જંગલના કઠિન રસ્તા પાર કર્યા પછી થાય છે આ મહાદેવના દર્શન, પુરી થાય છે દરેક મનોકામના

0
735
Advertisement
Hotel Anil Farmhouse, Sasan Gir

દક્ષિણ ભારતમાં કૈલાશના નામથી જાણીતા આંધ્ર પ્રદેશના શ્રીમલ્લિકાર્જુન મંદિર ભારતના બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. આ જ્યોર્તિલિંગ કૃષ્ણા નદીના તટ પર શ્રીશૈલમ નામના પર્વત પર સ્થિત છે. શ્રીશૈલમ પર્વત કરનૂલ જિલ્લાના નલ્લા-મલ્લા નામના ગાઢ જંગલોની વચ્ચે છે. નલ્લા-મલ્લાનો અર્થ છે સુંદર અને ઉંચો. આ પર્વતની ઉંચા શિખર પર ભગવાન શિવ શ્રી મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગના સ્વરુપે બિરાજમાન છે. મલ્લિકાર્જુન મંદિરમાં સ્થિત જ્યોતિર્લિંગ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું એક છે તથા 12 જ્યોતિર્લિંગોમાંથી મલ્લિકાર્જૂન જ્યોતિર્લિંગને બીજુ જ્યોતિર્લિંગ પણ માનવામાં આવે છે. મલ્લિકાનો અર્થ માતા પાર્વતીનું નામ છે, તો અર્જુન ભગવાન શંકરને કહેવામાં આવે છે. અહીં ભગવાન શિવની મલ્લિકાર્જૂન તરીકે પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર અહીં આવનારા દરેક ભક્તની બધી મનોકામના પૂર્ણ થાય છે.

મંદિરમાં માતા પાર્વતીને ભ્રામમ્બાના સ્વરુપે પૂજવામાં આવે છે. મંદિરની દિવાલો 600 ફૂટની ઉંચાઇવાળી 152 મીટર (49.9 ફૂટ) અને 8.5 મીટર (28 ફૂટ)થી બની છે. દિવાલો પર અનેક અદ્ભુત મુર્તિઓ બનાવવામાં આવી છે, જે લોકોના આકર્ષણનું કેન્દ્ર માનવામાં આવે છે. સ્કંદ પુરાણમાં શ્રી શૈલ કાન્ડ નામનો અધ્યાય છે. તેમાં મંદિરનું વર્ણન મળે છે. આનાથી આ મંદિરની પ્રાચીનતાની ખબર પડે છે. કહેવાય છે કે આદિ શંકરાચાર્યે જ્યારે આ મંદિરની યાત્રા કરી ત્યારે તેમણે શિવાનંદ લહેરીની રચના કરી હતી.

ગાઢ જંગલોમાં થઇને પહોંચવુ પડે છે મંદિરે

જ્યોતિર્લિંગ સુધી પહોંચવા માટે ગાઢ જંગલોમાં થઇને રોડ માર્ગે જવું પડે છે. આ રસ્તો અંદાજે 40 કિલોમીટર અંદર થઇને પસાર થાય છે. ગાઢ જંગલો વચ્ચેથી રસ્તો પસાર થવાના કારણે સાંજે 6 વાગ્યા પછી વન ક્ષેત્રમાં પ્રવેશ વર્જિત હોય છે અને સવારે 6 વાગ્યા પછી જ તેના દરવાજા ખોલવામાં આવે છે. આ જંગલના રસ્તેથી પસાર થઇને કેટલાક કિલોમીટર પછી શૈલ બાંધથી 290 મીટરની ઉંચાઇથી પડતા પ્રબળ જળધોધ નજરે પડે છે. આ જળપ્રવાહને જોવા માટે પર્યટકો તેમજ દર્શનાર્થીઓની ભીડ રહે છે.

