દુનિયામાં એવા ઘણાં રહસ્યમયી સ્થાનો છે, જે વિજ્ઞાન માટે આજે પણ એક કોયડો બનીને રહ્યા છે. આ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલ તો વિજ્ઞાનને તેમાં સંપૂર્ણ સફળતા નથી મળી. તેમાંનું એક રહસ્યમયી સ્થાન નોર્થ સેન્ટિનલ ટાપુ છે. આ ટાપુ પોતાની સમુદ્રી સુંદરતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. ઘણીવાર લોકોએ અહીંના સ્થાનિકો સાથે સંપર્ક સાધવાની કોશિશ કરી, પરંતુ અહીંના લોકો કોઇ બહારની વ્યક્તિઓ સાથે દોસ્તીના સંબંધ બાંધવા નથી માંગતા. આ જ કારણથી આ ટાપુ આજે પણ રહસ્યમયી છે. આ ટાપુના લોકો આદિવાસીઓની જેમ જીવન પસાર કરી રહ્યા છે. જો તમને આ ટાપુ અંગે ખબર નથી તો આવો જાણીએ
નોર્થ સેન્ટિનલ ટાપુ ક્યાં છે
આ ટાપુ ભારતનું અભિન્ન અંગ છે. નોર્થ સેન્ટિનલ ટાપુ કેન્દ્ર શાષિત પ્રદેશ અંદમાન-નિકોબારની રાજધાની પોર્ટ બ્લેરથી ફક્ત 60 કિલોમીટરના અંતરે સ્થિત છે. પોર્ટ બ્લેરથી નજીક હોવા છતાં આજ સુધી આ ટાપુનો સંપર્ક નથી કરી શકાયો. ઘણીવાર સરકાર તરફથી પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ ટાપુના સ્થાનિક રહેવાસીઓએ સરકારની મદદને ફગાવી દીધી છે.
જાણે તેઓ એવું કહેવા માંગે છે કે તેમને તેમના હાલ પર છોડી દેવામાં આવે. તેમને કોઇ બહારની વ્યક્તિ સાથે કોઇ લેવા-દેવા નથી. સરકારી આંકડા અનુસાર, આ ટાપુ પર થોડાક લોકો જ રહે છે. જ્યારે કોઇ બહારની વ્યક્તિએ આ ટાપુ પર જવાનો પ્રયત્ન કર્યો છે તેને તેની કિંમત ચુકવવી પડી છે.
હાલના વર્ષોમાં અમેરિકી નાગરિક જૉન એલને નોર્થ સેન્ટિનલ ટાપુ પર જવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના પ્રયાસમાં સ્થાનિક માછીમારોએ તેમની મદદ કરી હતી પરંતુ જેવા તેઓ ટાપુ પર પહોંચ્યા સ્થાનિક લોકોએ જૉન પર તીરકામઠાંથી હુમલો કર્યો. ત્યાર બાદ સરકારે નોર્થ સેન્ટિનલ ટાપુને પ્રતિબંધિત કરી દીધો છે. આ ટાપુ પર જતાં પહેલાં સરકાર પાસેથી મંજૂરી લેવી જરૂરી છે.