મહારાષ્ટ્રમાં પૂનાની નજીક ભીમશંકર જ્યોતિર્લિંગ ભીમાવતી નદીના કિનારે આવેલ છે. આ જ્યોતિર્લિંગ વિશે પ્રચલિત કથા આ પ્રમાણે છે. સહ્યાદ્રિ અને તેની આજુબાજુના લોકોને ત્રિપુરાસુર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી હેરાન કરતો હતો. આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાય સ્વરૂપે પ્રગટ થયા અને ત્રિપુરાસુરને યુદ્ધમાં હરાવ્યા બાદ ભક્તોના આગ્રહને કારણે તેઓ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. એવી માન્યતા છે કે યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમાવતી નદીનો જન્મ થયો હતો. નીરોગી અને બળવાન શરીરનું તેમજ શ્રદ્ધાળુની મનોકામના પૂર્ણ થવાનું ફળ શ્રી ભીમશંકરનાં દર્શનથી મળે છે.