ઉનાળાનું વેકેશન નજીકમાં છે ત્યારે જો તમે ગુજરાતથી નજીકના સ્થળે ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો તમારા માટે સિલ્વાસા એક નવી જગ્યા છે. મોટાભાગે લોકો ગુજરાતની નજીકના સ્થળોએ ફરવા માટે મોટાભાગે આબુ, ઉદેપુર, દિવ-દમણ જતા હોય છે. પરંતુ દાદરા અને નગર હવેલી મહારાષ્ટ્ર અને ગુજરાતની વચ્ચે આવેલું છે અને ઉત્તર-પશ્ચિમમાં 1 કિલોમીટરમાં દાદરા નાનકડું એન્ક્લેવ છે જે ગુજરાતથી ઘેરાયેલું છે. દાદરા અને નગર હવેલીની રાજધાની સિલવાસા છે. ઈતિહાસ પ્રમાણે, 19મી સદી સુધી સિલવાસા એક ગુમનામ સ્થળ હતું પરંતુ 1885માં પોર્ટુગલ શાસનમાં રાજ્યની રાજધાની બનાવ્યા બાદ દુનિયાભરમાં આકર્ષણનું કેંદ્ર બન્યું. સિલવાસામાં ફરવા માટે તમે ક્યાં ક્યાં જઈ શકો છો તે આજે અમે તમને જણાવીશું.
વાનગંગા તળાવ
સિલવાસાથી લગભગ 35 કિલોમીટરના અંતરે મધુબન ડેમ આવેલો છે. જે દામિની નદી પર બનેલો છે. અહીં ઘણીથી બધી વોટર ગેમ્સની વ્યવસ્થા છે. જ્યાં તમે રાફ્ટિંગની મજા લઈ શકો છો. અહીં તમને સુંદર લોકેશન પર ફરવા મળશે. કેટલાક બોલિવુડ સોન્ગમાં તમે આ જગ્યાઓ જોઈ હશે.
વસોના લાયન સફારી
જો તમે કુદરતને નજીકથી માણવા માગો છો અને વન્ય જીવો વચ્ચે સમય વીતાવવા માગો છો તો વસોના લાયન સફારીની મુલાકાત લેજો. આ અભ્યારણ્ય સિલવાસાથી માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં તમને ગીરના જંગલના સિંહ પણ જોવા મળશે.
રોમન કેથલિક ચર્ચ
દાદરા અને નગર હવેલી ક્ષેત્રમાં લાંબા સમય સુધી પોર્ટુગલ શાસન રહ્યું. આ જ કારણે આજે પણ અહીં પોર્ટુગલ જીવનશેલી અને કલા-સંસ્કૃતિ જોવા મળે છે. સિલવાસામાં આવેલી રોમન કેથલિક ચર્ચની વાસ્તુકલામાં પોર્ટગલની શૈલીનો પ્રભાવ છે. અહીંનું વાતાવરણ તમારું દિલ જીતી લેશે.
ખાનવેલ છે પ્રકૃતિનું ઘર
તમે ઝૂંપડીમાં રહેવાનો અનુભવ કરવા માગો છો? પહાડો પર બનેલા ઊંચા-ઊંચા કોટેજ અને નાના-નાના ખેતરોમાં સમય પસાર કરવા માગતા હો તો ખાનવેલ સૌથી સરસ જગ્યા છે. સિલવાસાથી લગભગ 20 કિમીના અંતરે આવેલી છે. અહીં વળાંકોવાળો રસ્તો સફરને રોમાંચક બનાવશે.
સતમાળિયા ડીયર પાર્ક
પ્રકૃતિ પ્રેમીઓને પ્રાણીઓ પ્રત્યે પણ પ્રેમ હોય છે. હરણ એવું પ્રાણી છે જે લગભગ દરેકને ગમે છે. અલગ-અલગ પ્રજાતિઓના હરણ જોવા હોય તો સતમાલિયા ડીયર પાર્ક પરફેક્ટ જગ્યા છે. અહીં આદિવાસીઓનું ગામ પણ છે જ્યાં તમે મસ્તીથી ફરી શકો છો. આ આદિવાસીઓ કોઈને નુકસાન નથી પહોંચાડતા. એક અજીબ સંયોગ તમને અહીં જોવા મળશે એ છે કે, વૃંદાવન નામના મંદિરમાં શંકર ભગવાનની પૂજા થાય છે. વૃંદાવન નામ કાને પડે એટલે શ્રીકૃષ્ણ યાદ આવે પણ આ મંદિરમાં ત્રિકાળદર્શી પૂજા થાય છે.