દેવોની ભૂમિ તરીકે પ્રસિદ્ધ ઉત્તરાખંડ પોતાની સુંદરતા માટે આખી દુનિયામાં ફેમસ છે. અહીં કેટલીક એવી જગ્યાઓ છે જેને જોવા માટે માત્ર દેશ જ નહીં વિદેશી પણ પ્રવાસીઓ આવે છે. ઉત્તરાખંડની આવી જ જગ્યાઓમાંની એક છે મુનસ્યારી. આ હિલ સ્ટેશન સુંદરતાની બાબતમાં કોઇનાથી જરાય ઉતરતું નથી.
સમુદ્રની સપાટીથી લગભગ 2300 મીટરની ઉંચાઇ પર સ્થિત આ જગ્યાને કુદરતનું વરદાન કહેવાય છે. ચારે બાજુ ગાઢ જંગલ અને બરફના શિખરો અહીં જોઇ શકાય છે. જો તમે આ જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અમે અહીંના મુખ્ય પર્યટન સ્થળો વિશે તમને જણાવીશું.
પંચચૂલી પર્વત
મુનસ્યારીમાં ફરવા અને જોવાલાયક સૌથી લોકપ્રિય સ્થાન છે પંચચૂલી પર્વત. આ પર્વત અંગે કહેવાય છે કે તે પાંચ શિખરો મળીને બન્યું છે. એવી પણ માન્યતા છે કે મહાભારત કાળમાં આ જ પર્વત પર પાંડવોએ સ્વર્ગારોહણની શરુઆત કરી હતી. કહેવાય છે કે આ પાંચ શિખરો પાંચ પાંડવોના પ્રતીક છે. બરફથી ઢંકાયેલા પર્વતોને જોઇને ખરેખર તમે ઉત્તરાખંડની બીજી કોઇ જગ્યાએ ફરવાનો વિચાર પણ નહીં કરો. ઇન્ડો-તિબેટ બોર્ડરની નજીક છે.
કલામુની ટૉપ
મુનસ્યારીથી લગભગ પંદર કિલોમીટરના અંતરે સ્થિત કલામુની ટૉપ અહીંની એક મુખ્ય જગ્યા છે. કુદરતી દ્રશ્યો માટે આ જગ્યા ઘણી જાણીતી છે. જો તમે એક પર્વત પર બેસીને સંપૂર્ણ મુનસ્યારીના પ્રાકૃતિક દ્રશ્યોનો નજારો ઉઠાવવા માંગો છો તો તમારે અહીં જરુર જવું જોઇએ. અહીં જવા માટે તમને મુખ્ય શહેરથી ઑટો કે ટેક્સી લઇને જવું પડશે. સ્થાનિક લોકો માટે આ એક પવિત્ર જગ્યા છે કારણ કે અહીં મા કાળીને સમર્પિત એક પ્રાચીન મંદિર પણ છે.
બિરથી વૉટરફૉલ
મુનસ્યારીના પ્રાકૃતિક ખજાનામાંથી એક છે બિરથી વૉટરફૉલ. મુનસ્યારીની યાત્રામાં તમે અહીં ફરવા માટે જઇ શકો છો. અદ્ભુત દ્રશ્યોની સાથે આ વૉટરફૉલ મુનસ્યારીની પસંદગી અને સૌથી ખાસ પિકનિક સ્પૉટ પૈકીનું એક છે. અહીં ઘણાં લોકો ટ્રેકિંગ કરવા આવે છે. આની આસપાસ નાના-નાના ઘાસ અને જુદા પ્રકારના ફુલો તેને ખાસ બનાવે છે.
થમરી કુંડ
મુનસ્યારી શહેરથી લગભગ 10 કિલોમીટર દૂર સ્થિત છે થમરી કુંડ. થમરી કુંડ સ્વચ્છ પાણીનું સરોવર પણ કહેવાય છે. આ સરોવર અંગે ધાર્મિક માન્યતા છે કે જ્યારે અહીં વધારે દિવસો સુધી વરસાદ નથી આવતો તો લોકો અહીં આવીને ઇન્દ્રદેવની પૂજા-અર્ચના કરે છે જેથી વરસાદ પડે. આ સરોવરની આસપાસ આવેલા અલ્પલાઇના ઝાડ આ જગ્યાને સુંદર બનાવે છે. કહેવાય છે કે ઘણીવાર આ સરોવરમાં કસ્તુરી મૃગ પાણી પીવા માટે આવે છે. જે ભારતમાં ઘણા ઓછા છે.