ટાટા ગ્રુપની ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) અમદાવાદમાં સંકલ્પ ઇનની સાથે મળીને ગુજરાતની સૌથી મોટી ફાઇવ સ્ટાર હોટલ બનાવી છે. સિંધુભાવન રોડ પર 1.4 એકરમાં બનેલી આ હોટલમાં 315 જેટલા રૂમ્સ છે. IHCL દ્વારા આ હોટેલને તાજ સ્કાયલાઈન નામ આપવામાં આવ્યું છે. થયેલા કરાર મુજબ હોટેલની પ્રોપર્ટી સંકલ્પ ઈને બનાવી છે અને હોટલનું મેનેજમેંટ ઇન્ડિયન હોટેલ્સ કરશે. આ સાથે જ ઇન્ડિયન હોટેલ્સની ગુજરાતમાં 13 હોટેલ્સ થઇ છે અને એક હોટેલ નિર્માણાધીન છે.
ધ ઇન્ડિયન હોટેલ્સના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પુનીત ચટવાલે જણાવ્યું કે, તાજ સ્કાયલાઇન સાથે, IHCLએ અમદાવાદમાં પ્રવેશ કર્યો છે, જે ભારતનું એક અગત્યનું ઔદ્યોગિક અને આર્થિક કેન્દ્ર છે. આનાથી દેશભરના તમામ નોંધપાત્ર વ્યવસાયિક સ્થળોએ હાજર રહેવાના અમારા લક્ષ્ય વધુ મજબૂત બને છે. આ દ્રષ્ટીએ અમદાવાદ અમારા માટે મહત્વનું માર્કેટ છે.
હોટેલ નિર્માણમાં સંકલ્પનું રૂ. 300 કરોડનું રોકાણ
અગાઉ પ્રોજેકટ અંગે સંકલ્પ ઇનનાં ડાયરેક્ટર કૈલાશ ગોએન્કાએ કહ્યું હતું કે, અમદાવાદ ગુજરાતનું ઇકોનોમિક પાવરહાઉસ છે અને દેશમાં મોટાં ઔદ્યોગિક શહેરોમાંનું એક છે. અમને ઇંડિયન હોટેલ્સ સાથે જોડાણ કરવાનો ગર્વ છે. આ હોટેલ પ્રોજેકટ પાછળ અંદાજે રૂ. 300 કરોડનું રોકાણ કરવાની અમારી યોજના છે.
દુબઈ અને મુંબઈ બાદ અમદાવાદમાં પણ શામિયાના
કંપનીના જણાવ્યા મુજબ તેની ઓલ ડે ડાઇન સિગ્નેચર રેસ્ટોરન્ટ શામિયાના પણ સ્કાયલાઈનમાં શરુ કરવામાં આવી છે. શામિયાનામાં એશિયાભરનું ફૂડ બને છે. આ સિવાય આ હોટેલના ઇન્ટીરીયરમાં અમદાવાદ શહેરના હેરિટેજને પણ દર્શાવવામાં આવી છે.