોસિનરામ એક શાનદાર પર્યટન સ્થળ છે. વરસાદનો આનંદ માણવા આવતા પ્રકૃતિ પ્રેમીઓ માટે આ એક સ્વર્ગ સમાન જગ્યા છે. આ બન્ને જગ્યા એકબીજાની નજીક છે. મેઘાલયમાં ફરવાલાયક અન્ય સ્થળોમાં ગારો હિલ્સ એક શાનદાર જગ્યા છે. અહીં તુરા વેસ્ટ એક મોટું શહેર છે. તુરા પર્યટન સ્થળનું મુખ્ય આકર્ષણ નોકરેક નેશનલ પાર્ક છે. મેઘાલયની રાજધાની શિલોંગને વાદળોનું નિવાસ સ્થાન પણ કહેવામાં આવે છે. પોતાના રમણીય પહાડોના કારણે તેને “પૂર્વનું સ્કૉટલેન્ડ” પણ કહેવામાં આવે છે.

મેઘાલયમાં બાઘમારા વનસ્પતિ અને વન્યજીવો માટે પ્રસિદ્ધ છે. અહીં નદી, ઝરણાં, પવર્તો અને અનેક કુદરતી મહત્વના સ્થળો છે. મેઘાલયમાં અનેક રહસ્યમયી ગુફાઓ છે જેમાં માવસઇની ગુફા એક લોકપ્રિય પર્યટન સ્થળ છે. ઉપરાંત નોહકલિકાઇ ઝરણું લગભગ 335 મીટર ઉંચું છે. મેઘાલયના અન્ય જોવાલાયક સ્થળોમાં જેંતિયા હિલ્સ, હાથી ફોલ્સ, ખાસી હિલ્સ, બડી પટકાઇ પહાડી, લેડી હૈદરી પાર્ક ટૂરિસ્ટની પસંદગીના સ્થળો છે. આ પાર્ક પ્રાંતની પહેલી મહિલા “લેડી હૈદરી”ને સમર્પિત કરવામાં આવ્યો છે.

મેઘાલય ફરવા જવાનો સૌથી સારો સમય

મેઘાલય ફરવા જવાનો સૌથી સારો સમય ઓક્ટોબરથી માર્ચ સુધીનો છે. આ સમયગાળા દરમિયાન આબોહવા ખુશનુમા રહેતી હોવાથી ફરવા માટે અનુકૂળ સમય છે.

મેઘાલય કેવી રીતે પહોંચશો

મેઘાલય જવા માટે સૌથી નજીકનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન આસામનું ગુવાહાટી છે. અહીંથી રોડ માર્ગે મેઘાલય પહોંચી શકાય છે. દેશના મુખ્ય શહેરોથી રોડ દ્ધારા શિલોંગ પહોંચી શકાય છે.