મુંબઈ ગોવાની ક્રુઝ સર્વિસને પગલે હવે વધુ ક્રુઝ ઓપરેટ કરનારી કંપનીઓ ભારતીય બજારને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને આકર્ષવા વિવિધ પેકેજો સાથે અહી પ્રવેશ કરી રહી છે. એફોર્ડેબલ ક્રૂઝ હોલિડેના વધી રહેલા ક્રેઝને પગલે રોયલ કેરેબિયન, સેલિબ્રિટી ક્રૂઝ, એમએસસી અને કોસ્ટા ક્રૂઝ જેવી વૈશ્વિક ક્રૂઝ કંપનીઓ ભારતીયોને આકર્ષવાની યોજના ધરાવે છે. ખાસ કરીને સ્થાનિક પર્યટકોને ધ્યાનમાં રાખીને આ કંપનીઓ મુંબઈ, ગોવા અને કોચીના પોર્ટ્સ પર સર્વિસ શરૂ કરવા સક્રિય બની છે.
માયામી સ્થિત સેલિબ્રિટી ક્રૂઝ આગામી ૬ ડિસેમ્બરથી મુંબઈ અને કોચીથી યુંએઈ ની આઠ રાત્રિની સેવા શરુ કરી રહી છે. ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને આ ક્રૂઝ ટ્રિપ ખાસ ડિઝાઇન કરવામાં આવી છે. જેમાં નવા વર્ષની રાત્રે દુબઈ ખાતે આતશબાજી સહિતનાં આકર્ષણોનો સમાવેશ થાય છે.
ભારતીય પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણની સાથે ભાવોમાં પણ કિફાયતી રહે તે માટે ક્રૂઝ સેવા ઓછી કિંમત અને ઓછા સમયની રાખવામાં આવે છે. તેનો ત્રણ રાત્રિનો ખર્ચ રૂ. ૨૭,૦૦૦ જેટલો થાય છે. જેની સરખામણીમાં પનામા કેનાલ, અલાસ્કા અને સાઉથ પેસિફિકની મહિનાઓ ચાલતી ક્રૂઝની સફર અલ્ટ્રા લક્ઝુરિયસ અને ઘણી મોંઘી હોય છે. ગ્રાહકો કેટલાંક પેકેજિસ માટે ઇન્સ્ટોલમેન્ટનો વિકલ્પ પણ પસંદ કરી શકે છે. ક્રૂઝ પેકેજમાં ભોજન અને સ્ટાન્ડર્ડ બેવરેજિસનો સમાવેશ થાય છે. ભોજનમાં સ્પેશિયલ ભારતીય મેનુ રાખવામાં આવ્યું છે. ઉપરાંત, અન્ય પ્રવૃત્તિઓ સહિત ગેસ્ટ દીઠ ૭૫૦ ડોલર ચૂકવવાના રહેશે.
ઇટલીની કોસ્ટા ક્રૂઝ ત્રણ વર્ષથી મુંબઈ-માલદિવ્સની સફર કરાવે છે. સારા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને કંપની વધુ રૂટ્સની શક્યતા ચકાસી રહી છે. ભારતમાં આ કંપનીના જહાજ ડિસેમ્બરમાં આવે છે અને માર્ચ સુધી રોકાય છે. અત્યાર સુધી પ્રતિસાદ સારો રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં મધ્યમ વર્ગના લોકો આ ક્રૂઝમાં સફર કરે છે. ભારતમાં આમઆદમી માટે ક્રૂઝની સફર હવે એફોર્ડેબલ બની છે. કોસ્ટાનું મુંબઈથી માલીનું સાત રાત્રિનું ટૂર પેકેજ રૂ.40,000નું છે. જ્યારે કોચીથી માલીનું ત્રણ રાત્રિના પેકેજનો ખર્ચ રૂ. 6,800થી શરૂ થાય છે. જહાજ મેંગલોર, કોચીન અને માલદિવ્સના રૂટથી પસાર થાય છે. જ્યારે કોલમ્બો અને ગોવા થઈ તે પરત ફરે છે.