સૌ કોઈ જાણે જ છે કે હનુમાનજી બાલબ્રહ્મચારી છે અને ભગવાન શ્રીરામના પરમ ભક્ત છે. ભારતમાં હનુમાનજીના સંખ્યાબંધ મંદિરો આવેલા છે. હનુમાનજીને ચિરંજીવી માનવામાં આવે છે. પણ શું તમને ખબર છે કે હનુમાનજીનું એક મંદિર એવું પણ છે જ્યાં તેઓ સ્ત્રી સ્વરૂપે બિરાજ્યા અને સ્ત્રી સ્વરૂપે જ પૂજન થાય છે. જી, હા તમે એકદમ સાચું વાંચ્યું. છત્તીસગઢમાં એક મંદિર આવેલું છે જેમાં હનુમાનજી સ્ત્રી રૂપે પૂજાય છે. કદાચ વિશ્વમાં હનુમાનજીના આ સ્વરૂપનું એકમાત્ર મંદિર છે.
છત્તીસગઢના રતનપુર જિલ્લાના ગિરજાબંધમાં હનુમાનજીનું આ મંદિર આવેલું છે. લોકો આ મંદિરમાં અપાર શ્રદ્ધા ધરાવે છે. માન્યતા છે કે લોકોની દરેક મનોકામના આ મંદિરમાં પૂર્ણ થાય છે. અહીં હનુમાનજીની મૂર્તિના ડાભા ખભા પર શ્રીરામ અને જમણા ખભા પર સીતા માતા છે. ગિરજાબંધમાં આવેલા વર્ષો જૂના આ મંદિરનું નિર્માણ રતનપુરના રાજા પૃથ્વી દેવજુએ કરાવ્યું હતું. હનુમાનજીમાં અપાર શ્રદ્ધા ધરાવતા રાજા એક પણ દિવસ ચૂક્યા વિના બજરંગબલીને ભજતા હતા.
એક વખત રાજાને રક્તપિત્ત થયો ત્યારે તેઓ નિરુત્સાહ થઈ ગયા. એ વખતે હનુમાનજી રાજાના સપનામાં આવ્યા અને નજીકમાં જ એક મંદિર બાંધવાનું કહ્યું. ભગવાનના આદેશ પ્રમાણે, રાજાએ મંદિર બનાવવાનું કામ શરૂ કરાવ્યું. મંદિરના પૂર્ણાહુતિના થોડા જ દિવસ બાકી હતા ત્યારે ફરીથી હનુમાનજી રાજાના સ્વપ્નમાં આવ્યા.
સપનામાં હનુમાનજીએ મહામ્યા કુંડમાંથી મૂર્તિ લઈને મંદિરમાં સ્થાપિત કરવાના સૂચના આપી. બીજા દિવસે રાજા ત્યાં પહોંચ્યા ત્યારે સ્ત્રી સ્વરૂપે હનુમાનજીની મૂર્તિ જોઈને અચંબિત થયા. સ્વયં બજરંગબલીનો આદેશ હોવાથી રાજાએ સ્ત્રી સ્વરૂપની મૂર્તિની મંદિરમાં પ્રતિષ્ઠા કરી. થોડા જ સમયમાં રાજા બીમારીમાંથી ઉગરી ગયા. રાજાએ ભગવાનનો આભાર માન્યો અને પ્રાર્થના કરી કે, અહીં દર્શન માટે આવતાં તમામ ભક્તોની ઈચ્છા પૂરી થાય.
રાયપુરમાં આવેલું સ્વામી વિવેકાનંદ એરપોર્ટ રતનપુરથી સૌથી નજીકનું એરપોર્ટ છે. એરપોર્ટથી બિલાસપુરનું અંતર 140 કિલોમીટર છે. બસ કે ટેક્સી દ્વારા બિલાસપુર પહોંચી શકાય છે. બિલાસપુરથી રતનપુર 28 કિલોમીટર દૂર છે. એટલે એરપોર્ટથી રતનપુર પહોંચવામાં લગભગ 5 કલાક લાગશે. જો ટ્રેનથી જવું હોય તો બિલાસપુર રેલવે સ્ટેશન રતનપુરથી 25 કિલોમીટર દૂર છે. રેલવે સ્ટેશન પર ઉતરી રતનપુર જવા ટેક્સી કરી શકો છો.
ઉનાળામાં રતનપુરમાં ધોમધીખતો તાપ પડે છે એટલે આ મંદિરમાં દર્શન માટે જવું હોય તો શિયાળાની ઋતુ બેસ્ટ છે. ઓક્ટોબરથી માર્ચ મહિનો આ હનુમાનજીના દર્શન માટે પર્ફેક્ટ છે.