મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આવેલું મહાલક્ષ્મી મંદિર, દેશની પ્રાચીન શક્તિપીઠોમાંની એક

0
549
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેરમાં આવેલું મહાલક્ષ્મી મંદિર, કરવીર શક્તિપીઠ ભારતના સૌથી પ્રાચીન શક્તિપીઠોમાંની એક છે. આ મંદિર માતા મહાલક્ષ્મીને સમર્પિત છે, જેને માઇ અંબાબાઈ પણ કહેવામાં આવે છે અને ધન,ધન્ય સુખ અને સંપત્તિની દાત્રી માનવામાં આવે છે. હિન્દુધર્મના પુરાણોની માન્યતા અનુસાર જ્યાં જ્યાં સતીના અંગોના ટુકડા, ધારણ કરેલા વસ્ત્રો કે આભુષણો પડ્યા ત્યાં શક્તીપીઠો અસ્તિત્વમાં આવી. દેવી પુરાણમાં પણ 51 શક્તિપીઠોનું વર્ણન છે.

આ મંદિર 7 મી સદીમાં ચાલુક્ય વંશના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિરમાં બે મુખ્ય હોલ આવેલા છે- દર્શન મંડપ અને કૂર્મ મંડપ . એક બાજુ જ્યાં દર્શન મંડપમાં શ્રદ્ધાળુ માતાના દિવ્ય દર્શન પ્રાપ્ત કરે છે, ત્યાં બીજી બાજુ કૂર્મ મંડપમાં ભક્તો પર એક પવિત્ર શંખ દ્વારા માતાના આશીર્વાદ સ્વરૂપ જળ છાંટવામાં આવે છે. આ મંડપને શંખ તીર્થ પણ કહેવામાં આવે છે. સૌથી બહારનો હોલ જેને ગરુડ મંડપ પણ કહેવાય છે. આ હોલ મંદિરમાં પાછળથી બનાવવામાં આવ્યો છે. મંદિરના પાંચ ભવ્ય ગુમ્બદ છે , આમાંથી એક મંદિરના મધ્યમાં અને બાકી ચાર મંદિરની ચારે દિશાઓમાં બનાવવામાં આવ્યા છે.

મંદિરના ગર્ભગૃહમાં દેવી મહાલક્ષ્મીજીની ભવ્ય મૂર્તિ એક ઊંચા આસન પર પૂરી સાજ-સજજા સાથે સ્થપિત કરાયેલી છે. કાળા મણી પથ્થરથી બનેલી દેવીની આ મૂર્તિની ઊંચાઈ 3 ફૂટ અને એનું વજન 40 કિલોગ્રામ છે. દેવી માઁ ની સવારી, સિંહની મૂર્તિ પણ માતાની મૂર્તિની નજીક સ્થાપિત કરાયેલી છે. મંદિરની એક દીવાલ પર શ્રીયંત્ર પણ ખોદાયેલું છે. શ્રીયંત્રને પણ માતાનું એક રૂપ માનવામાં આવે છે.

આ એક ઘણું વિશાળ મંદિર છે જેના પ્રાંગણમાં અન્ય દેવી-દેવતાઓને સમર્પિત ઘણા નાના મંદિરો બનાવ્યા છે. ઉપરના મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ અને માતુલિંગ ( શિવલિંગ) ની સાથે જ,નંદી બળદ ( ભગવાન શિવની સવારી) ની મૂર્તિ પણ સ્થિત છે. ભાગ્યવાન ભક્તોને માતા મહાલક્ષ્મીજીની સાથે સાથે માતાના બે અન્ય સ્વરૂપો મહાકાળી અને મહાસરસ્વતીના દર્શનનો પણ લાભ પ્રાપ્ત થાય છે.

નવરાત્રી મહોત્સવ :

મંદિરમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવે છે. આ તહેવાર દેવી દુર્ગાના બધા નવ અવતારોને સમર્પિત છે. આ નવ દિવસોમાં મંદિરના દરરોજના કાર્યક્રમમાં કેટલાક બદલાવ થઇ શકે છે. સવારે 8 : 30 કલાકથી 11 વાગ્યા સુધી માતાનો અભિષેક કરવામાં આવે છે. આ પૂજામાં દેવીને સ્વર્ણ આભુષણો અને સુંદર વસ્ત્રોથી સજાવવામાં આવે છે. ત્યારબાદ એમને મહનૈવેદ્ય ચડાવવામાં આવે છે અને આરતી કરવામાં આવે છે. આ સમય દરમિયાન, મંદિરમાં ટ્રસ્ટ દ્વારા કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર બહુ ધૂમધામથી મનાવવામાં આવે છે. મંદિરમાં લલિત પંચમી , અષ્ટમી અને નવમીના દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

કિરણોત્સવ :

કિરણોત્સવ અથવા સૂર્યના કિરણોનો ઉત્સવ , મહાલક્ષ્મી મંદિરમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવે છે. આ ઉત્સવમાં મહાલક્ષ્મી મંદિરમાં ઘણી માન્યતા છે. જયારે પ્રાતઃ કાળ સૂર્યના કિરણો દેવી મહાલક્ષ્મી પર પડે છે, ત્યારે એ માત્ર એની સુંદરતા બતાવે છે સાથે આ એક શુભ કાળની શરૂઆત થવાનો સંકેત માનવામાં આવે છે. 31 જાન્યુઆરી અને 9 નવેમ્બરે સૂર્યના કિરણો માતાના ચરણોમાં પડે છે. 1 ફેબ્રુઆરી અને 10 નવેમ્બરે સૂર્યના કિરણો મૂર્તિના માધ્ય ભાગમાં પડે છે. 2 ફેબ્રુઆરી અને 11 નવેમ્બરે સૂર્યના કિરણો પૂરી મૂર્તિને રોશનીથી ભરી દે છે. માતા મહાલક્ષ્મીના ભક્તો આ અદભુત ઉત્સવને ખૂબ જ ઉલ્લાસની સાથે મનાવે છે.

રથોત્સવ :

એપ્રિલ મહિનામાં મંદિરમાં રથોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવના સમયે રથ ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવે છે. આ રથને મંદિરમાં આસપાસ ફેરવવામાં આવે છે અને ભક્તજનોને દર્શનનો લાભ મળે છે. આ રથ સાંજના સમયે 7 : 30 થી 9 : 30 સુધી મંદિરના ચારે બાજુ ઘુમાવવામાં આવે છે. માતા મહાલક્ષ્મીના આ સજાયેલા રથને એમની દિવ્ય મૂર્તિ જોઈ ભક્તોમાં ધાર્મિક ભાવનાઓનો સંચાર થાય છે અને એમનામાં હર્ષની લહેર દોડવા લાગે છે.