અમદાવાદ-રાજકોટ હાઇવે પર આ છે હેરિટેજ હોમ, શનિ-રવિમાં રોકાઇ શકો

0
2924
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દરેક મોટા શહેરોમાં નોકરી કે ધંધો કરતા લોકો સતત ભાગદોડનું જીવન જીવતા હોય છે. સોમથી શુક્ર સુધી દરરોજ 8 કે 10 કલાક કામ કર્યા પછી તેમની ઇચ્છા વિકેન્ડ્સ (શનિ-રવિ)માં કોઇક એવા સ્થળે જવાની હોય જ્યાં તેમને માનસિક શાંતિ મળે. આખા સપ્તાહની ભાગદોડનો થાક ઉતરી જાય. વળી આવું સ્થળ જો કોઇ મહેલ હોય તો સોનામાં સુગંધ ભળી જાય. તો આજે અમે આપને આવી જ એક જગ્યા બતાવીશું જેનું નામ છે બેલ ગેસ્ટ હાઉસ.

હેરિટેજ હોમ બેલ ગેસ્ટ હાઉસ

અમદાવાદથી 136 કિલોમીટર રાજકોટ હાઇવે પર સાયલામાં છે બેલ ગેસ્ટ હાઉસ. છેલ્લા 150 વર્ષથી આ ગેસ્ટ હાઉસ અડિખમ છે. આ એક હેરિટેજ હોમ છે. આઝાદી પહેલા સાયલા 575 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું એક રજવાડુ હતું જેની પર ઝાલા રાજપુતોનું સામ્રાજ્ય હતું. ઝાલા રાજપુતો 12 સદીમાં સિંધ પ્રાન્તમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા હતા અને પાટડીમાં પોતાનું સામ્રાજ્ય ચલાવ્યું હતું. ઇસ્લામના આક્રમણ બાદ ઝાલાઓએ તેમની રાજધાની હળવદને બનાવી હતી. ત્યાર બાદ ઝાલાઓએ ધ્રાંગધ્રા, વાંકાનેર, લિમડી, વઢવાણ, સાયલા, ચુડા અને અન્ય રજવાડાઓની સ્થાપના કરી. 1751માં શેષમલજીએ સાયલાને રાજધાની બનાવી અને દરબારગઢ અથવા તો રાજમહેલ પેલેસ બનાવ્યો.

પેલેસમાં સુવિધાઓ

યુવરાજ સોમરાજસિંહ ઝાલા પોતાના પરિવાર સાથે હેરિટેજ ગણાંતા બેલ ગેસ્ટ હાઉસનું સંચાલન કરી રહ્યા છે. બેલ ગેસ્ટ હાઉસમાં કુલ 10 રૂમ્સ છે જેમાંથી 4 રૂમ્સમાં ઝાલા ફેમિલી અને તેમના મહેમાનો માટે રિઝર્વ રાખવામાં આવ્યા છે. આ ગેસ્ટ હાઉસ એક હોમ સ્ટે છે જેથી બાકીના 6 રૂમ્સમાં સામાન્ય લોકો બુકિંગ કરીને રહી શકે છે. અહીંના એકોમોડેશનની વાત કરીએ તો તેમાં દરેક રૂમમાં એસી, ટીવી અને એટેચ્ડ બાથરૂમની સુવિધા છે. અહીંના દરેક રૂમમાં તમને લાકડાનું પ્રાચીન કામ જોવા મળશે. ભોજનમાં તમને કાઠિયાવાડી ટેસ્ટની સાથે અન્ય ભારતીય ડિશ અને કેટલીક વેસ્ટર્ન ડિશ પણ ખાવા મળશે.

