હરિદ્વારમાં સ્ટ્રીટ ફૂડ ખાવા માટે આ છે બેસ્ટ જગ્યાઓ

0
488
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ઉત્તરાખંડમાં આવેલુ નાનકડુ શહેર હરિદ્વાર આધ્યાત્મિક દૃષ્ટિએ અનોખુ મહાત્મ્ય ધરાવે છે. તે હિંદુઓ માટે યાત્રા સ્થળ છે. અહીં પવિત્ર ગંગા નદી વહે છે અને હિંદુઓ માટે સૌથી પવિત્ર સાત સ્થળોમાં હરિદ્વાર એક છે. હરિદ્વાર તમે ઈશ્વરની નજીક અનુભવો છો. આ જગ્યા તેના સ્ટ્રીટ ફૂડ માટે પણ એટલું જ પોપ્યુલર છે. હરિદ્વાર તેની મીઠાઈ અને ચાટ માટે પ્રખ્યાત છે. જો તમે હરિદ્વાર જવા માંગતા હોવ તો જાણી લો ત્યાં કઈ કઈ ચીજો ક્યાં સારી મળે છે.

હરિદ્વારમાં આ વખણાય છે

પુરી આલુ, કુલ્લડ દૂધ, મીઠા સમસોસા, ક્રિસ્પી કચોરી, હરિદ્વારા તેના આ સ્ટ્રીટ ફૂડ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. ત્યાં સ્ટ્રીટ ફૂડના અનેક સ્ટૉલ્સ છે જે પેઢીઓથી પોતાની સ્વાદિષ્ટ વાનગીઓ માટે પ્રખ્યાત છે. તમે હરદ્વાર જાવ તો તમારી સવાર પંડિત સેવારામ શર્મા દૂધ વાલાના ગરમાગરમ કુલ્લડ દૂધથી કરી શકો.ત્યાર બાદ કશ્યપ કચોરી ભંડારમાં કચોરીની એક ડિશ ખાવ અને મથુરા વાલો કી પ્રાચીન દુકાનમાં ગળ્યા સમોસા ખાવ તો જલસો પડી જશે. ભગવતી છોલે ભંડારના ક્રિસ્પી છોલે ભટુરે પણ મિસ કરવા જેવા નથી. જાણો હરિદ્વારમાં સૌથી સરસ સ્ટ્રીટ ફૂડ ક્યાં મળે છે.

મથુરા વાલો કી પ્રાચીન દુકાન

ગળ્યુ ખાવાના શોખીન લોકો માટે આ જગ્યા સ્વર્ગ છે. તમને જોઈને નહિ લાગે કે આ દુકાન આટલી પ્રખ્યાત હશે. છેલ્લા 90 વર્ષથી આ દુકાન સ્વીટના બિઝનેસમાં છે. તે ગળ્યા સમોસા માટે વખણાય છે. આ ઉપરાંત અહીં ફ્રેશ પેંડા, કુલ્ફી, બરફી અને નરમ નરમ ગુલાબજાંબુ પણ સરસ મળે છે. આ દુકાનના નામમાં જ પ્રાચીન આવે છે. હરિદ્વારમાં મથુરા વાલો કી દુકાન નામની અનેક દુકાનો શરૂ થતા ઓરિજિનલ દુકાન વાળાઓએ તેમના નામમાં પ્રાચીન ઉમેરી દીધુ છે. સાંજે છ વાગે આ દુકાન બંધ થઈ જાય છે. અહીં ખાવુ હોય તો બપોરે કે સવારે જવાય તેવી રીતે પ્લાન બનાવવો.

