હનુમાનજી એટલે કષ્ટભંજન, દરેક વિકટ પરિસ્થિતિમાં હનુમાનજીનું સ્મરણ માત્ર તમને તેમાંથી ઉગારી લે છે. શનિવાર અને હનુમાન જયંતિએ ખાસ કરીને દર્શનનો લ્હાવો લેવા ભક્તજનો હનુમાનજીના વિવિધ મંદિરે જાય છે. આવું જ એક કસ્ટનિવારક મંદિર છે સાળંગપુરનું કષ્ટભંજન હનુમાન મંદિર.
આ મંદિરમાં ખાસ ભક્તજનો કસ્ટ નિવારણ તેમજ ભુત-પ્રેત કે અનિષ્ટ તત્વોથી છુટકારો મેળવવા માટે જાય છે. આ મંદિર ચમત્કારી ગણાય છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું સાળંગપુર હનુમાનનું આ મંદિર માટે એવું કહેવાય છે કે ભૂત-પ્રેતાત્માઓથી પીડિતો માત્ર એકવાર જો સાળંગપુર મંદિરે જાય તો તેમને હનુમાનજીની કૃપાથી આવી પીડામાંથી મુક્તિ મળે છે. કષ્ટભંજન દેવની સ્થાપના વિક્રમ સંવત 1905 આસો વદ પાંચમના દિવસે કરવામાં આવી હતી.
એવું કહેવામાં આવે છે કે સાળંગપુરના રહેવાસી વાઘા ખાચરે પોતાના ગામની દુર્દશાની વાત ગોપાલાનંદ સ્વામીને કરી. દુષ્કાળના કારણે ગામના લાકોની હાલત દયનીય હતી અને અહીં કોઈ સંત આવવા તૈયાર ન હતું. સંતોની અવરજવર રહે તે માટે ગોપાલાનંદ સ્વામીએ અહીં હનુમાનજીના મંદિરનું નિર્માણ કરાવડાવ્યું. હનુમાનજી ગામલોકોનાં કષ્ટ હરી લેશે તેવા આશીર્વાદ પણ આપ્યા. આજે આ સ્થળ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.
એવું કહેવાય છે કે એક વખત હનુમાનજી અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતું. હનુમાનજીથી બચવા માટે શનિદેવે સ્ત્રી રૂપ ધારણ કર્યું હતું. શનિદેવને હનુમાનજીએ સ્ત્રી રૂપમાં પોતાના પગ નીચે દબાવી દીધા હતા, જે મૂર્તિ સાળંગપુરમાં બિરાજમાન છે. અહીં એક ગૌશાળા પણ છે.
મંદિરમાં દર્શનનો સમય સવારે 5.30થી 10.30, સવારે 11.00થી 12.00, બપોરના 3.15થી રાતના 9.00 સુધી છે. આ મંદિર ભાવનગરથી 82 કિલોમીટર, અમદાવાદથી 153 કિમી, રાજકોટથી 135 કિમી, સુરેન્દ્રનગરથી 90 કિમી દૂર છે. સડકમાર્ગે પોતાનું વાહન લઈને જઈ શકાય અથવા જાહેર પરિવહન (એસટી) બસ, ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે. રેલવે દ્ધારા જવું હોય તો નજીકનું રેલવે સ્ટેશન બોટાદ છે જે 11 મંદિરથી કિલોમીટર દૂર છે પરંતુ હાલ અમદાવાદ અને બોટાદ વચ્ચે બ્રોડગેજનું કામ ચાલતું હોવાથી રેલવે વ્યવહાર બંધ છે.