વૈષ્ણવ ભક્તો માટે સારા સમાચાર છે. હવે રાજકોટથી નાથાદ્વારા સુધીની સીધી એસટીની વોલ્વો બસ દોડશે. રાજકોટમાં દરરોજ સાંજે સાડા છ વાગ્યે આ બસ નાથદ્વારા જવા માટે ઉપડશે. એસટીની બસ શરૂ થયા બાદ ભક્તો ખાનગી બસો કરતા ઓછા ભાડામાં નાથદ્વારા પહોંચી શકાશે. ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ તરફથી બસ સેવા શરૂ કરવામાં આવશે.
રાજકોટ અને અમદાવાદ વચ્ચે આવ-જા કરતા પ્રવાસીઓ માટે STએ (સ્ટેટ ટ્રાન્સપોર્ટ) ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. એસટી તરફથી હવે પીક-અવર્સ દરમિયાન રાજકોટથી અમદાવાદ વચ્ચે દર અડધો કલાકે વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, રાજકોટ અને અમદાવાદ વચ્ચે હાલ એસટીની વોલ્વો બસો ચાલી જ રહી છે, પરંતુ હવેથી પીક-અવર્સ દરમિયાન વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટથી કેવડિયાની સીધી ST વોલ્વો બસ સેવા
નવેમ્બરમાં એસટી તરફથી રાજકોટથી કેવડિયાની સીધી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની મુલાકાત લેવા માટે લોકોએ હવે વાહનો બદલીને જવાની જરૂર નથી પડતી. સૌરાષ્ટ્રના લોકો કોઈ પણ વિઘ્નો વગર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ શકે તે માટે ગુજરાત એસ.ટી.એ નવી પહેલ કરી હતી. આ માટે દર શનિવાર અને રવિવારે ખાસ વોલ્વો બસ દોડાવવામાં આવી રહી છે.