દરેક શુભકામ કરતાં પહેલા હંમેશા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણેશ એટલે રિદ્ધિ-સિદ્ધિના દાતા. ભક્તોના સંકટ હરનારા. તમામ કષ્ટોમાંથી મુક્તિ અપાવનારા. આવા ભગવાન ગણેશની ઉપાસના કરનારા કયારેય દુઃખી થતા નથી. ઓમં ગં ગણપતેય નમઃનો જાપ કરવાથી તમામ દુઃખોમાંથી મુક્તિ મળે છે. ત્યારે આજે આપણે વાત કરીશું અમદાવાદ નજીકના પ્રાચીન ગણેશ મંદિર વિશે.
અમદાવાદથી લગભગ 50 કિલોમીટર દૂર ધોળકાના કોઠ બાજુમાં આવેલું છે ગણેશપુરા ગામ. આ ગામમાં છે ભવ્ય ગણેશમંદિર. ગણેશપુરા ધોળકાથી ૨૩ કિલોમીટર, બગોદરાથી ૧૭ કિમી. છે. હવે તો આ ગામ ગણેશ ધોળકા તરીકે ઓળખાવા લાગ્યું છે. આ ગામનું મૂળ નામ ગણેશપુરા છે પરંતુ અહીં સ્વયંભૂ ગણેશજી વિરાજમાન હોવાથી ભાવિકોમાં ગણપતપુરા નામ વધુ જાણીતું બન્યું છે. જો કે નજીકમાં કોઠ ગામ આવેલું હોવાથી શ્રદ્વાળુઓ આ સ્થળને કોઠના ગણેશ તરીકે પણ ઓળખે છે. દર માસની ગણેશ ચોથે અમદાવાદ, આણંદ, ખેડા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ગણેશ ભકતો ગણપતપુરા દર્શનાર્થ જાય છે.
લોકોકિતનુસાર લોથલ પાસેના હાથેલ ગામના તળાવ નજીકના ઝાળામાંથી ભગવાન ગણેશની પ્રતિમા મળી આવી હતી.મતલબ કે સદીઓ અગાઉ અષાઢ વદ ચોથના દિવસે આ સિદ્વિવિનાયકનું પ્રાગટય થયું હતું. કહેવાય છે કે પ્રભુની મનમોહક પ્રતિમા જોઇને વિવિધ ગામના લોકો વચ્ચે મૂર્તિ કયા ગામમાં લઇ જવી તે બાબતે વિખવાદ થયો હતો. દરમ્યાન ત્યાં આવેલા એક બ્રાહ્મણે આ સમસ્યાનો ઉકેલ સૂચવતા જણાવ્યું હતું કે, ગણેશજીને કયાં જવું છે તે તેમના પર છોડી દો, મારા ગાડામાં ગણેશ પ્રતિમા મૂકી દો પછી બળદ ગાડાને જયાં અટકાવે તે સ્થળે ગણેશજીની સ્થાપના કરી દો. જો કે ઉપસ્થિત સૌએ બ્રાહ્મણની વાત સ્વીકારી અને પૂજા-અર્ચના સાથે ગણેશ પ્રતિમાને બળદ ગાડામાં બિરાજમાન કરી હતી.
કહેવાય છે કે બળદ જોડયા અગાઉ જ ગાડુ આપમેળે ત્યાંથી ચાલવા લાગ્યું હતું. જેથી આશ્ચર્યચકિત બનેલ સૌ પ્રભુની મરજી માનીને ગાડાની પાછળ ચાલ્યા હતા. દરમ્યાન ગાડુ ગણેશપુરાના સ્થાને આવીને અટકી ગયું હતું. આથી પ્રતિમાને ગામમાં સ્થાપિત કરવાની ઇચ્છા સાથે સૌએ ગાડામાંથી પ્રતિમાને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ પ્રતિમા લેશમાત્ર ન હલતા પ્રભુની ઇચ્છા માનીને સૌએ ગણેશપુરામાં પ્રતિમાની સ્થાપના કરી. ભકતોના મન આ સ્થાનનો વિશેષ મહિમા હોવા સાથે અહીંયા સ્વયં ગણેશજી પોતાની ઇચ્છાથી વિરાજમાન છે.
ભાવિકોના મતાનુસાર ગણેશજીની સ્વયંભૂ, સિદ્વિવિનાયક સ્વરુપની આટલી વિશાળ પ્રતિમા હોય તેવું આ એક જ મંદિર છે. ચોથના દિવસે ગણપતિદાદાને બુંદીના અને ચુરમાના લાડુ પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે. ગણેશજીના દર્શન સવારે ૪થી સાંજે ચંદ્રોદયની આરતી બાદ અડધો કલાક સુધી ખુલ્લા રાખવામાં આવે છે. ગણેશ મહોત્સવ ઉપરાંત દર સંકષ્ટી ચતુર્થી સહિતના દિવસોમાં પણ મોટી સંખ્યામાં ગણેશ ભકતો ગણપતપુરા પહોંચીને ગણેશાના દર્શન કરીને ધન્ય બને છે. શાસ્ત્રોનુસાર આ સ્થાનનું વર્ણન પદ્મ પુરાણમાં કરાયેલ વર્ણનાનુસાર ભાલ તીર્થ સરયૂના કિનારે ગણેશ પીઠ સ્થાપિત કરવામાં આવેલ છે.
પુરાણમાં ઉલ્લેખાયેલ ગણેશ પીઠ એટલે શ્રદ્વૈય ગણેશ તીર્થ ગણપતપુરા-ગણેશપુરા. અહીંયા દર મંગળવારે, સંકટ ચોથના દિવસે ભાવિકજનોની ભારે ભીડ ઉમટે છે. ગણેશભકતોને કોઇ માનતા માનવી હોય ત્યારે મંદિરના ડાબા હાથના દ્વારની બહાર ઉંધો સાથિયો કરવામાં આવે છે અને ગણેશજીના કાનમાં પોતે માનેલી માનતા કહેવામાં આવે છે. જયારે માનતા પૂરી થાય ત્યારે સીધો સાથિયો પાડીને તેની ઉજવણી કરવામાં આવતી હોવાની પણ લોકવાયકા છે. ગણેશ ઉત્સવ, ગણપતિ ચોથ હોય અને તેમાંય ખાસ કરીને અંગારકી ચોથ હોય ત્યારે આ મંદિરમાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.
સામાન્ય રીતે ડાબી તરફથી સૂંઢવાળા ગણપતિની મૂર્તિ મંદિરોમાં જોવા મળતી હોય છે. પરંતુ આ મંદિરની ખાસિયત એ છે કે અહીં ગણેશજીની મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેમજ એક દંતી અને સ્યંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે જે મૂર્તિ છ ફૂટની ઉંચાઇ ધરાવે છે.