હવે લોકોનો ગોવા જવાનો અનુભવ વધુ પણ શ્રેષ્ઠ બની જશે કેમ કે મુંબઈથી ગોવા વચ્ચે આજથી ક્રૂઝ સવિર્સની શરૂઆત થઈ ચૂકી છે. માત્ર 7 હજાર રૂપિયા પ્રતિ વ્યક્તિ આ ક્રૂઝ મારફતે મુંબઈથી ગોવા જઈ શકશે. મુંબઈના નવા ડોમેસ્ટિક ક્રૂઝ ટમિર્નલથી શરૂ થયેલી આ ક્રૂઝનું નામ ‘અંગ્રીયા’છે જે મરાઠા નેવીના પહેલા એડમિરલ કનહોજી આંગ્રેના નામે રાખવામાં આવ્યું છે. ગત મહિને આ ક્રૂઝની ટ્રાયલ રન કરવામાં આવી હતી ત્યારબાદ શિપિંગ મિનિસ્ટર નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે 1 ઓગસ્ટથી આ ક્રૂઝને સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે.
ક્રૂઝમાં હશે 6 કેટેગરી
ક્રૂઝ ચલાવનારી કંપની સી-ઈગલના જણાવ્યા મુજબ ક્રૂઝમાં યાત્રીઓ માટે ટિકિટની 6 કેટેગરી રાખવામાં આવી છે. ટિકિટભાડામાં ભોજન, રિફ્રેશમેન્ટ અને બ્રેકફાસ્ટ સામેલ કરાયા છે. ક્રૂઝમાં એક વખતમાં 500 યાત્રિકો સફર કરી શકશે. મુંબઈથી ગોવા જનારી આ ક્રૂઝને રત્નાગીરી, મલવાન, વિજયદૂર્ગ અને રાયગઢ જેવી જગ્યાએ પર હોલ્ટ પણ આપવામાં આવ્યો છે.
ટાઇમિંગ
મુંબઈ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન સંજીવ ભાટીયાના જણાવ્યા મુજબ ક્રૂઝને ત્યારે ઓપરેટ કરવામાં આવશે જ્યારે હવામાન ચોખ્ખું હશે. દરરોજ સાંજે 5 વાગ્યે ક્રૂઝ મુંબઈથી ચાલશે અને આગલા દિવસે સવારે 9 વાગ્યે ગોવા પહોંચશે.
ક્રૂઝમાં મળશે લક્ઝ્યૂરીયસ સુવિધાઓ
ક્રૂઝમાં 8 રેસ્ટોરન્ટ અને બાર ઉપરાંત 24 કલાક ખુલ્લી રહેનારી કોફી શોપ પણ છે. આ ઉપરાંત પસંદગીનું ભોજન પીરસવાની વ્યવસ્થા પણ કરાઈ છે. ક્રૂઝમાં એક સ્વિમિંગ પુલ, આધુનિક લાઉન્જ અને મનોરંજનનો રૂમ પણ અપાયો છે.
પહેલેથી છે ઘણી ક્રૂઝ સર્વિસ
મુંબઈ-ગોવા ક્રુઝ સવિર્સ ભારતની પહેલી ક્રુઝ સવિર્સ છે પરંતુ અનેક આંતરરાષ્ટ્રીય ક્રુઝ કંપનીઓ મુંબઈથી અલગ અલગ જગ્યાએ ક્રૂઝ યાત્રાનું આયોજન કરે છે. વાઈકિંગ ઓશન ક્રુઝ સવિર્સ મુંબઈથી ગોવા, શ્રીલંકા અને સિંગાપુર થતાં બેંગકોક લઈ જાય છે. આ ઉપરાંત કોસ્ટા લાઈન ક્રૂઝ સવિર્સ મુંબઈથી માલદિવ સુધી લઈ જાય છે. જ્યારે અન્ય કંપનીઓ પણ મુંબઈ તથા ગોવા ઉપરાંત કોચીનની ક્રૂઝ સવિર્સ પૂરી પાડે છે. આ ક્રૂઝ સવિર્સીઝની ટિકિટ ઓનલાઈન બુક કરાવી શકાશે.