ગાંધીનગરથી લગભગ 35 કિલોમીટર અંતરે આવેલા મહુડીમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે.
મહુડી ખાતેના આ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે. ભગવાન મહાવીરને પ્રસાદ તરીકે ચડાવાતી સુખડીના પ્રસાદનો નિયમ એવો છે કે તેને ત્યાંજ ખાવી પડે છે તેને મંદિરની બહાર નથી લઈ જઈ શકાતી. ઘંટાકર્ણ મહાવીરને સુખડી પ્રિય હોવાથી તેમને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
ઘંટાકર્ણજીને આ દેરાસરના પ્રાંગણમાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તે પ્રાંગણમાં જ ખાઈને અથવા ગરીબને આપીને પૂરી કરવાની હોય છે. લોકવાયકા અનુસાર અહીં બનતી પ્રસાદી ઘંટાકર્ણ મહારાજને અર્પણ કર્યાં બાદ ત્યાં જ પૂરી કરવાનો નિયમ છે. મંદિર પ્રાંગણમાંથી પ્રસાદી બહાર લઈ જવા પર નિષેધ છે. લોકવાયકા અનુસાર પ્રસાદીને મંદિર બહાર લઈ જવાનો પ્રયત્ન કરવાવાળા ક્યારેય સફળ થઈ શક્યાં નથી.
સેંકડો વર્ષ પહેલા પ્રાચીન મહુડી ગામમાં અતિ પ્રાચીન શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. જે સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરના કારણે ગામ ભયમાં આવી જતાં અગ્રણી જૈનોએ નવા ગામમાં વસવાટ કર્યો અને નૂતન જિનાલય નિર્માણ કરાવ્યું. મૂળનાયક શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાન, શ્રી આદેશ્વર સ્વામી ભગવાન, શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા સંવત 1974 માં માગસર સુદ 6 ના દિને શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મ.સા.એ કરી. મહુડી મંદિરનું નામ પડે એટલે તીર્થંકર ભગવાનનાં દર્શન અને તે સાથે ધનુર્ધારી શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને સુખડીનો પ્રસાદ અહીંના દર્શને આવનાર ભાવિકોનું સંભારણું બની રહે છે.
આવી જ અન્ય માહિતી અને રસપ્રદ ટ્રાવેલ આર્ટિકલ વાંચવા અમને અમારા ફેસબુક પેજ https://www.facebook.com/Chalofarava પર ફોલો કરો