અહીં સ્થાનિકો સાથે તેમના ફાર્મમાં બેસીને લોકલ કાઠીયાવાડી ભોજનનો આસ્વાદ પણ માણી શકાય છે. તો પૂર્વ એપોન્ટમેન્ટ લઇને તમે યુવરાજ અને તેમના પત્ની સાથે લંચ કે ડીનર લઇ શકો છો. સાયલામાં તમને સ્થાનિક રાજપુત કલ્ચર અને રીતરિવાજોની જાણકારી પણ મળશે

કેટલું છે અંતર

બેલ ગેસ્ટ હાઉસ અમદાવાદથી 136 કિલોમીટર દૂર રાજકોટ તરફ નેશનલ હાઇવે 8એ પર સાયલા ખાતે આવેલું છે. અહીંથી રાજકોટ એરપોર્ટ 88 કિલોમીટર દૂર છે. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનથી તે 34 કિમી દૂર આવેલું છે. નજીકના જોવાલાયક સ્થળોમાં તમે ચોટિલા ચામુંડા માતાજીના દર્શન કરી શકો છો. તો વાઇલ્ડ એસ સેન્ચૂરી, નળ સરોવર તેમજ અહીંથી રાજકોટ, ગોંડલ, જુનાગઢ, સાસણગીર, સોમનાથ તરફ પણ જઇ શકાય છે.

કાઠિયાવાડી ઘોડાઓ

અહીં તમે ઇચ્છો તો દરબારી શાન ગણાતા કાઠીવાડી ઘોડાઓની સવારી પણ કરી શકો છો. જેના માટે તમારે બેલ ગેસ્ટ હાઉસના માલિકોને વિનંતી કરવાથી આ ઘોડેસવારીની વ્યવસ્થા થઇ જશે.

અન્ય આકર્ષણ

સાયલામાં ઘણાં મંદિરો આવેલા છે. લાલજી જગ્યા, શ્રીરાજ સૌભાગ આશ્રમ, પ્રાચીન શિવ મંદિર, જૈન મંદિરો અહીં છે. ચોટિલા ચામુંડા માતા 39 કિલોમીટર દૂર છે. ઉપરાંત, વઢવાણ સ્વામિનારાયણ મંદિર, જગદિશ આશ્રમ, રામકૃષ્ણ મિશન, નવલખા ટેમ્પલ જેવા જોવાલાયક સ્થળો છે. સાયલા નજીક માત્રીમાની વાવ, ધંડલપરની વાવ પણ જોઇ શકાય છે. સાયલાથી 12 કિમી દૂર મુળી છે. જે પરમાર રાજાઓનું રજવાડું હતું. જ્યાં દરબારગઢ અને રાજમહેલ પેલેસ છે. ઉપરાંત, શાલિગ્રામ હવેલી, મંદારવજી ટેમ્પલ, સ્વામિનારાયણ મંદિર પણ જોવાલાયક છે.

ભાડા માટે સંપર્ક કરો

આ ગેસ્ટ હાઉસમાં તમને બ્રેકફાસ્ટ, લંચ કે ડીનરની સુવિધા મળશે. વધુ માહિતી માટે બેલ ગેસ્ટ હાઉસની વેબસાઇટ ttp://www.bellguesthouse.com/index.html પર કે યુવરાજ સોમરાજસિંહ ઝાલાના મોબાઇલ નંબર 9724678145 પર સંપર્ક કરી શકો છો.

Disclaimer: અહીં દર્શાવવામાં આવતી માહિતી જે-તે હોટલ, રિસોર્ટ્સ કે કોઇ અન્ય સ્થળના પ્રમોશનના ભાગરૂપે હોઇ શકે છે. અહીં દર્શાવેલી કોઇપણ હોટલ, રિસોર્ટ, બંગલો, ગેસ્ટ હાઉસ, વોટર પાર્ક, થીમ પાર્ક કે અન્ય કોઇ જગ્યાએ અપાતી સર્વિસ, ભાડું, એન્ટ્રી ફી કે અન્ય કોઇપણ પ્રકારની સુવિધા માટે gujaratitraveller.comની કોઇ જવાબદારી રહેશે નહીં. વાચકોએ કોઇ પણ હોટલ, રિસોર્ટ કે પાર્કમાં બુકિંગ કરાવતાં પહેલાં તે જગ્યા વિશે પોતાના સ્ત્રોતોથી ભાડું કે સુવિધાઓ ચેક કરી લેવી. અહીં દર્શાવેલી વિગતોમાં ફેરફાર હોઇ શકે છે. gujaratitraveller.com એ માત્ર માહિતી આપતું પોર્ટલ છે.