કહેવાય છે કે આશા અમર છે, કારણ કે આશાઓ પૂરી કરનારી મા અહીં હજરાહજુર બેઠી છે. એકતરફ હતાશાના પ્રચંડ વાવાઝોડું અને બીજી તરફ આશાના દીવડાંની જ્યોત… સનાતન કાળથી એ પાવક જ્યોત જીતી છે, કારણ કે તેને મા આશાપુરાના રખવાળા છે. મા આશાપુરા કચ્છની દેશદેવી છે, તો જાડેજા સાખના ક્ષત્રિયોના કુળદેવી છે. લાખો શ્રદ્ધાળુઓ માટે માથું ટેકવવાનું એ સ્થાનક છે.
કચ્છને અનેક દૃષ્ટિએ ભાતીગળ બનાવનારા કારણોમાં મુખ્ય છે માતાનો મઢ, કારણ કે અહીં મા આશાપુરાના બેસણાં છે. માતાજી સાથે ઘણી કથાઓ સંકળાયેલી છે. તેમાં સૌથી પ્રચલિત મારવાડના વાણિયાની છે. 1500 વર્ષ પહેલાં મારવાડથી એક કારડ વાણિયો વેપારી પ્રવાસ અર્થે અહીં આવ્યો હતો.