પૃથ્વી પર એવી અનેક જગ્યાઓ છે, જે પોતાના રહસ્યો માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. આમાનું એક સ્થાન તુલસીશ્યામ છે. આ જગ્યા ઉનાની નજીક છે. તુલસીશ્યામ ગુરુત્વાકર્ષણ વિરોધ માટે જાણીતું છે. એવું માનવામાં આવે છે કે તુલસીશ્યામ પર્વત પર ગુરુત્વાકર્ષણ કામ નથી કરતું. જેના કારણે ગાડી બંધ હોવા છતાં તે અટકતી નથી પરંતુ ઉપર તરફ ચઢવા લાગે છે. વિજ્ઞાન માટે આ મોટું અચરજ છે, જે આજસુધી વણઉકેલ્યું છે. દુનિયામાં અનેક એવી જગ્યા છે જ્યાં ગાડી બંધ હોવા છતાં ગુરુત્વાકર્ષણની વિપરિત ચાલવા લાગે છે.
તુલસીશ્યામ નામ કેવીરીતે પડ્યું
આ જગ્યાનું પૌરાણિક માહાત્મ્ય રહેલું છે. સ્વર્ગના દેવો અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી છે આ જગ્યા. તુલસીશ્યામ સાથે અનેક કથાઓ જોડાયેલી છે. અહીં જાલંધરની પત્ની વૃંદા તુલસી રૂપે અને ભગવાન વિષ્ણું શ્યામ સ્વરૂપે બિરાજમાન હોવાથી આ જગ્યાનું નામ તુલસીશ્યામ પડ્યું છે. તો એક પૌરાણિક કથા અનુસાર, દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણે આ સ્થાન પર તૂલ નામના દાનવનો વધ કર્યો હતો. એટલા માટે આ સ્થાનનું નામ તુલસીશ્યામ પડ્યું છે. તુલસીશ્યામમાં 3 હજાર વર્ષ જુનું ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે, જેનું નિર્માણ કાળા પથ્થરથી થયેલું છે.
આ મંદિરના દર્શન માટે 400 પગથિયા ચડી ડુંગર પર જવું પડે. અહીં આવેલા ગરમ પાણીના કુંડનું માહાત્મ્ય પણ એટલું જ રહેલું છે, શિળાયો હોય, ચોમાસું હોય કે ઉનાળો હોય આ કુંડનું પાણી ગરમ જ રહે છે. આવી માન્યતા છે કે આ કુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગીના રોગ દૂર થઈ જાય છે.
તુલસીશ્યામ ક્યાં છે
તુલસીશ્યામ ઉનાથી આશરે 29 કિલોમીટર દૂર જંગલમાર્ગે આવેલું છે. રાજકોટથી આવનાર વાયા અમરેલી ભાવનગર રૂટથી આવે છે જે 190 કિમી થાય છે. જૂનાગઢ શહેરથી તુલસીશ્યામ 116 કિલોમીટર દૂર છે. અહીંથી નજીકનું રેલવે સ્ટેશન ઉના છે જે 29 કિમી દૂર છે. નજીકનું એરપોર્ટ દિવ છે જે 45 કિમી દૂર છે.
તુલસીશ્યામ પર ઝીરો ગ્રેવિટી કેમ છે
ભારતમાં તુલસીશ્યામ, સ્કૉટલેન્ડમાં ધ ઇલેક્ટ્રિક બે, અમેરિકામાં પ્રોસેર, ઓસ્ટ્રેલિયામાં બ્લેક રૉક અને કેલિફોર્નિયામાં કન્ફ્યૂઝન હિલ એન્ટી ગ્રેવિટી માટે પ્રસિદ્ધ છે. આ અંગે લોકોનું કહેવું છે કે તુલસીશ્યામનો રસ્તો સ્વર્ગ તરફ જાય છે, કારણ કે એવું લાગે છે કે તે આપણને ઉપરની તરફ ખેંચી રહ્યો છે. જો કે આ એક માન્યતા છે તેનો કોઇ વૈજ્ઞાનિક આધાર નથી.