ભારતના પૂર્વામાં સ્થિત પ.બંગાળ પોતાના નૈસર્ગિક સૌંદર્ય માટે જાણિતું છે. અહીં જ પહાડોની રાણી કહેવાતું દાર્જિલિંગ પણ આવેલ છે અને વિશાળ ગંગાસાગર પણ આવેલ છે, જે હિંદુઓનું પવિત્ર ધર્મસ્થળ છે. પરંતુ પ. બંગાળમાં બીજુ પણ એક ખૂબ ઓછું જાણિતું સુંદર સ્થળ આવેલું છે. જેનું નામ છે ઝિલિમિલી, બાંકુરા જિલ્લાના મુકુટમણિપુરથી 15 કિમી દૂર આવેલ આ ઝિલિમિલી એક ખૂબ જ સુંદર શહેર અને ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. રાણીબાંધથી ઝિલિમિલી તરફ જતા રસ્તે બંને તરફ એકમદ ઘટાદાર જંગલો છે. એ માટે ઝિલિમિલીને દક્ષિણ બંગાળનું દાર્જિલિંગ પણ કહેવાય છે.
ચોતરફ વનરાજી
ઝિલિમિલી પર્વત ઉપર વસેલું ગામ છે અને તેની ચારો તરફ ઘટાદાર વનરાજી છે. તેવામાં જ્યારે સવારના સુરજના કિરણઓ આ વૃક્ષોની આરપાર થઈને આવે ત્યારે તેના દર્શ્યો ખૂબ જ મનમોહક હોય છે. ઝિલિમિલી પ.બંગાળના ટુરિસ્ટ પ્લેસમાંથી એક છે. અહીં પહોંચીને થોડો સમય પ્રકૃતી સાથે વિતાવવાનો એક અલગ જ આનંદ છે. અહીં ફરવા સિવાય બીજી પણ કેટલીક એક્ટિવિટી કરી શખો છો.
સુંદર અને મનોરમ્ય દ્રશ્યો
આ હિલસ્ટેશનની બાજુમાંથી કંગ્સાબાતી નદી વહે છે. તેના કિનારે ઘણા લોકો પિકનિક મનાવવા આવે છે. આ નદી કિનારે એક વોચ ટાવર પણ છે જ્યાંથી તમે હિલ સ્ટેશનના સુંદર અને મનોરમ્ય દ્રશ્યો જોઈ શકો છો. જો તમે પણ પ્રકૃતિને ખૂબ નજીકથી અનુભવવા માગતા હોવ અને કોઈપણ જાત આધુનિક દુનિયાના અવરોધ વગર પક્ષીઓને સાંભળવા માગતા હોવ તો ઝિલિમિલીથી વધારે સારો ઓપ્શન તમને નહીં મળે. અહીં જંગલોમાં આદિવાસી ગામડામાં લોકોની સંસ્કૃતિને પણ માણી શકો છો.
ટુસુ પર્વ
ઝિલિમિલીમાં વર્ષમાં એકવાર સ્થાનિક લોકો દ્વારા ટુસુ તહેવાર ઉજવાય છે. જે અહીંના મુખ્ય ટુરિસ્ટ આકર્ષણમાંથી એક છે. આ તહેવાર દર વર્ષે જાન્યુઆરીના મધ્યમાં મનાવવામાં આવે છે. આ તહેવારમાં ટુસુ દેવીની પુજા કરવામાં આવે છે. જેને કંગ્સાબાતી નદીના કિનારે મેળાવડાની જેમ ઉજવાય છે.
અહીં જવાનો બેસ્ટ સમય
આમ તો ઝિલિમિલી એટલી સુંદર જગ્યા છે. જ્યાં તમે વર્ષના કોઇપણ સમયે જઈ શકો છો. પરંતુ જો અહીં શિળાયાની મજા લેવી હોય તો નવેમ્બર- ફેબ્રુઆરી સુધીનો સમય બેસ્ટ છે. તેમાંપણ જાન્યુઆરીની મધ્યનો સમય તો એકદમ જ પરફેક્ટ છે. આ સમયે તમે તહેવારોમાં સ્થાનિક લોક સંગીત અને લોક નૃત્યનો અનુભવ કરી શકો છો.
કઈ રીતે જશો
ટ્રેન અથવા બસથી ઝિલિમિલી પહોંચી શકશો. હાવડા જંક્શન અને શાલીમારથી બાંકુડા માટે ડાયરેક્ટ ટ્રેન મળે છે. તેમાં ફક્ત 3-4 કલાકનો સમય લાગશે. બાંકુડાથી ઝિલિમિલી માટે બસ મળી રહેશે.