દ્વાદશ જ્યોતિર્લિંગમાં જે શિરમોર સોમનાથ મહાદેવના મંદિરની સ્થાપના ચંદ્રએ કરી હતી. પૂરાણકથા મુજબ, દક્ષ રાજાની 27 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા, જેમાં રોહિણી તેની માનીતી રાણી હતી. રોહિણી પ્રત્યેના ચંદ્રના પક્ષપાતથી બાકીની પુત્રીઓએ દક્ષ પ્રજાપતિને ફરિયાદ કરી. આથી દક્ષે ચંદ્રને ક્ષય થવાનો શ્રાપ આપ્યો.
એ શ્રાપમાંથી મુક્ત થવા અગત્સ્ય ઋષિએ ચંદ્રને ધરતીના એવા છેડા પર શિવ આરાધના કરવા સૂચવ્યું જ્યાંથી સીધી લીટીમાં કોઈ અડચણ વગર દક્ષિણ ધ્રુવ આવતો હોય. સમગ્ર પૃથ્વી પર આવું એકમાત્ર સ્થળ છે. એ સ્થળ એટલે હાલનું સોમનાથ મહાદેવ. ચંદ્રએ અહીં સોમેશ્વર મહાદેવની આરાધના કરી અને મંદિરની સ્થાપના કરી. હજારો વર્ષથી એ હિન્દુ ધર્મની પરમ આસ્થાનું કેન્દ્ર ગણાય છે.