64 વર્ષથી અવિરત પ્રવાસનું આયોજન, ગુજરાતી ભોજન તો આ ટ્રાવેલ્સનું જ

0
922
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

રોહિત ઠક્કર, નવભારત ટ્રાવેલ્સના માલિક

અમદાવાદની સૌથી જુની અને ભરોસાપાત્ર ટ્રાવેલ કંપનીની વાત કરીએ તો સૌથી પહેલું નામ નવભારત ટ્રાવેલ્સનું આવે. નવભારત ટ્રાવેલ્સ છેલ્લા 64 વર્ષોથી અવિરત પ્રવાસોનું આયોજન કરી રહી છે. નવભારત ટ્રાવેલ્સની પોતાની જર્ની પણ ઘણી રસપ્રદ છે. ચાલો ફરવા ડોટ કોમ આજે તમને નવભારત ટ્રાવેલ્સની સફર અંગે જણાવશે.

પિતાએ શરૂ કરી કંપની

નવભારત ટ્રાવેલ્સના માલિક રોહિત ઠક્કરના પિતાએ આ કંપની શરૂ કરી હતી. 1952ના વર્ષમાં રોહિતભાઇના પિતા અમદાવાદની બગીચા મિલમાં નોકરી કરતા હતા. તેઓ પોતાના સાત મિત્રો સાથે કાશ્મીરના અમરનાથના દર્શને ગયા. ત્યારે એક ફોટોગ્રાફરે અમરનાથના શિવલિંગનો ફોટો પાડ્યો જે રોહિતભાઇના પિતા લઇને અમદાવાદ આવ્યા. સારંગપુરમાં ચિત્રા સ્ટુડિયોમાં આ કોપી આપી અને જ્યારે જરૂર પડે ત્યારે તે કઢાવી લેતા હતા. આ રીતે ચિત્રા સ્ટુડિયો સાથે સંબંધ બંધાયો. તે વખતે પ્રચારના બહુ સાધનો નહોતા તેથી જેમ જેમ લોકોને આ અમરનાથના ફોટાની ખબર પડી ત્યારે લોકો પૈસા આપીને આ શિવલંગની કોપી લઇ જવા લાગ્યા.

નોકરી છૂટવી ટર્નિંગ પોઇન્ટ

નવભારત ટ્રાવેલ્સના રોહિત ઠક્કર જણાવે છે કે બગીચા મિલમાં કે જયાં તેમના પિતા નોકરી કરતા હતા ત્યાં નવી મશીનરી આવતા પિતાને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા જે તેમના માટે ટર્નિગ પોઇન્ટ સાબિત થઇ. તે વખતે વડોદરાની જયભારત કંપનીને અમદાવાદમાં ટ્રાવેલ્સની ઓફિસ ખોલવી હતી તેથી ચિત્રા સ્ટુડિયોના માધ્યમથી પિતાની મુલાકાત આ કંપની સાથે થઇ. પિતાની નોકરી તો હતી નહીં અમરનાથ યાત્રાનો અનુભવ હોવાથી સારંગપુરમાં જ ચિત્રા સ્ટુડિયોની ઉપર જયભારત કંપનીની ઓફિસ ખુલી. સૌ પ્રથમ પ્રવાસનું આયોજન અમરનાથનું જ થયું. પિતા જયભારત ટૂર્સના મેનેજર તરીકે 1954માં કાશ્મીર ગયા.

