માયાનગરી મુંબઈની મુલાકાત બોલિવુડનો ‘સ્વાદ’ ચાખ્યા વિના અધૂરી ગણાય. જ્યારે પણ તમે ફિલ્મ કે સીરિયલ જોવો ત્યારે થતું હશે ને કે આ લોકેશન કેવું હશે, પડદા પાછળ તમારા ફેવરિટ સ્ટાર્સ કેવા હશે, સેટ પરનું વાતાવરણ કેવું હશે, કેવી રીતે કામ થતું હશે. ઘણા ફેન્સને તો એવી પણ ઈચ્છા હોય છે કે જીવનમાં એકવાર પોતાના ફેવરિટ સ્ટાર સાથે મુલાકાત થાય. એ સંભારણું જિંદગીભર વાગોળવા માટે પૂરતું છે. તો આ સપનું સાચું પડી શકે છે! હવે મુંબઈની ટ્રીપ પ્લાન કરો તો ફેમસ ફિલ્મસિટીની મુલાકાત લઈ આવજો. અહીં તમને ઘણી ફિલ્મોના સેટ અને શૂટિંગ જોવા મળશે અને બની શકે કે તમારો ફેવરિટ એક્ટર કે એક્ટ્રેસ તમારી મુલાકાત દરમિયાન ત્યાં જ શૂટિંગ કરતા હોય.
મુંબઈમાં આવેલી ફિલ્મસિટીમાં તમને સ્ટુડિયો, વિવિધ રેકોર્ડિંગ રૂમ, થિયેટર, ગાર્ડન છે. 1977માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મદદ પૂરી પાડવા માટે ફિલ્મસિટીનું નિર્માણ થયું હતું. ફિલ્મના જરૂરી લોકેશન અને ડાન્સ સિક્વન્સ માટે ફિલ્મસિટી આશીર્વાદ સમાન છે. અગાઉ ફિલ્મસિટી મુલાકાતીઓ માટે ખુલ્લી નહોતી. 2014થી બહારના લોકોને ફિલ્મસિટી જોવાની પરવાનગી આપવામાં આવી. ગોરેગાંવમાં આવેલી ફિલ્મસિટીમાં ફરવા માટે વિવિધ ટૂરનું આયોજન થાય છે.
ફિલ્મસિટીના અનુભવી ટૂર ગાઈડ હિંદી અને ઈંગ્લિશમાં તમને આ જગ્યાની લટાર મરાવશે. ફિલ્મસિટીની ટૂર દરમિયાન તમને લાઈવ શૂટિંગ જોવા મળશે ઉપરાંત રિઝર્વ ગાર્ડન, કોર્ટ, ચર્ચ, ખંડાલા બ્રિજ, હેલિપેડ, મંદિર વગેરે જેવા લોકેશન પર લઈ જવાશે. સાથે જ મુલાકાતીઓ સાથે બોલિવુડના ઈતિહાસની પણ ચર્ચા કરવામાં આવશે. ફિલ્મસિટીની ટૂર 2 કલાકની રહેશે. જો કે લાઈવ શૂટિંગ તમારે બસમાં જ બેસીને જોવાનું રહેશે. (જો લાઈવ શૂટિંગ ચાલુ હશે તો જ બતાવાશે) ફિલ્મસિટીમાં તમને અંદર જ પાણીની બોટલ અને હળવો નાસ્તો આપશે. એટલે તમારે કંઈ ઊંચકીને જવાની જરૂર નથી.
ટૂર દરમિયાન ધૂમ્રપાન કે તમાકુ-ગુટખા ખાવાની મનાઈ છે. મોબાઈલ ફોન સાઈલેન્ટ મોડ પર રાખવા પડશે. સુરક્ષા કારણોસર તમારે હંમેશા તમારા ગ્રુપ સાથે રહેવું પડશે. શૂટિંગ ચાલુ હોય ત્યાં શિસ્ત જાળવવી પડશે. કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક નહીં ચલાવી લેવાય. ફિલ્મસિટીની અંદર કોઈપણ પ્રોપર્ટીને નુકસાન થશે તો દંડ ભરવો પડશે. ટૂરના ચોક્કસ ટાઈમે પહોંચવું પડશે, મોડા પડશો તો કોઈ રાહ નહીં જુએ. ફિલ્મસિટીની અંદર ગમે ત્યાં કચરો ફેંકવાની મનાઈ છે. વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી અમુક જ લોકેશન્સ પર કરવાની મંજૂરી છે. એક વાર ટિકિટ બુક કરાવ્યા બાદ કેન્સલ કરાવશો તો રૂપિયા પાછા નહીં મળે. ટૂર દરમિયાન આઈડી પ્રૂફ સાથે રાખજો.
ફિલ્મસિટીની ઓફિશિયલ વેબસાઈટ પરથી તમે ટિકિટ બુક કરાવી શકો છો. ટિકિટના ભાવ ભારતીયો અને વિદેશીઓ માટે અલગ અલગ છે. ભારતીયો માટે એક ટિકિટનો ભાવ 650 રૂપિયા છે જ્યારે વિદેશીઓએ પ્રતિ ટિકિટ 3415 રૂપિયા ચૂકવવાના રહેશે. 5 વર્ષથી નાની ઉંમરના બાળકોની એન્ટ્રી ફ્રી છે. જો કે આ ટૂર દરમિયાન તમને કેન્ટીનમાં નાસ્તો કરવા સિવાય બસમાંથી ઉતરવા નહીં મળે.