આ છે વૈષ્ણવોનું પવિત્ર યાત્રાધામ, અંબાણી પણ અહીં શીશ ઝુકાવે છે

0
665
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

રાજસ્થાનમાં આવેલું નાથદ્વારા એ વૈષ્ણવોનું ખૂબ જ પવિત્ર અને પ્રખ્યાત યાત્રાધામ છે. ત્યાં શ્રીનાથજી પ્રભુની ઝાંખી (દર્શન) કરો એટલે મન શાંત થઇ જાય, હૃદયમાં એક પ્રસન્નતા છવાઈ જાય. નાથદ્વારા નગર રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં સ્થિત છે. અહીં શ્રીનાથજી મંદિર સ્થિત છે જે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનું પ્રધાન (મુખ્ય) પીઠ છે. નાથદ્વારાનો શાબ્દિક અર્થ શ્રીનાથજીનો દ્વાર થાય છે. શ્રીકૃષ્ણ અહીં શ્રીનાથજીના નામથી વિખ્યાત છે. કાળા પથ્થરની બનેલી શ્રીનાથજીની આ મૂર્તિની સ્થાપના 1669માં કરવામાં આવી હતી. વૈષ્ણવ પંથના આ મંદિરનો સમાવેશ શિરડી સ્થિત સાંઈબાબા, તિરૂપતિ સ્થિત બાલાજી અને મુંબઈ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર જેવા જ ભારતના સૌથી અમીર મંદિરોની શૃંખલામાં થાય છે.

ઐતિહાસિક માહાત્મ્ય: 1665ની સાલમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના હુમલાના ભયથી બચાવવા શ્રી ગોવર્ધનથી શ્રીનાથજીની મૂર્તિને અહીં લાવવામાં આવી હતી. આશરે 32 મહિનાની સફર બાદ આ મૂર્તિ મેવાડ પહોંચી હતી.
ભગવાન શ્રીનાથજી બિરાજેલા હતા તે રથનું પૈંડુ સિહાર પ્રદેશમાં અટકી જતા ભગવાનની અહીં જ વસવાની ઈચ્છા જાણીને અહીં જ મંદિર બનાવાયું હતું. બનાસ નદીના કાંઠે વસેલા નાથદ્વારામાં ઈસ. 1672ની સાલમાં ભગવાન શ્રીનાથજીને વર્તમાન મંદિરમાં બિરાજમાન કરાયા હતા.

અહીં શ્રદ્ધાભાવની સાથે દૂર-દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવે છે. નાથદ્વારા નગરની સાંકડી રસ્તાઓ વચ્ચે સ્થિત શ્રીનાથજી પ્રત્યે લોકોની એટલી ઉંડી આસ્થા અને શ્રદ્ધાભાવ છે કે, વર્ષભર અહીં ભક્તોની ભીડ જોવા મળે છે. વાસ્તુ જાણકારોનું માનવું છે કે, આ મંદિરની બનાવટ અને ભૌગોલિક સ્થિતિને કારણે જ આ મંદિરનું મહત્વ અન્ય મંદિરોની સરખામણીમાં વધારે છે અને દુનિયાના સૌથી અમીર મંદિરોમાં પણ એટલે જ આ મંદિરને સ્થાન પ્રાપ્ત છે. શ્રીનાથજીની નજીકમાં ભગવાન શિવનું એકલંજીનું મંદિર છે જ્યાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની અવર-જવર રહે છે.

કેવી રીતે પહોંચવું-

બસ સેવાઃ- શ્રીનાથદ્વારા માટે દેશના લગભગ બધા જ મુખ્ય શહેરોથી બસ સુવિધા ઉપલબ્ધ છે.
રેલ સેવાઃ- નાથદ્વારની નજીકના રેલ્વે સ્ટેશન માવલી 28 અને ઉદયપુર 50 કિલોમીટર સુધી દેશના મુખ્ય શહેરોથી રેલ સેવા ઉપલબ્ધ છે.
વાયુ સેવાઃ- નાથદ્વારની નજીકના ઉદેપુરથી દેશના મુખ્ય શહેરો સુધી આવવા-જવાં માટે વાયુ સેવા ઉપલબ્ધ છે.
ક્યાં રોકાવું- નાથદ્વારામાં અનેક ધર્મશાળા અને હોટલ મંદિરની આસપાસ જ છે જ્યાં રોકાવા માટે સારી વ્યવસ્થા છે.

દર્શનનો સમયઃ સવારે 5.30થી બપોરે 12.30, બપોરે 3.45થી સાંજે 6.30