ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આ પવિત્ર મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે અહીં વિ.સં. 1872માં ગિરનારથી એક સાધુ પધાર્યા હતા, જે સંતરામ મહારાજ હતા. એ સમયે બધા તેમને ગિરનારી બાબા સુખસાગરજી કહેતા હતા અને તેમણે નડિયાદથી દૂર એક ખેતરમાં પોતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું. જેને હાલ દેરી તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં અનેકને તેમના પરચા મળ્યા.
તેમના પ્રત્યેની શ્રદ્ધા લોકોમાં વધતી ગઇ. તેમનામાં રહેલી અસાધારણ શક્તિઓની વાતો આસપાસના ગામમાં પણ ફેલાવા લાગી અને તેમના પ્રત્યે લોકોમાં આદરભાવ પણ વધવા લાગ્યો. બાદમાં લોકોએ તેમને ઘણો આગ્રહ કર્યો અને નગરમાં પ્રવેશ કરવા કહ્યું. નગરમાં જ્યાં તેમણે નિવાસ કર્યો ત્યાં બાદમાં સંતરામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું, જેના દર્શનાર્થે બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.