ફેસ્ટિવલની સાથે જ શરૂ થાય છે હરવા ફરવાનો સમય. આ એવો સયમ છે જયારે તમે લાંબા વેકેશનનું આરામથી પ્લાનિંગ કરી શકો છો. સપ્ટેમ્બરથી માર્ચ મહિના વચ્ચે વેકેશન પર જવા માટે પરફેક્ટ હોય છે. જો તમે, ગોવા, કેરળ, તામિલનાડુ અને ઓરિસ્સાના બીચ ફરી ચૂક્યા છો તો આ વખતે મહારાષ્ટ્રમાં ગણપતિપુલે જવાનો પ્લાન બનાવો. ગણપતિપુલે, જ્યાં લોકો ભગવાન ગણેશના દર્શન માત્ર માટે નહીં પરંતુ વેકેશન એન્જોય કરવાના હેતુથી પણ આવે છે. વિશાળ સમુદ્રનું સ્વચ્છ વાદળી પાણી અને કિનારે ફેલાયેલી સફેદ રેતીની ચાદર આ જગ્યાની સુંદરતામાં વધારો કરે છે. બીચ ડેસ્ટિનેશન ઉપરાંત, આ જગ્યા કોંકણી કલ્ચર અને ખાણીપીણીને જાણવા માટે શ્રેષ્ઠ છે.
અમદાવાદથી લગભગ 853 કિમી દૂર મુંબઇના દક્ષિણ કોંકણ કિનારાથી જોડાયેલી આ જગ્યાનું નામ ગણપતિ ભગવાનના નામથી પ્રેરિત છે. જ્યાં વિશાળ પથ્થર દ્ધારા ગણેશ ભગવાનની મૂર્તિ જાતે નિર્મિત થઇ છે. 400 વર્ષ જુના આ મંદિર અને આસપાસની સુંદરતા ઉપરાંત અહીં ઉગતા અને આથમતા સૂર્યનો નજારો પણ પોતાનામાં અદ્ભુત હોય છે.
આનંદિત કરે છે સમુદ્રની વિશાળતા
વધારે ભીડ ન હોવાથી અહીં વિશાળ સમુદ્રના નજારાને જોવાનો લ્હાવો છે. અહીંની નેચરલ બ્યૂટી જોવા લાયક છે. દરેક જગ્યાએ હરિયાળી અને પાણી જ પાણી. દરિયા કિનારે રો બોટ્સ, મોટરબોટ્સ, એરો બોટ્સ, પેડલ બોટ્સ જેવી અનેક વોટર સ્પોર્ટ્સનો આનંદ લઇ શકાય છે. ત્યાં સુધી કે પેરાગ્લાઇડિંગની પણ સુવિધા અહીં છે.
સુંદર સી-બીચ
ગણપતિપુલે કોંકણ કિનારે વસેલુ એક સુંદર બીચ છે. બીચ ડેસ્ટિનેશન પસંદ કરનારાઓની સાથે જ શાંત વાતાવરણ ઇચ્છનારા અને તીર્થયાત્રીઓની પણ પસંદગીની જગ્યા છે. અહીં સ્વયંભૂ ગણેશના મંદિરમાં શ્રદ્ધાળુઓની હંમેશા ભીડ જોવા મળે છે. અહીં સ્થિત ગણેશ ભગવાનને પશ્ચિમી સમુદ્રના દ્ધારદેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ખાણી-પીણીમાં અહીંનું આ વખણાય છે
ગણપતિપુલેથી એક કિમી દૂર સ્થિત મલગુંડ એક નાનકડું ગામ છે જે પ્રસિદ્ધ મરાઠી કવિ કેશવાસૂતનું જન્મસ્થળ છે. અહીં જઇને તમે આ મહાન કવિના ઘરે જઇ શકો છો જેને હવે હોસ્ટેલમાં ફેરવી નાંખવામાં આવી છે. મરાઠી સાહિત્ય પરિષદ દ્ધારા બનાવેલા કેશવાસૂતનું સ્મારક પણ તમે જોઇ શકો છો. કોંકણમાં દરેક જગ્યાએ આફૂસ કેરીના ઝાડ પણ તમને જોવા મળશે. અહીં કટહલની રોટી (જેકફ્રૂટ) અને કોકમ કઢી વખણાય છે. આ જગ્યાએ ફરવા માટે સમય કાઢીને દરેક ચીજનો આનંદ માણવો જોઇએ.
કેવી રીતે પહોંચશો
હવાઇ માર્ગ- કોલ્હાપુર અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ છે
રેલવે માર્ગ- ભોક(35 કિમી) અહીંનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે. પરંતુ રત્નાગિરી (45 કિમી) રેલવે સ્ટેશન ઉતરીને અહીં પહોંચવાનું વધુ સરળ છે.
રોડ દ્ધારા- મુંબઇ-ગણપતિપુલે 375 કિમી, પુણે-ગણપતિપુલે 331 કિમી અને કોલ્હાપુર-ગણપતિપુલે 144 કિમી દ્ધારા પણ પહોંચવાનો ઓપ્શન છે તમારી પાસે