ભગવતી છોલે ભંડાર

આ પણ હરિદ્વારમાં આવેલી જૂના જમાનાની દુકાન છે. છોલે ભતૂરે ખાવાના શોખીન હોવ તો તો આ જગ્યા તમારે ટ્રાય કરવી જ રહી. દાયકાઓથી આ દુકાનના માથે બેસ્ટ છોલે ભતૂરે બનાવવાનો તાજ છે. તેમાં 15 જણ કરતા વધારે લોકો બેસવાની જગ્યા નથી. અહીં ઘણા લોકો ટેક અવે પણ લઈ જાય છે. અહીં ભતૂરા ટેસ્ટી છોલે, ફુદીનાની ચટણી અને સલાડ સાથે પીરસાય છે. આ બધુ જ અહીં વર્ષોથી કામ કરતા એક્સપર્ટ રસૌઈયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. આ દુકાન એટલી પોપ્યુલર છે કે સાંજે પાંચ વાગતા સુધીમાં તો અહીં ફૂડ પતી જાય છે. જો બપોરે પેટ ભરીને જમવું હોય તો આ સારો ઓપ્શન છે.

કશ્યપ કચોરી ભંડાર

બહારથી જોશો તો આ સાવ સાધારણ દુકાન લાગશે પરંતુ અંદર જશો તો તમને મળશે જોરદાર સરપ્રાઈઝ. અહીં હરિદ્વારનું સૌથી બેસ્ટ સ્ટ્રીટ ફૂડ મળે છે. અહીંની ક્રિસ્પી કચોરી વખણાય છે. તેમાં વિવિધ દાળ અને બટેટાનું ફિલિંગ હોય છે. સ્પાઈસી અને ફ્રેશ કચોરી બટેટાની ગ્રેવી અને આમલીની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. તે ઘણા યાત્રીઓમાં લોકપ્રિય બ્રેકફાસ્ટ સ્પોટ છે. તમે સવારે સાત વાગ્યે પણ અહીં ગરમાગરમ કચોરી ખાઈ શકશો. અહીં પણ ગણતરીના કલાકોમાં ફૂડ પૂરુ થઈ જાય છે. આથી અહીં બધુ પતી જાય એ પહેલા જ વહેલી સવારે ટેસ્ટી ફૂડની લિજ્જત માણી આવજો.

મોહન જી પુરી વાલે

આ દુકાન ગંગા નદીના કિનારે લેન્ડ માર્ક જેવી બની ગઈ છે. મેન્યુમાં તમને હરિદ્વારની અનેક પરંપરાગત વાનગીઓ જોવા મળશે. નાસ્તાથી માંડીને મીઠાઈ સુધી અહીં બધુ જ મળે છે. આ જગ્યા તેની આલુ પૂરી માટે વખણાય છે. તમે ઓર્ડર આપો તે પ્રમાણે ગરમાગરમ પુરી અને બટેટાનું શાક બનાવી આપવામાં આવે છે. સાથે લસ્સી પીશો તો આ અનુભવ તમે જીવનભર નહિ ભૂલી શકો. સ્થાનિકોમાં પણ આ જગ્યા ફેવરિટ છે. મોડી સાંજે અનેક લોકો અહીંથી ફૂડ પેક કરાવી લઈ જાય છે. સવારે કે બપોરે અહીં જશો તો ખાવા પીવાની મજા પડી જશે.

પંડિત સેવારામ શર્મા દૂધવાલે

આ દુકાન 100 વર્ષથી પણ જૂની છે. ગળ્યુ ખાવાનું શોખીન હોય તે લોકોએ તો આ દુકાને જવું જ જોઈએ. આ દુકાનમાં કુલ્લડમાં ગરમ ગરમ દૂધ, સૂકામેવાથી ભરપૂર દૂધનો હલવો, મલાઈ લાડુ અને દૂધમાંથી બનેલી પરંપરાગત ભારતીય સ્વીટ્સ મળે છે. તે કુલ્લડ દૂધ માટે પ્રખ્યાત છે. સાંજે અહીં લોકોની લાઈન લાગે છે. સવારે જશો તો ભીડ નહિ નડે. આ નાનકડી દુકાન હરિદ્વારના હર કી પૌડી પાસે આવેલા મુખ્ય બજાર મોતી બઝારમાં આવેલી છે.