આવતા મહિનેથી કાર્યરત થનારા ગિરનાર રોપવેના કારણે યાત્રાળુઓ માટે પર્વત પરનાં મંદિરોની મુલાકાત લેવાનુ તો સરળ બનશે જ પણ સાથે સાથે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ પર્યટનની પ્રવૃત્તિને વેગ મળશે.
2.3 કિ.મી. લંબાઈ ધરાવતો આ રોપવે, દેશમાં પેસેન્જર રોપવે ક્ષેત્રે પાયોનિયર ગણાતી કંપની ઉષા બ્રેકો કંપનીએ વિકસાવ્યો છે. આ કંપની ગુજરાતમાં પાવાગઢ, અને અંબાજી ઉપરાંત હરિદ્વાર, કેરળ અને ઓડીશામાં પણ સમાન પ્રકારના રોપવેનું સંચાલન કરે છે. ગિરનાર રોપવે એક કલાકમાં 800 અથવા તો દિવસમાં 8,000 લોકોની હેરફેર કરી શકે છે. હાલમાં યાત્રાળુઓને ગિરનાર પર્વત ચઢવામાં અને તેની ઉપર આવેલાં મંદિરોની મુલાકાતમાં કલાકોનો સમય વિતી જાય છે. આમ છતાં જ્યારે રોપવે ચાલુ થશે ત્યારે પર્વતના શિખરે પહોંચવાના સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે.
ઉષા બ્રેકોના પશ્ચિમ ક્ષેત્રના પ્રાદેશિક હેડ, શ્રી દીપક કપલીશ જણાવે છે કે “ગુજરાતનાં અતિ પવિત્ર ગણાતાં યાત્રા ધામ ગિરનાર, સોમનાથ અને દ્વારકા દર વર્ષે લાખો યાત્રાળુને આકર્ષે છે. આમ છતાં હાલમાં ગિરનારમાં આકરા ચઢાણને કારણે પ્રવાસીઓને 5 થી 6 કલાક લાગે છે. આ કારણે મોટા ભાગનો લોકો થાકી જાય છે અને પોતાનો પ્રવાસ મર્યાદિત કરી દે છે. આ રોપવેને કારણે ગિરનારની ટોચે પહેંચવામાં દસ મિનીટ કરતાં પણ ઓછો સમય લાગશે. આથી મુલાકાત થોડા કલાકોમાં જ પુરી કરી શકાશે. શારિરિક થાય લાગશે નહી અને સમયની બચત થવાથી પ્રવાસીઓ અન્ય સ્થળોની પણ મુલાકાત લઈ શકશે.”
આ રોપવેને કારણે સાસણ ગિરનાર, દ્વારકા અને સોમનાથ જેવાં સ્થળોના પવિત્ર ત્રિકોણમાં પ્રવાસીઓના પ્રવાહને વેગ મળશે. રોપવેના કારણે સાસણ ગીર, જૂનાગઢ, વીરપુર, માધવપુર બીચ, પોરબંદર, જામાનગર અને આ વિસ્તારનાં અન્ય સ્થળોએ પણ પ્રવાસીઓના પ્રવાહમાં વધારો થશે. ”
શ્રી કપલીશ વધુમાં જણાવ્યુ હતું કે “હાલમાં સૌરાષ્ટ્ર મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે પણ આ પ્રવાસીઓ છૂટાંછવાયા આવતા હોય છે. આ એક રોપવે પ્રોજેકટ ગુજરાતમાં ટુરિઝમનો ચહેરો બદલી નાખશે કારણ કે હવે ટ્રાવેલ કંપનીઓ સમગ્ર વિસ્તારનુ સીંગલ ટુરિઝમ પેકેજ ઓફર કરશે.”
ગિરનાર રોપવેમાં નવ ટાવર્સ અને 8 પેસેન્જરને સમાવી શકે તેવી 25 કેબિનનો સમાવેશ કરાયો છે કે જે આ રોપવેનો હિસ્સો બની રહેશે. કેટલીક કેબિનમાં ગ્લાસ ફ્લોરની સગવડ કરાઈ છે. આ દરેક કેબીન દર સેકંડમાં મહત્તમ 6 મીટરનું અંતર કાપશે.