ભગવાનના આ ધામમાં 6 મહિના સુધી પોતાની મેળે સળગતો રહે છે દીવો

0
683
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે કેદારનાથ મંદિર. જે દેશના 12 જ્યોર્તિલિંગોમાંનું સૌથી ઉંચુ છે. રુદ્રપ્રયાગ અને ચમોલી જિલ્લામાં ભગવાન શિવના 200થી વધુ મંદિર છે. કેદારનાથ મંદિર ત્રણે તરફથી કેદારનાથ, ખર્ચકુંડ અને ભરતકુંડ પર્વતોથી ઘેરાયેલું છે. આ ઉપરાંત, અહીં મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સ્વર્ણગૌરી 5 નદીઓનો સંગમ પણ છે. જેમાંથી હવે ફક્ત અલકનંદા અને મંદાકીની જ મોજુદ છે. શિયાળામાં મંદીર સંપૂર્ણ રીતે બરફથી ઢંકાઇ જાય છે. આ સમયગાળા દરમ્યાન મંદિરના દ્ધાર બંધ કરી દેવામાં આવે છે અને અક્ષયતૃતિયાથી શરૂ કરીને કાર્તિક સુદ પૂર્ણિમા સુધી દર્શન માટે ખુલ્લું રહે છે. ત્યારબાદ શિયાળાની શરૂઆત થતાં જ ભગવાનને સ્થળાંતરિત કરીને ઉખીમઠ ખાતે પૂજનઅર્ચન અર્થે લાવવામાં આવે છે. આ ક્ષેત્રનું નામ કેદારખંડ હોવાને કારણે ભગવાન સદાશિવને અહીં કેદારનાથ એટલે કે કેદારના નાથ તરીકે પૂજવામાં આવે છે.

કેદારનાથનો ઇતિહાસ

નર અને નારાયણની તપસ્યાનું ફળ

હિંદુઓના પ્રસિદ્ધ ચાર ધામોમાંથી કેદારનાથ અને બદ્રીનાથ ઉત્તરાખંડમાં જ છે. જુની કથાનુસાર હિમાલયના કેદાર શ્રૃંગ પર ભગવાન વિષ્ણુના અવતાર નર અને નારાયણ તપસ્યા કરતા હતા. જેનાથી પ્રસન્ન થઇને ભગવાન શંકરે તેમને દર્શન આપ્યા અને તેમના કહેવા અનુસાર જ્યોર્તિલિંગના રૂપે ત્યાં જ વસવાનો આર્શીવાદ પણ આપ્યો.

પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું અને શ્રી આદિ શંકરાચાર્યએ તેનો પુનરોદ્ધાર કરાવ્યો હતો.
બાર જ્યોતિર્લિંગો પૈકીના એક એવા શ્રી કેદારનાથ મંદિર જવા માટે સડક માર્ગ ઉપલબ્ધ નથી આથી પગપાળા કે ઘોડા પર સવાર થ‌ઈ અથવા ડોળી (પાલખી) દ્વારા જ‌વું પડે છે. હિમાલયમાં આવેલા ચારધામ પૈકીનું આ એક ધામ ગણાય છે. આ સ્થળે જવા માટે ગૌરીકુંડ સુધી વાહનોની સગવડ મળે છે, જે કેદારનાથથી ૧૪ કિ.મી જેટલા અંતરે આવેલું છે.

ઇ.સ. ૨૦૧૩માં આવેલા પૂરને કારણે ગૌરીકુંડથી રામબાડાનો જૂનો રસ્તો સંપૂર્ણ પણે ધોવાઈ ચુક્યો છે.

મંદિરની બનાવટ

સમુદ્રની સપાટીએથી લગભગ 3584 મીટર ઉંચાઇએ કેદારનાથ મંદિર 85 ફૂટ ઉંચુ, 187 ફૂટ લાંબુ અને 80 ફૂટ પહોળું છે. મંદિરને 6 ફૂટ ઉંચા ચબુતરા પર બનાવાયું છે. એવું માનવામાં આવે છે કે કેદારનાથ મંદિર 100 વર્ષ જુનું છે. મંદિર બે ભાગોમાં ગર્ભગૃહ અને મંડપમાં વહેંચાયેલું છે. મંદિરના મુખ્ય દ્ધાર પર નંદી બળદ બિરાજમાન છે. મંદિરની દિવાલો પર પૌરાણિક કથાઓ અને ચિત્રોને જોઇ શકાય છે.

છ મહિના સુધી સળગતો રહે છે દીપક

દિવાળી પછી છ મહિના સુધી એટલે કે મે મહિનામાં મંદિરના દ્ધાર ખુલે ત્યાં સુધી તેનો દીવો પ્રજ્વલિત રહે છે અને નિરંતર પૂજા પણ થતી રહે છે. દ્ધાર ખુલ્યા બાદ આશ્ચર્યનો વિષય છે કે એવી જ સાફ-સફાઇ મળે છે જેવી છોડીને ગયા હતા.

મંદિરના ખુલવા અને બંધ થવાનો સમય

આમ તો મંદિર સવારે 4 વાગે ખુલી જાય છે પરંતુ દર્શન સવારે 6 વાગ્યાથી શરૂ થાય છે. બપોરે 3થી 5 વિશેષ પૂજા માટે મંદિર બંધ રહે છે. પંચમુખી ભગવાન શિવનો સાજ-શ્રૃંગાર કરીને 7.30થી 8.30 વાગે આરતી થાય છે. 9 વાગે મંદિર બંધ થઇ જાય છે.

કેવી રીતે પહોંચશો

હવાઇ માર્ગ- જોલીગ્રાન્ટ હવાઇ એરપોર્ટ અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ છે. એરપોર્ટથી ટેક્સી મળી જાય છે જેનાથી તમે ગૌરી કુંડ સુધી પહોંચી શકો છો.

રેલવે માર્ગ- આમ તો ઋષિકેશ અહીનું સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે પરંતુ તમે હરિદ્ધાર, કાઠગોદામ અને કોટદ્ધાર પહોંચીને પણ કેદારનાથ સુધી પહોંચી શકો છો.

સડક માર્ગ- ઉત્તરાખંડ અને બાકી બીજી જગ્યાઓથી તમે સરળતાથી ગૌરીકુંડ સુધી પહોંચી શકો છો. ત્યાર બાદ કેદારનાથ મંદિર સુધી કેટલાક અંતરનો ટ્રેક કરવો પડે છે. ચમોલી, હરિદ્ધાર, ઋષિકેશ, ટિહરી, શ્રીનગર અને દેહરાદૂન પહોંચીને અહીં જઇ શકાય છે.

કેદારનાથ માટે હવે હેલીકોપ્ટરની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. ગુપ્તકાશી, ફાટા અને સિરસીથી ક્રમશઃ 7300, 6700 અને 6350 ભાડું આપવું પડશે. જો કે અહીં દર્શાવેલા ભાડમાં ફેરફાર થઇ શકે છે.