અમેરિકામાં ડલાસ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળના ઉદ્ઘાટનને પ્રતિષ્ઠા પૂર્વે ભગવાનની નગરયાત્રા નીકળી હતી જેમાં સંતો-ભક્તો ધૂન કિર્તન સાથે જોડાયા હતા. 3 દિવસ સુધી ભગવાની શ્રી સ્વામિનારાયણ સાથે શ્રી રાધાકૃષ્ણ દેવશ્રી સીતારામજી વગેરે દેવોએ અમેરિકાના ડલાસ શ્રી સ્વામિનારાયણ ગુરૂકૂળમાં યોજાએલા પચ્ચીસ કૂંડી શ્રી મહાવિષ્ણુયાગમાં ભક્તોએ અર્પેલી આહુતિઓને સ્વીકારી.
યજ્ઞની પૂર્ણાહૂતિ પછી ભગવત સ્વરૂપોને સંતોએ રથમાં આરૂઢ કર્યા. ધૂન કિર્તન સાથે સંતો હરિભક્તો ભગવાનના રથમે ખેંચી ડલાસ ગુરૂકૂળના 32 એકરના પરિસરમાં ફર્યા, આ રથયાત્રામાં ઘોડસ્વારો, ઢોલ, ધ્વજો, વિવિધ રંગબેરંગી છત્રીઓને ધારણ કરી ગુરૂકૂળના વિદ્યાર્થીઓ અને હરીભક્તો જોડાયા હતા.
ગુરૂકૂળના પ્રાર્થિના મંદિર ઉપરાંત, ડાઇનિંગ હોલમાં સહુએ મહાપૂજન કર્યું. આ મહાપૂજામાં 1008 જેટલા સંતો, હરિભક્તો, મહિલાઓ જોડાઇ હતી. જેમાં કૃષ્ણપ્રિયદાસજી અને શાસ્ત્રીશ્રી મધુસુદનદાસજી હાજર રહી આર્શીવાદ આપ્યા હતા.
આ પ્રસંગે દેવકૃષ્ણદાસજી સ્વામીએ કહ્યું કે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જુનાગઢમાં રાધારમણ દેવ-સ્વામિનારાયણ મંદિરમાં હતા ત્યારે 1945માં 21 દિવસનો યજ્ઞ કરેલો. એ પછી ભગવાનને રાજી કરવા રાજકોટ ગુરૂકૂળમાં ઘણા યજ્ઞો કરેલા. સ્વામિનારાયણ ભગવાને પણ અમદાવાદ પાસે જેતલપુર અને નડિયાદ પાસે ડભાણમાં મોટા મોટા યજ્ઞો કરેલા ત્યારે અમેરિકામાં આવડો મોટો યજ્ઞ તમારા સૌની હિંમત અને પ્રયત્નોથી પૂર્ણ થયો છે.