કાશી (વારાણસી) ભારતનું એક પ્રાચીન નગર છે. અહીંનું વિશ્વનાથ મંદિર પણ બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. શિવને અહીં મોક્ષ પ્રદાતા તરીકે પણ પૂજવામાં આવે છે. પાર્વતી સાથે લગ્ન કર્યા બાદ ભગવાન શિવે કાશીને તેમનુ નિવાસ સ્થાન બનાવ્યું હતું. પાર્વતી અહીં અન્ન આપનાર દેવી અન્નપૂર્ણા તરીકે ઓળખાય છે. જ્યાં સુધી તેમના ભક્તો જમી લેતા નથી ત્યાં સુધી પાર્વતીજી કંઈ જ ગ્રહણ કરતા નથી.
આ મંદિર છેલ્લાં એક હજાર વર્ષોથી અહીંયાં આવેલું છે. કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્ત્વ છે. એક વખત વિશ્વનાથનાં દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં ન્હાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીં દર્શન કરવા માટે આવવા ઈચ્છે છે. આ મંદિરનાં દર્શન માટે શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ વગેરેનું આગમન થયેલું છે. કાશી વિશ્વનાથનાં દર્શન પાપ-તાપથી છુટકારો આપે છે. ભક્તિ અને મુક્તિ માટે પણ આ સ્થળનો વિશેષ મહિમા છે.