બેજોડ સુંદરતા અને પ્રકૃતિની ગોદમાં વસેલું છે શિમલા. હિમાચલ પ્રદેશનું પાટનગર એવા શિમલામાં જોવાલાયક અનેક સ્થળો છે. શિયાળામાં તેની બરફવર્ષા માણવા પણ લોકો મોટી સંખ્યામાં આવે છે. ત્યારે શિમલાના માર્ગો પર જાણે કે બરફની ચાદર લપેટાઇ હોય તેવો અનુભવ થાય છે. શિમલા માત્ર એક હિલ સ્ટેશન જ નથી પરંતુ તેનું ધાર્મિક મહત્વ પણ છે.
શિમલાના જાખુમાં આવેલું હનુમાન મંદિર એક વિશ્વ પ્રસિદ્ધ મંદિર છે તેના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. માન્યતા છે કે રામ-રાવણ યુદ્ધ દરમિયાન જ્યારે લક્ષ્મણ મૂર્છિત થયા ત્યારે સંજીવની બૂટી લેવા માટે હિમાલય તરફ આકાશ માર્ગે જતા હનુમાનજીની નજર અહીં તપસ્યા કરી રહેલા યક્ષ ઋષિ પર પડી. પછીથી આ જગ્યાનું નામ યક્ષ ઋષિના નામે જ યક્ષથી યાક, યાકથી યાકૂ અને યાકૂથી જાખુ સુધી બદલાતુ ગયું. હનુમાનજી વિશ્રામ કરવા અને સંજીવની બૂટીનો પરિચય પ્રાપ્ત કરવા માટે જાખુ પર્વતના જે સ્થાન પર ઉતર્યા, ત્યાં આજે પણ પદ ચિહ્નોથી સંગેમરમર બનાવીને રાખવામાં આવ્યું છે.
અહીં આવનારા ભક્તોનું કહેવું છે કે તેમને આ જગ્યાએ પરમ શાંતિનો અનુભવ થાય છે અને તેમની સર્વમનોકામના પૂર્ણ થાય છે. જાખુ મંદિરના પ્રાંગણમાં જ હવે હનુમાનજીની 108 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જેને તમે શિમલાની કોઇ પણ જગ્યાએથી જોઇ શકો છો.