ગુજરાતી ભોજન સાથે પ્રથમ ટૂર

આ ટૂરના આયોજનના લગભગ 3 મહિના પછી જયભારતના માલિકનું નિધન થયું. અમદાવાદની ઓફિસનુ ભાડું પણ ચઢી ગયું હતું. કંપની માલિકની પત્નીને આ ઓફિસ ચલાવવામાં કોઇ રસ નહોતો. ત્યારે રોહિતભાઇના પિતાએ જયભારતનું નામ બદલીને નવભારત નામે ટ્રાવેલ કંપની શરૂ કરી. નવભારત ટ્રાવેલ્સ શરૂ કરી 1955માં અમરનાથ અને 1956માં પશુપતિનાથની ટૂરનું આયોજન કર્યું. જો કે બગીચા મિલના માલિકે તેમને ફરી નોકરીમાં બોલાવ્યા. હવે રોહિતભાઇના પિતા મુંઝવણમાં હતા કે નોકરી કરવી કે ટ્રાવેલ કંપની ચાલુ રાખવી. આવી વિચિત્ર પરિસ્થિતિમાં રોહિતભાઇના માતાએ કહ્યું કે નોકરીનો કોઇ ભરોસો નહીં. હું ગુજરાતી ભોજન બનાવીશ તમે ગુજરાતી ભોજન સાથે ટૂર ઉપાડો. અને આમ નવભારતની યાત્રા અન સંઘર્ષ શરૂ થયો.

નવભારત ટ્રાવેલ્સે 1971 સુધી વર્ષમાં 3 કે 4 પ્રવાસ કર્યા પરંતુ 1972માં મણીનગર સ્વામિનારાયણ મંદિરમાંથી 1200 માણસોના પ્રવાસનું મોટું આયોજન કર્યું. રોહિત ભાઇ કહે છે કે પિતાની મહેનત 1972માં અમને ફળી. મેં મારો પહેલો પ્રવાસ 1969માં કર્યો. હું કોલેજનું પહેલુ વર્ષ પાસ કરી વલ્લભ વિદ્યાનગરના ફાઇન આર્ટ્સના 20 સ્ટુડન્ટને લઇને ઇલોરાના પ્રવાસે ગયો.

પિતાએ ભણાવ્યા પ્રમાણિકતાના પાઠ

રોહિત ભાઇ કહે છે કે ધંધો નિષ્ઠા અને પ્રામાણિકતા કરવો એવી શિખામણ પિતા પાસેથી મળી છે. ટૂરમાં લઇ જવા માટે મારા માતા જાતે પાપડ, અથાણું બનાવતા. તેઓ કહે છે કે અમારૂ ઘર અને ટૂરનું ગોડાઉન એક જ રાખ્યું છે. અમે જે ભોજન પ્રવાસીઓને ખવડાવીએ તેજ અમે ખાઈએ છીએ. અમે ચારભાઇઓનું કટુંબ આ સમગ્ર બિઝનેસને સંભાળીએ છીએ.

રોહિતભાઇનું કહેવું છે કે ત્રણ વર્ષ પહેલા કેદારનાથમાં જે પુર આવ્યું તે વખતે થોડીક મુશ્કેલી અનુભવી હતી. અમારી ટૂરનો સાત દિવસ સુધી કોઇ સંપર્ક નહોતો થયો. પરંતુ છેવટે બધા સહિસલામત પાછા આવ્યા. અમે માનીએ છીએ કે અમારા પર ઇશ્વરની કૃપા છે તેથી ક્યારેય કોઇ મોટો એક્સીડન્ટ નથી થયો. પ્રવાસ દરમ્યાન કોઇ પ્રવાસીનું મૃત્યુ નથી થયું.

વર્ષે 300 પ્રવાસોનું આયોજન

હલ નવભારત ટ્રાવેલ્સ વર્ષની લગભગ 300 ટૂર કરે છે. હિમાચલમાં મનાલીના 70થી 80 જેટલા પ્રવાસો હોય છે, ઉપરાંત કાશ્મીર, કેરળ, અંદામાન, ગોવાના પ્રવાસો પણ નવભારત ટ્રાવેલ્સ કરે છે. નવભારત ટ્રાવેલ્સ હંમેશા તેની ગુજરાતી ભોજનની ક્વોલિટી માટે જાણીતી છે. કંપની હંમેશા શુદ્ધ શાકાહારી ભોજન આપે છે. નવભારતમાં 98 ટકા જેટલા ગ્રાહકો રિપિટેડ ક્લાયન્ટ છે. કંપની વધારે પડતું કામ લઇને કામ બગાડતી નથી. ગ્રુપ ટુર્સમાં જવા માટે નવભારત લોકોની પહેલી પસંદ બની ગઇ છે.