સમય સારણી

મંદિરના કપાટ સવારે 4:30 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધી ખુલ્લા રહે છે ત્યાર બાદ સાંજે 4:30થી રાતે 10 વાગ્યા સુધી ખુલ્લા રહે છે.
આરતીનો સમય: સવારે 6 વાગે અને સાંજે 5:30 વાગે
દર્શન સમય: સવારે 6:30 વાગ્યાથી બપોરે 3:30 સુધી અને સાંજે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી

શ્રીમલ્લિકાર્જુનનું પૌરાણિક મહત્વ

એકવાર ભગવાન શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેય સ્વામી અને ગણેશ પોતાના વિવાહ માટે અંદરોઅંદર ઝગડવા લાગ્યા. કાર્તિકેયનું માનવું હતું કે તેઓ મોટા છે, એટલા માટે તેમના લગ્ન પહેલા થવા જોઇએ, જો કે શ્રી ગણેશ પોતાના લગ્ન પહેલા કરાવવા માટે જીદે ચઢ્યા હતા. જ્યારે બન્નેના ઝગડાનું કારણ પિતા મહાદેવ અને માતા પાર્વતીને ખબર પડી તો તેમણે આ ઝગડાને સમાપ્ત કરવા માટે કાર્તિકેય અને ગણેશની સામે એક પ્રસ્તાવ રાખ્યો. તેમણે કહ્યું કે તમારા બન્નેમાંથી જો કોઇપણ પૃથ્વીની પરિક્રમા કરીને પહેલા અહીં આવશે, તેના લગ્ન પહેલા થશે. શરત સાંભળતા જ કાર્તિકેયજી પૃથ્વીની પરિક્રમા કરવા માટે નીકળી પડ્યા પરંતુ ગણેશજી માટે તો આ કાર્ય ઘણું જ મુશ્કેલ હતું. ગણેશજી શરીરે ભલે સ્થૂળ હોય પરંતુ બુદ્ધિના સાગર હતા. તેમણે એક ઉપાય વિચાર્યો અને માતા પાર્વતી અને પિતા મહાદેવને એક આસન પર બેસાડી સાત વાર પરિક્રમા કરી. તેમની ચતુર બુદ્ધિને જોઇને શિવ-પાર્વતીએ ઘણાં ખુશ થયા અને ગણેશજીના વિવાહ કાર્તિકેયથી પહેલા કરાવી દીધા. જ્યાં સુધી કાર્તિકેય પૃથ્વીની પરિક્રમા કરીને પાછા આવે ત્યાં સુધીમાં તો ગણેશજીના લગ્ન વિશ્વરૂપ પ્રજાપતિની પુત્રીઓ રિદ્ધિ અને સિદ્ધિ સાથે થઇ ચૂક્યા હતા. જેનાથી તેમને શુભ અને લાભ નામના પુત્રો પણ થયા હતા.

આ બધુ જોઇને સ્વામી કાર્તિકેય નારાજ થયા અને ક્રોંચ પર્વત તરફ જતા રહ્યા. તેમને મનાવવા માટે દેવર્ષિ નારદને મોકલવામાં આવ્યા પરંતુ તેઓ માન્યા નહીં. કાર્તિકેયના ગયા પછી માતા પાર્વતી પણ ક્રોંચ પર્વત પહોંચ્યા. બીજી તરફ ભગવાન શિવ પણ જ્યોર્તિલિંગના સ્વરુપે ત્યાં પ્રકટ થયા. ત્યારથી તે મલ્લિકાર્જુન જ્યોર્તિલિંગના નામથી જાણીતા થયા. મલ્લિકા માતા પાર્વતીનું નામ છે, જ્યારે અર્જુન ભગવાન શંકરને કહેવામાં આવે છે. આ કથા ઉપરાંત બીજી પણ અનેક કથાઓ છે જે ‘મલ્લિકાર્જુન’ જ્યોતિર્લિંગ અંગે કહેવામાં આવી છે.

કેવીરીતે પહોંચશો મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ

મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્ર પ્રદેશના શ્રીસૈલમમાં આવેલું છે. તમે રોડ, રેલવે અને હવાઇ યાત્રા દરમિયાન આ જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો.

રોડ દ્ધારા શ્રીસૈલમ પૂર્ણ રીતે જોડાયેલું છે. વિજયવાડા, તિરુપતિ, અનંતપુર, હૈદરાબાદ અને મહબૂબનગરથી નિયમિત રીતે શ્રીસૈલમ માટે સરકારી અને ખાનગી બસો દોડાવવામાં આવે છે.

શ્રીસૈલમથી 137 કિલોમીટર દૂર પર સ્થિત હૈદરાબાદનું રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે. અહીંથી તમે બસ કે ટેક્સી દ્ધારા મલ્લિકાર્જુન પહોંચી શકો છો.

અહીંથી નજીકનું રેલવે સ્ટેશન મર્કાપુર રોડ છે જે શ્રીસૈલમથી 62 કિલોમીટરના અંતરે છે. પછી ટેક્સી દ્ધારા મલ્લિકાર્જુન પહોંચી શકો છો.