પૃથ્વી પર સાપોની કલર અને સાઇઝ અનુસાર લગભગ 3000 જેટલી જાતો છે. આ અલગ અલગ પ્રજાતિના સાપને નજીકથી જોવા એ એક લ્હાવો છે. હકીકતમાં, ભારતમાં એવા અનેક સ્નૅક પાર્ક્સ છે, જ્યાં તમને સાપોને નજીકથી જોઇ શકો છો. જોકે હાલ કોરોના વાયરસના કારણે આ પાર્ક્સ સામાન્ય જનતા માટે બંધ છે પરંતુ જ્યારે કેટલાક સમય પછી તે ફરીથી ખુલશે તો તમે ત્યાં જઇ શકશો. આજે અમે આપને આ સ્નેક પાર્ક્સ અંગે જણાવી રહ્યા છીએ, જેથી તમે તમારી આવનારી ટ્રિપનું પ્લાનિંગ સરળતાથી કરી શકો.
ચેન્નઇ સ્નેક પાર્ક
ચેન્નઇ સ્નેક પાર્ક ભારતનો પહેલો સ્નેક પાર્ક છે અને એટલા માટે તેનું એક અલગ મહત્વ છે. તે ચેન્નઇના ગુઇંડીમાં રાજભવન પોસ્ટમાં સ્થિત છે. ચેન્નઇમાં આવેલો આ પાર્ક ગુઇંડી સ્નેક પાર્ક કે મદ્રાસ સ્નેક પાર્ક તરીકે પ્રસિદ્ધ છે. આ પાર્કની સ્થાપના 1972માં રોમુલસ વ્હિટેકર દ્ધારા કરવામાં આવી હતી. આ સ્નેક પાર્ક સાપોની 29 પ્રજાતિઓ જેવી કે આરી-સ્કેલ્ડ વાઇપર, જાળીદાર અજગર, ઇન્ડિયન રૉક પાયથન, રસેલ વાઇપર, ક્રેટ, રેડ સેન્ડ બોઆ, ડૉગ ફેસેડ વૉટર સ્નેક, સેન્ડ બોઆ અને કેટ સ્નેક વગેરે મોજુદ છે. ચેન્નઇ સ્નેક પાર્કમાં તમે સાપોની જુદી જુદી પ્રજાતિઓની સાથે સાથે કાચબા, મગર અને ભારતીય ગરોળીઓની જુદી જુદી પ્રજાતિઓને પણ સરળતાથી જોઇ શકો છો.
કટરાજ સ્નેક પાર્ક
મહારાષ્ટ્રમાં સ્થિત આ સ્નેક પાર્ક ખરેખર ઘણો અમેઝિંગ છે. આ સ્નેક પાર્ક રાજીવ ગાંધી પ્રાણી ઉદ્યાનનો એક હિસ્સો છે. આ પુણેના સતારા રોડ પર કટરાજ ડેરીની સામેની દિશામાં આવેલો છે. કટરાજ સ્નેક પાર્ક સૌથી રસપ્રદ સ્થાનોમાંનો એક છે કારણ કે તેનો હેતુ સાપો અંગે અંધવિશ્વાસને સમાપ્ત કરવાનો છે. તમે આ પાર્કમાં આયોજીત સ્ટેજ પર્ફોર્મન્સને જોઇ શકો છો અને તેનાથી આપને સાપો અંગે ઘણું બધુ જાણવા મળે છે. પુણેના આ પાર્કમાં કોબરા અને અજગર જેવા સાપોની 22 પ્રજાતિઓ જોઇ શકાય છે. સ્નેક ફેસ્ટિવલ દરમિયાન કટરાજ સ્નેક પાર્ક જવું એ ખરેખર એક સારો આઇડિયા છે.
કોલકાતા સ્નેક પાર્ક
આ સ્નેક પાર્ક પૂર્વોત્તર ભારતનો પહેલો સ્નેક પાર્ક છે. જેની સ્થાપના 2 ઑક્ટોબર 1977ના રોજ એક જાણીતા પશુ ચિકિત્સક શ્રી દિપક મિત્રા દ્ધારા કરવામાં આવી હતી. આ 2 એકર ભૂમિમાં ફેલાયેલો છે અને આને સર્પ સંરક્ષણ માટે એક આદર્શ સ્થાન માનવામાં આવે છે. પાર્કમાં સ્થાનિક લોકોની સાથે સાથે ટૂરિસ્ટ પણ સાપની કેટલીક દુર્લભ પ્રજાતિને જોવા માટે આવે છે. પાર્કમાં માત્ર સાપ જ નહીં પરંતુ પક્ષીઓ, મગર અને ગરોળીની વિભિન્ન પ્રજાતિઓ છે. અહીંના મુખ્ય આકર્ષણોમાં યેલો મૉનિટર લિઝાર્ડ્સ અને સ્મૂથ ગ્રીન સ્નેક સામેલ છે.
બન્નેરઘટ્ટા સ્નેક પાર્ક
બેંગ્લોરથી લગભગ 20 કિમી દૂર સ્થિત, બન્નેરઘટ્ટા સ્નેક પાર્ક બેંગ્લોરમાં બન્નેરઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાનનો એક હિસ્સો છે. અહીંનો સ્નેક પાર્ક પક્ષીઘરના મુખ્ય આકર્ષણોમાંનો એક છે. આ વિભિન્ન પ્રકારના સરિસૃપોનું ઘર છે અને એટલા માટે તે દુનિયાભરના ટૂરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે.